શરણાર્થી એટલે કે રેફ્યુજી શબ્દ માત્ર એક સામાજિક કે કાનૂની વ્યાખ્યા નથી, પરંતુ ઘર-બાર, વતન અને સ્વજનો છોડીને સુરક્ષિત ભાવીનાં સપના લઇને અજાણ્યા દેશ તરફ દોડી રહેલા કરોડો મનુષ્યોની કરુણતા અને વેદનાની ગાથા છે. તાજેતરમાં ફ્રાંસમાં ઇમિગ્રેશન અને શરણાર્થીઓ અંગે ઉપજેલો વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થિતિના ઊંડાણ સુધી પહોંચવા માટે શરણાર્થી કોણ છે, તેમના માટેના વૈશ્વિક કાયદાઓ કેવા હોય છે અને ફ્રાંસમાં હાલ કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ છે તે વિગતે સમજવું જરૂરી છે. 

શરણાર્થીકોને કહેવાય?

સંયુક્ત રાષ્ટ્ર (UN)ની વ્યાખ્યા મુજબ, શરણાર્થી એટલે એવા વ્યક્તિ કે જે પોતાના દેશમાં થયેલા યુદ્ધનાં કારણે, વંશીય કે ધાર્મિક હિંસાના કારણે, રાજકીય ઉત્પીડન, પક્ષપાત કે અત્યાચારના અસહ્ય ડરથી પોતાનું ઘર-પરિવાર અને દેશ છોડીને બીજા દેશમાં આશ્રય લેવા મજબૂર બન્યો હોય. એક સમયે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલાં થયા ત્યારે હજારો લોકો સિંધ પ્રદેશમાંથી અને પાકિસ્તાનના બીજાં શહેરોમાંથી ભારત આવ્યા હતા. અહીં શરણાર્થી અને સામાન્ય ઇમિગ્રન્ટ વચ્ચેનો તફાવત માત્ર શબ્દોનો નથી, પણ સંવેદના અને પરિસ્થિતિનો છે

સામાન્ય ઇમિગ્રન્ટ પોતાની સ્વેચ્છાએ વધુ સારો રોજગાર, આર્થિક સમૃદ્ધિ કે ઉત્તમ શિક્ષણ મેળવવા માટે બીજા દેશમાં જાય છે. તે ઇચ્છે ત્યારે પોતાના દેશમાં સુરક્ષિત રીતે પાછો ફરી શકે છે. જ્યારે શરણાર્થીઓ માટે પોતાના વતનમાં પાછા ફરવું એટલે પોતાના કે પોતાના બાળકોના જીવનું સીધું જોખમ ઊભું કરવું. તેમની પાસે પોતાનો દેશ છોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ હોતો નથી. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓ હેઠળ તેઓ કાયદાકીય આશ્રયઅને સુરક્ષા મેળવવાના હકદાર બને છે.

દરેક દેશમાં શરણાર્થીઓ અંગેના કાયદાઓ કેવા હોય છે?

દુનિયાના મોટાભાગના દેશોમાં શરણાર્થીઓ અંગેના કાયદા 1951ના સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી સંમેલન અને 1967ના પ્રોટોકોલ પર આધારિત છે. આ કાયદાકીય માળખા હેઠળ માનવીય મૂલ્યો અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા માટે મુખ્ય નિયમો નક્કી કરાયા છે. 

નોન-રિફાઉલમેન્ટનો સિદ્ધાંત 

આ આંતરરાષ્ટ્રીય કાયદાનો સૌથી મજબૂત અને સંવેદનશીલ સ્તંભ છે. આ નિયમ અનુસાર, કોઈ પણ દેશ આશ્રય માગવા આવેલા શરણાર્થીને બળજબરીપૂર્વક એવા દેશ કે વિસ્તારમાં પાછો ધકેલી શકતો નથી, જ્યાં તેના જીવ, સ્વતંત્રતા કે માનવ અધિકારો પર ગંભીર જોખમ હોય. મતલબ કે શરણાર્થી જે દેશમાં શરણ લઇને ગયો હોય એ દેશ એને એના પોતાના દેશમાં કે બીજાં દેશમાં પાછો નથી મોકલી શકતો. 

આશ્રય પ્રક્રિયા અને ચકાસણી 

જ્યારે કોઈ વિસ્થાપિત વ્યક્તિ બીજા દેશની સરહદમાં પ્રવેશ કરીને આશ્રય માગે છે, ત્યારે તે દેશની સરકારે તેની અરજી સ્વીકારી કાનૂની તપાસ કરવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન શરણાર્થીનો બાયોમેટ્રિક ડેટા, તેનું બેગ્રાઉન્ડ અને તેના દેશમાં ખરેખર જોખમ છે કે નહીં તેની ચકાસણી થાય છે. જો કોઈ વ્યક્તિ આતંકવાદ કે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય, તો તેને આશ્રય આપવાનો ઇનકાર કરવાનો અધિકાર જે તે દેશ પાસે રહે છે.

મૂળભૂત માનવાધિકારો અને આત્મનિર્ભરતા 

એકવાર કાનૂની રીતે આશ્રય મંજૂર થઈ જાય પછી, તે દેશે શરણાર્થીને સન્માનપૂર્વક જીવવા માટે સુરક્ષિત રહેઠાણ, તાત્કાલિક આરોગ્ય સેવાઓ, બાળકો માટે પ્રાથમિક શિક્ષણ અને કાનૂની રીતે રોજીરોટી મેળવવા માટે કામ કરવાનો કે નાનો-મોટો વેપાર કરવાનો અધિકાર આપવો પડે છે.

ફ્રાંસમાં હાલ આ મુદ્દો કેમ સમાચારમાં છે?

 ફ્રાંસ સરકારે તાજેતરમાં પોતાના ઇમિગ્રેશન કાયદાઓને અત્યંત સખત બનાવી દીધા છે. નવા નિયમો હેઠળ આશ્રય મેળવનારાઓ માટે ફ્રેન્ચ ભાષા શીખવી, સ્થાનિક સંસ્કૃતિના સામાજિક ટેસ્ટ પાસ કરવા અને કાનૂની રેસિડેન્સ પરમિટ મેળવવાની શરતો આકરી કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત, ફ્રાંસના ઉત્તર દિશા તરફનાં દરિયાકાંઠે આવેલા કેલે (Calais) ક્ષેત્રમાંથી નાની બોટો મારફતે ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન જવાનો પ્રયાસ કરતા ગેરકાયદેસર વિસ્થાપિતો અને માનવ સ્મગ્લર્સસામે ફ્રેન્ચ સરકારે કડક ઝુંબેશ આદરી છે. અતિશય જોખમી દરિયાઈ મુસાફરી દરમિયાન વારંવાર બનતા બોટ અકસ્માતો અને નિર્દોષ લોકોના મરણ, શહેરોમાં વધતો અસંતોષ તેમજ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે ફ્રાંસના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે. અહીં પણ બે પક્ષો છે જે અલગ અલગ માંગ કરી રહ્યાં છે. એક પક્ષ શરણાર્થીના વિરુદ્ધમાં છે તો બીજો એમના પક્ષમાં, પણ જે શરણાર્થી છે એમની હાલત શું છે એ તો એ લોકો જ જાણતા હશે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો