તમે ઓલિમ્પિક્સ જેવા રમતોત્સવ દરમિયાન કોઈ ખેલાડીને રેસિંગ ટ્રેક પર દોડતા જોયો છે? લાલ કલરના આકર્ષક ટ્રેક પર સરસ મજાના સ્પોર્ટ્સ શૂઝ પહેરીને દોડવાની ઈચ્છા તમનેય થઇ આવશે, પણ મોટાભાગના લોકોને ખ્યાલ નહિ હોય કે જૂના જમાનાના એથ્લીટ્સ એટલા નસીબદાર નહોતા! એમણે તો રાખ અને કોલસાની ભૂકીમાંથી બનાવાયેલા ટ્રેક પર દોડવું પડતું. એમાં વળી વરસાદ અને હવામાનની અસરને કારણે ટ્રેક વારંવાર બગડી જતા. પરિણામે ગમે એટલી પ્રેક્ટિસ કરીને આવનાર કાબિલ એથ્લેટનું પ્રદર્શન પણ બગડતું!  


પણ પછી ઓલિમ્પિક્સ જેવા રમતોત્સવમાં લોકોની રુચિ વધતી ગઈ, સાથે સાથે સાયન્સ અને ટેક્નોલોજીનો પ્રભાવ પણ વધતો ગયો. 1968માં મેક્સિકો ખાતે યોજાયેલ ઓલિમ્પિક દરમિયાન પ્રથમ વખત સિન્થેટિક મટીરિયલમાંથી બનેલો ઓલ વેધર ટ્રેક વાપરવામાં આવ્યો. આ ટ્રેક પોલીયુરેથન અને અન્ય પોલીમર્સથી બનેલો હતો, જે વરસાદ, ઠંડી કે ગરમીમાં પણ ટકી રહેતો અને સારી ગ્રિપ આપતો. આ ટ્રેકને કારણે મેન્સ સ્પ્રિન્ટ, રીલે અને મિડલ ડિસ્ટન્સમાં 9 વર્લ્ડ રેકોર્ડ્સ અને વિમેન્સ સ્પ્રિન્ટમાં 5 રેકોર્ડ્સ તૂટ્યા!  

યે તો કુછ ભી નહિ, અભી ઔર સુનિયે. રનિંગ માટે સારો ટ્રેક ઉપલબ્ધ થવાથી લોકો સ્પોર્ટ્સ ટેક્નોલોજી દ્વારા ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારો લાવવા માટે હજી સારું શું કરી શકાય, એ દિશામાં વિચારતા થયા. આનાથી મટીરિયલ સાયન્સ અને સ્પોર્ટ્સ એન્જિનિયરિંગનાં ક્ષેત્રોને વેગ મળ્યો. રનિંગ શૂઝ, સ્વિમવેર (પોલીયુરેથન સ્યૂટ્સ), સાઇકલિંગ સ્યૂટ્સ વગેરેમાં પણ અદ્યતન મટીરિયલ્સ વિકસ્યાં. 

નવાં નવાં મટીરિયલ્સ ડેવલપ થવાને કારણે સ્પોર્ટ્સ સિવાયનાં ક્ષેત્રોને પણ લાભ થયો.  

બસ, આ જ ચમત્કાર છે વૈજ્ઞાનિક અભિગમનો. જ્યારે પણ કોઈ મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય છે ત્યારે ખેલ રસિયાઓની સાથે સાથે ટેક્નોલોજીના રસિયાને પણ મોજ પડી જાય છે, કેમ કે દિવસે દિવસે અપગ્રેડ થઇ રહેલી ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ હેઠળ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ વધુ ને વધુ રોચક બની રહી છે. હમણાં ચાલી રહેલા FIFA 2026 ફૂટબોલ વર્લ્ડકપના ટેક્નો-ટ્રેન્ડ્સને જાણનારા મિત્રોને ખ્યાલ હશે જ કે આ વખતે ખેલાડીઓ ખાસ પ્રકારના ફૂટબોલથી રમી રહ્યા છે. આ ફૂટબોલ `Connected Ball Technology'થી લેસ છે. શું છે આ ટેક્નોલોજી?  

આ વખતે ફિફા અને એડીદાસ કંપનીએ એવો હાઈટેક ફૂટબોલ વિકસાવ્યો છે, જે ફૂટબોલમાં ફિટ કરાયેલા મોશન સેન્સર્સની મદદથી દરેક પ્રકારની મૂવમેન્ટ, ફૂટબોલની સ્પીડ અને ફૂટબોલ સાથે થનારા દરેક સ્પર્શનો ડેટા રિઅલ ટાઈમમાં કેપ્ચર કરી શકશે. આમાં એઆઈ ટેક્નોલોજી અને કેમેરાઝ સહિતની ટેક્નોલોજીનું અલગ જ લેવલ કોમ્બિનેશન જોવા મળશે. એક ડઝન કરતાં વધુ ઓપ્ટિકલ કેમેરાઝ 50 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડની ઝડપે પ્લેયર્સનાં અંગોને ટ્રેક કરે છે. AI દ્વારા ખેલાડીઓના વિશિષ્ટ 3D અવતાર પણ બનશે, જે 10cm જેટલો નાનો બદલાવ પણ ડિટેક્ટ કરી શકે.  

ઇનશોર્ટ, આ વર્ષના ફિફા વર્લ્ડકપ પછી ફૂટબોલની ડિઝાઈન અત્યંત હાઈટેક થઇ જશે. એટલું જ નહિ પણ ભવિષ્યમાં ક્રિકેટ જેવી અન્ય રમતોમાં વપરાતા દડા પણ આવી ટેક્નોલોજીથી લેસ થઈને આવવા માંડે તો નવાઈ નહિ. ભવિષ્યમાં કદાચ ક્રિકેટ વર્લ્ડકપમાં પણ એવાં દૃશ્યો જોવા મળશે જેમાં પ્રેક્ષક 

પોતે દડાની અંદર બેસીને મેચ જોઈ રહ્યો હોય!  

અને આપણે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ ટેક્નિકલ અપગ્રેડેશનની વાત કરતા હોઈએ તો ટેલિવિઝન બ્રોડકાસ્ટ ક્ષેત્રે આવેલી ક્રાંતિને ક્યાંથી ભૂલી શકાય? આજે તો વૈશ્વિક સ્તરે બનતી કોઈ પણ ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ આપણે ટેલિવિઝન કે કમ્પ્યૂટર/મોબાઈલના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ, પણ પહેલાં ક્યાં એવી વ્યવસ્થા હતી! એકમાત્ર રેડિયો પર લાઈવ કોમેન્ટ્રી સાંભળીને સંતોષ માનવો પડતો. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વનું સૌપ્રથમ લાઈવ બ્રોડકાસ્ટ તો જ્હોન લોગી બેર્ડ નામના સંશોધકે ઠેઠ 1926માં કરી નાખેલું! આમાં તેણે મિકેનિકલ ટેલિવિઝન સિસ્ટમ દ્વારા લાઈવ મૂવિંગ ઈમેજીસ પ્રસારિત કરી હતી. આ ડેમોન્સ્ટ્રેશન રોયલ ઇન્સ્ટિટ્યુશનના સભ્યો સમક્ષ કરવામાં આવેલું, જે વિશ્વના પ્રથમ `true television' પ્રદર્શન તરીકે ગણના પામે છે. આ ઘટનાને ભલે આધુનિક ટેલિવિઝનની શરૂઆત માનવામાં આવતી હોય, પણ ખરેખર લાઈવ ટેલિવિઝન બ્રોડકાસ્ટ પ્રચલિત થયું હોય તો એ સ્પોર્ટ્સને કારણે. 1950 પછી પશ્ચિમી દેશોમાં ટેલિવિઝન સેટ્સ લોકોના ઘર સુધી પહોંચવા માંડ્યાં.  

પરંતુ સેટેલાઈટ ટેક્નોલોજીના આગમન પછી 1964માં યોજાયેલ ટોક્યો ઓલિમ્પિક ક્રાંતિકારી સાબિત થયો. સેટેલાઈટ ટેક્નોલોજીને કારણે ટોક્યો ઓલિમ્પિકની મેરેથોનનું જીવંત પ્રસારણ લાખો લોકોએ ઘરબેઠા ટેલિવિઝન સેટ્સ પર નિહાળ્યું! આ ઘટના સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટ ટેક્નોલોજી માટેનો પાયો નાખનાર નીવડી. જેનાં મીઠાં ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ. એ જ પ્રમાણે સ્પોર્ટ્સમાં એક-એક સેકન્ડનું મહત્ત્વ હોવાથી ઓમેગાએ અદ્યતન ઘડિયાળો વિકસાવી જે આજે ઘણી પ્રચલિત છે.  

આ બધા પરથી એટલું સમજાય છે કે સ્પોર્ટ્સ અને ટેક્નોલોજી વચ્ચેનો સંબંધ આપણી જૂની ગુજરાતી કહેવત `ગાંધી-વૈદ્યનું સહિયારું' જેવો છે. આમ તો આ કહેવત સ્વાર્થ માટે ભેગા થયેલી બે વ્યક્તિઓ સંદર્ભે એટલે કે નકારાત્મક ટોનમાં વપરાય છે, પરંતુ સ્પોર્ટ્સ અને ટેક્નોલોજીનું સહિયારું માનવજાત માટે મજાનું નીવડી રહ્યું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: