માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં કેટલાક એવા દીર્ઘદૃષ્ટા લોકો થઇ ગયા, જે પોતાના સમય કરતાં સદીઓ આગળ વિચારીને લોકોને વિજ્ઞાન, ગણિત અને જ્ઞાનની નવી ક્ષિતિજો તરફ દોરી જાય છે. આવા જ એક શાસક હતા મહંમદ તારા જેઓ ઉલુગ બેગ તરીકે પણ ઓળખાતા હતા. મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાનમાં આવેલા પ્રાચીન શહેર સમરકંદના કુહક પર્વત પર આવેલ ઉલુગ બેગ ઓબ્ઝર્વેટરી વિશે વાત કરીશું. આ જગ્યા મધ્યયુગના વિશ્વની સૌથી અદ્ભુત, અદ્યતન અને વિશાળ ખગોળશાસ્ત્રીય વેધશાળા ગણાય છે, કારણ કે જે સમયમાં દૂરબીનની શોધ પણ નહોતી થઇ એ સમયમાં આ વેધશાળાએ ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં જે ક્રાંતિ સર્જી હતી, તેની કલ્પના કરવી પણ અશક્ય છે.
સત્તાથી વિજ્ઞાન સુધીની સફર
મધ્ય એશિયાના મહાન વિજેતા રાજા તૈમુરના પૌત્ર ઉલુગ બેગ હતા. તૈમુરે તલવારના જોરે વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું, પરંતુ તેના પૌત્ર ઉલુગ બેગને યુદ્ધના મેદાન કરતાં આકાશના તારાઓમાં અને પૃથ્વીના નકશાઓમાં વધારે રસ હતો. તે ઉત્તમ શાસક હોવાની સાથે પ્રખર ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતો. ઉલુગ બેગે 1420માં સમરકંદને માત્ર સત્તાનું કેન્દ્ર ન રાખતાં જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર બનાવ્યું. 1424થી 1429 દરમિયાન તેમણે કુહક પહાડી પર એક વિશાળ ત્રિમાળખીય ગોળાકાર ઇમારત સ્વરૂપે વેધશાળાનું નિર્માણ કરાવ્યું હતું. આ ઇમારતનો વ્યાસ આશરે 46 મીટર અને ઊંચાઇ 30 મીટરથી વધુ હતી. તેના બાહ્ય ભાગમાં આસમાની ટાઇલ્સ અને ભૂમિતિક આકારનું અદ્ભુત ચિત્રકામ કરવામાં આવ્યું હતું. ઉલુગ બેગે એ સમયના સર્વશ્રેષ્ઠ વિજ્ઞાનિકો અલ-કાશી અને કાદી ઝાદા અલ-રૂમીને ભેગા કર્યા હતા.
અદ્ભુત યંત્રો અને ટક્નિકલ વિશેષતાઓ
ઉલુગ બેગ થઇ ગયા એ સમયમાં આકાશને જોવા માટે દૂરબીન કે સેટેલાઇટ નહોતા, તેથી ગ્રહોની ગતિને માપવા માટે ગણિત અને ભૌતિક સાધનો જ એકમાત્ર આધાર હતાં. સૂર્યપ્રકાશ જ્યારે છત પરના ખાસ છિદ્રમાંથી પસાર થઇને નીચે ડાયલ પર પડતો ત્યારે ખગોળશાસ્ત્રીઓ સૂર્યની બરાબર મધ્યાહ્ન સ્થિતિ, વિષુવવૃત્તીય કોણ અને ગ્રહોના સ્થાનની ગણતરી કરતા હતા. વેધશાળાની મુખ્ય ઓળખ તેનું 40 મીટરની ત્રિજ્યા ધરાવતું વિશોળ ષષ્ઠાંશ યંત્ર હતું, જેને ફખ્રી ષષ્ઠાંશ એટલે કે સેક્સ્ટન્ટ પણ કહેવામાં આવે છે. તેનો અડધા ભાગ જમીનની અંદર અને અડધો ભાગ ઉપરની બાજુ હતો. આરસપહાણના પથ્થરોમાંથી બનેલા આ ચાર્ટ પર અંશ, મિનિટ અને સેકન્ડના ખૂબ જ બારીક માપ કોતરેલાં હતાં.
અસાધારણ શોધો અને રોમાંચક બાબત
ઉલુગ બેગ અને તેમના સાથીઓએ પોતાની ગણતરીઓના આધારે જાહેર કર્યું કે પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિભ્રમણ પૂરું કરતાં 365 દિવસ, 5 કલાક, 49 મિનિટ અને 15 સેકન્ડ લાગે છે. જ્યારે આજે સેટેલાઇટ અને કમ્પ્યૂટર દ્વારા ગણવામાં આવેલા સમય અનુસાર 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 45 સેકન્ડ થાય છે. નવાઇની વાત તો એ છે કે સદીઓ પહેલાં કરાયેલી ગણતરીમાં માત્ર 25 સેકન્ડનો જ તફાવત હતો. એવી જ રીતે તેમણે પૃથ્વી પોતાની ધરી પર કેટલા ડિગ્રી નમેલી છે તેની પણ ગણતરી કરી હતી. એ માપ 23.52 અંશ બતાવે છે, જ્યારે આજનો આધુનિક માપદંડ 23.44 દર્શાવે છે.
આ વેદશાળામાં તેમણે ઝીજ-એ સુલતાની નામના પ્રખ્યાત ગ્રંથની રચના કરી હતી, જેમાં 1,018 તારાઓના ચોક્કસ સ્થાન, તેમની ગતિ અને નક્ષત્રોનું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું હતું. ટોલેમીના સમય પછી આટલું મોટું અને સચોટ તારાઓનું કેટલોગ બનાવનાર ઉલુગ બેગ પ્રથમ વિજ્ઞાની હતા. તમને જાણીને નવાઇ લાગશે કે આનો ઉપયોગ યુરોપના ખગોળશાસ્ત્રીઓએ સદીઓ સુધી કર્યો હતો.
દર્દનાક અંત અને રહસ્યમય વિનાશ
ઉલુગ બેગનું વિજ્ઞાન અને ગણિત પ્રત્યેનું આ સમર્પણ એ સમયના કટ્ટરપંથી ધર્મગુરુઓ અને રાજકીય વિરોધીઓને પસંદ નહોતું.
તેમની નજરમાં આકાશનાં રહસ્યો શોધવાં અને ધર્મ વિરુદ્ધનું કામ હતું. કટ્ટરપંથીઓની વાતોમાં આવીને 1449માં ઉલુગ બેગના પોતાના જ પુત્ર અબ્દુલ લતીફે બળવો કર્યો. મક્કાની યાત્રાએ જઇ રહેલા ઉલુગ બેગની રસ્તામાં જ ધાતકી હત્યા કરી દેવામાં આવી. હત્યાના થોડા જ સમયમાં કટ્ટરપંથીઓએ આ ભવ્ય વેધશાળ પર હુમલો કરી તેને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દીધી. તેમનાં કીમતી પુસ્તકો અને સંશોધનપત્રોને સળગાવી દેવામાં આવ્યાં. જોકે, ઉલુગ બેગના એક નિષ્ઠાવાન શિષ્ય અલી કુશ્જીએ જીવના જોખમે ઝીજ-એ-સુલતાનની નકલને બચાવી લીધી અને તુર્કી ભાગી ગયો. પરિણામે આ જ્ઞાન સચવાઇ રહ્યું.
લુપ્ત થયેલા અવશેષોનો પુનર્જન્મ
સમયની સાથે જમીનદોસ્ત થયેલા આ ઓબ્ઝર્વેટરી ક્યાં હતી તે લોકો ભૂલી ગયા હતા. આશરે 450 વર્ષ પછી 1908માં રશિયન પુરાતત્ત્વવિદ વાસિલી વ્યત્કિને 17મી સદીના જૂના દસ્તાવેજોના આધારે સમરકંદના પર્વતો પર ખોદકામ શરૂ કર્યું. ઘણી મહેનતના અંતે તેમને જમીનની અંદર દટાયેલો 40 મીટરના સેક્સ્ટન્ટનો નીચેનો ભાગ અને તેની આરસપહાણની કમાન મળી આવી, જે આજે પણ સુરક્ષિત છે. સમરકંદમાં આ ઓબ્ઝર્વેટરીના અવશેષોની પાસે જ એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જ્યાં ઉલુગ બેગની પ્રતિમા, જૂના નકશાઓ અને ખગોળીય સાધનો રાખવામાં આવ્યાં છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો