આપ ગ્રીષ્મમાં સુવર્ણરંગી અથવા પીળા રંગોથી મલકાતા રાજવૃક્ષને જાણો છો? તમે તેને ભરબપોરે કાંકરિયા તળાવની આસપાસ કે લાલ દરવાજા વિસ્તારમાં સૂર્યસ્નાન કરતું જોઈ શકશો. `રાજવૃક્ષ' એ તો સંસ્કૃત નામ છે. એનાં બીજાં પણ સંસ્કૃત નામો કર્ણિકાર, કૃતમાલ, ચતુરંગુલ, સુવર્ણક, શમ્પાક, વ્યાધિઘાત અને દીર્ઘફલા છે. અનેક ઔષધીય ગુણો ધરાવતા આ રાજવૃક્ષને ગુજરાતીમાં ગરમાળો કહેવાય છે.

પરિચય

 આ ગરમાળાનું વૃક્ષ 20થી 30 ફૂટ ઊંચું થાય છે. તેનાં પર્ણો જાંબુનાં પર્ણો જેવાં જ લાંબાં અંડાકાર અને સામસામાં લાંબી સળી પર હોય છે. આ ગરમાળાના વૃક્ષને વૈશાખ-જેઠ માસમાં સુવર્ણ રંગનાં પુષ્પો આવે છે. પુષ્પો એટલાં બધાં આવે છે કે સમગ્ર વૃક્ષે જાણે પીળું ચમકતું પીતાંબર ન ઓઢ્યું હોય!

જેઠ માસ ઊતરતાં એનાં પુષ્પો ખરવા લાગે છે અને વર્ષાઋતુમાં તેને પાતળી લીલા રંગની એકથી દોઢ ફૂટ જેટલી લાંબી સિંગો થાય છે. ધીમે ધીમે આ સિંગો અંગૂઠા જેટલી જાડી થયા પછી પક્વ બનતાં તેનો લીલો રંગ ધીમે ધીમે રતાશ પડતો કથ્થઈ થાય છે. આ સિંગમાં મણકાની જેમ થોડા થોડા અંતરે બીજના પાતળા પડ વચ્ચે કાળો, ચીકણો, એક વિશિષ્ટ ગંધવાળો ગર એટલે કે ગોળ હોય છે, જે સ્વાદમાં મધુર હોય છે.

ગુણધર્મો

ગરમાળો રસમાં મધુર, પચ્યા પછી કડવો, શીતળ, પચવામાં ભારે, સ્નિગ્ધ (ચીકણો), મૃદુ વિરેચક, દીપન એટલે કે જઠરાગ્નિને વધારનાર તથા જ્વર, બળતરા, હૃદયરોગ, આફરો, ગેસ, કૃમિ, મંદાગ્નિ, પ્રમેહ, ખંજવાળ, રક્તપિત્ત, કાફોદર, પિત્તના રોગો, કબજિયાત અને કોઢ મટાડે છે.

તાવ વખતે કબજિયાતને તોડવા માટે ગરમાળાનો ગોળ અપાય છે. આંતરડામાં સંગ્રહિત થયેલા કાચા પાકા અને ચીકણા મળને એ કાઢી નાખે છે. લિક્વિડ પેરાફીન કરતાં પણ ગરમાળાનું મૃદુ વિરેચન કાર્ય પ્રશસ્ત ગણાય છે. એટલે કે તાવની કબજિયાતને દૂર કરવા માટે પેરાફીન અને એરંડિયા કરતા ગરમાળો વધારે હિતકારી છે.

ઉપયોગો

જેમને અવારનવાર કાકડા પાકી જતા હોય અને આ તકલીફથી પાણી પણ પી ન શકતા હોય તો ગરમાળાની છાલનો એક ચમચી ભુક્કો કરીને તેનો ઉકાળો બનાવી દિવસમાં ત્રણ-ચાર વખત પીવામાં આવે તો કાકડા શાંત થઇ જાય છે. ગરમાળાનાં પંચાંગ (મૂળ, છાલ, પાંદડાં, ફળ અને ફૂલ)નો ભુક્કો કરી બરણી ભરી રાખો. પંચાંગમાં દરેક અંગ સરખા વજને લઇ અધકચરો ભુક્કો કરવો. એકથી દોઢ ચમચી જેટલો આ ભુક્કો ચાર કપ જેટલા પાણીમાં નાંખી ઉકાળવો. ઉકળતાં ઉકળતાં જ્યારે અડધા કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે તેને ઉતારીને પી જવું. સવારે અને રાત્રે આ ઉકાળો તાજો બનાવીને પીવાથી ચામડીના અઢાર પ્રકારના કોઢ, ખસ, ખરજવું, દાદર વગેરે મટે છે.

ગરમાળાનાં ફૂલોમાંથી બનાવેલો ગુલકંદ એકથી બે ચમચી આપવાથી ગર્ભિણીની કબજિયાત કોઈ તકલીફ વિના મટે છે. કમળાની અને લીવરના રોગોની કબજિયાત તોડવા માટે ગરમાળાની સિંગનો ગોળ (ગર) સ્વાદિષ્ટ હોવાથી શેરડીના રસમાં નાંખી આપવામાં આવે છે. આમ, ગરમાળો મૃદુ વિરેચક ઔષધ હોવાથી અનેક રોગોમાં પ્રયોજાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો