નવરાત્રિ પૂરી થાય અને દિવાળી શરૂ થાય એ દિવસોમાં આપણે ત્યાં દરેક ઘરમાં સફાઈની સટાસટી શરૂ થાય છે. દિવાળી પહેલાં ઘર ચમકાવવામાં આખો પરિવાર પોતાની કારકિર્દી દાવ પર લગાવી દે છે. ઘરમાં સફાઈને જાણે રાષ્ટ્રીય ફરજ જાહેર કરવામાં આવી હોય એમ સવારથી બધા હાથમાં સાવરણી લઈને ફરવા માંડે છે.
સફાઈ અભિયાનની શરૂઆત કામની વહેંચણીથી થાય છે. દીકરાને એક રૂમ સાફ કરવાનું કહેવામાં આવે તો એ પહેલાં મોબાઇલમાં રૂમનો ફોટો પાડે છે, પછી સફાઈ પહેલાં અને પછીના ફોટાની સરખામણી કરવાની યોજના બનાવે છે. બે કલાક પછી ફોટા તો તૈયાર હોય છે, પણ રૂમમાં ધૂળ ત્યાંની ત્યાં જ હોય છે. દીકરીને કામ સોંપો તો એ સફાઈ દરમ્યાન ગીતો સાંભળવાનું ખાસ પ્લેલિસ્ટ બનાવે છે. ગીતો બદલાય, રીલ્સ બને, સ્ટેટસ અપડેટ થાય, પણ સાવરણીને હાથ લગાવવાનો શુભ મુહૂર્ત આવતું જ નથી.
દિવાળીની સફાઈ સમયે પાડોશીઓમાં પણ હરીફાઈ જોવા મળતી હોય છે. એક ઘરમાં બારી સાફ થતી દેખાય એટલે પડોશના ઘરમાં તરત પડદા ઉતારવામાં આવે. એક ઘરમાં સફાઈ માટે બે માણસ બોલાવે તો બીજો ચાર માણસ બોલાવે. ત્રીજા ઘરમાં તો સફાઈ કરતાં પહેલાં જ ઘરની તસવીરો વોટ્સએપ ગ્રૂપમાં મૂકી દેવામાં આવે છે, દેખાદેખીમાંઆખી સોસાયટીમાં દિવાળી સફાઈનું અભિયાન શરૂ થઈ જાય છે.
આ ટાઇમે ઘરની સફાઈ કરનારા કારીગરોનું મહત્ત્વ કચ્ચીને વધી જાય છે. કોઇને ઘરની સાફસૂફી કરાવવી છે, પણ કારીગરની તારીખ મળતી નથી. આખરે ઓળખાણ લગાડીને કારીગરને બોલાવે છે. કારીગર આવીને કહે છે “હું માત્ર પંખા સાફ કરીશ.” ઘરનો માલિક આખું ઘર સાફ કરવા કહે. ત્યારે કારીગર દરેક વસ્તુ સાફ કરવાનો અલગ અલગ ચાર્જ માંગી ઘરમાલિકને ચકરાવે ચડાવી દે છે. છેવટે અમુક ભેદી રકમ પર ડીલ ફાઈનલ થાય, જે ચૂકવતી વખતે ઘરમાલિક પોતાનો સરકારી કોન્ટ્રાક્ટનો ધંધો બંધ કરી દિવાળી સફાઈના કોન્ટ્રાક્ટ લેવાનું વિચારવા માંડે છે
દિવાળીના આગલા દિવસે ઘરમાં સફાઈની છેલ્લી પાળી ચાલે છે. પત્ની દરેક રૂમનું નિરીક્ષણ એવી રીતે કરે છે જાણે કોઈ સરકારી ઑફિસર ઇન્સ્પેક્શન કરવા આવ્યા હોય. પતિને એક ખૂણામાં ધૂળ દેખાડીને ફરીથી સાફ કરવાનું કહેવામાં આવે છે. પતિ પોતું લઈને એ ખૂણામાં પહોંચે ત્યાં સુધીમાં પત્ની બીજા રૂમમાં નવી ખામી શોધી કાઢે છે. પતિની હાલત એવી થાય છે કે પરીક્ષામાં એક સવાલનો જવાબ લખવા બેસે ત્યાં શિક્ષક બીજો સવાલ આપી દે. છેલ્લે પતિ થાકીને સોફા પર બેસે છે, પણ તરત જ એને યાદ અપાવવામાં આવે કે “અલ્યા, રસોડાની બારી હજી સાફ કરવાની બાકી છે.”
છેવટે માથે-મોંઢે બાંધેલી બુકાની દૂર થાય, સફાઈ પૂરી થાય. પણ એ પછી ઘરમાં નવું તૂત શરૂ થાય છે. બધા ચા પીતી વખતે કપ હાથમાં “ઝાલીને” રાખે છે જેથી એનું ચકરડું ના પડે. બિસ્કિટ ખાય ત્યારે ભૂકો નીચે ના પડે એને માટે બે વાસણ બગાડે છે. બાળક ચોકલેટ ખાવા જાય તો એને ઘરમાં રેપર નહીં ફેંકવા ધમકાવવામાં આવે છે. મહેમાન આવે ત્યારે ઘરના સભ્યો એમનું સ્વાગત કરવા કરતાં એમના ચંપલ પર નજર રાખે છે.ઘરના બધા જ લોકો સફાઈ બાબતે “હાઇપર કોન્સિયસ” થઈ જતાં હોય છે.
દિવાળીની સફાઈ પૂરી થતાં ઘર તો ચમકદાર ફાઈવસ્ટાર હોટેલ જેવું લાગવા માંડે છે. પણ ઘરના સભ્યોની હાલત નંખાઈ ગયેલા સફાઈ કામદારો જેવી થઈ જાય છે. પતિની કમર જવાબ આપી દે, દીકરાના હાથમાં ફોલ્લા પડી જાય, દીકરી ધૂળના કારણે છીંકો છીંક કરતી હોય છે અને પત્નીને હજી એક ક્યાંકને ક્યાંક ધૂળ દેખાયા કરે છે. બધા થાકીને લોથપોથ થઈ ગયા હોય છે. આખો દિવસ જે પરિવાર એકબીજાની વાત સાંભળતો નહોતો એ આજે માત્ર એક વાક્યથી ખૂબ ડરે છે “કહું છું, જરા અહીં આવો તો” કારણ કે આ વાક્યનો અર્થ હોય છે કે સફાઈનું એક નવું કામ તૈયાર છે. બસ આમ રંગેચંગે સફાઈ અભિયાન પૂરું થાય છે. તમારે ત્યાં કેમનું છે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો