જેસલમેર ભારત દેશના ઉત્તર-પશ્ચિમી રાજ્ય રાજસ્થાનમાં થારના રણના મધ્યમાં સ્થિત એક પ્રાચીન અને ભવ્ય શહેર છે.
આ શહેરને તેની સ્થાપત્ય કલામાં ઉપયોગમાં લેવાયેલા પીળા રેતીના પથ્થર (Yellow Sandstone)ને કારણે `સુવર્ણ નગરી' અથવા `ગોલ્ડન સિટી' તરીકેનું ઉપનામ મળ્યું છે. જ્યારે સૂર્યનાં કિરણો આ પથ્થરો પર પડે છે, ત્યારે આખું શહેર સોનેરી રંગથી ઝગમગી ઊઠે છે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્થાપત્ય
જેસલમેરની સ્થાપના ઈ.સ. 1156માં ભાટી રાજપૂત શાસક રાવલ જેસલ દ્વારા ત્રિકુટા પહાડી પર કરવામાં આવી હતી. `જેસલમેર' શબ્દનો અર્થ થાય છે `જેસલનો પહાડી કિલ્લો'. જેસલમેર એક સમયે મધ્યયુગીન વેપારનું એક મુખ્ય કેન્દ્ર હતું, જ્યાંથી કારવાં સોનું, રેશમ, મસાલા અને અફીણનો વેપાર કરતા હતા, જેના કારણે શહેર સમૃદ્ધ બન્યું હતું. તેની સાંસ્કૃતિક સમૃદ્ધિ ફેબ્રુઆરીમાં યોજાતા પ્રખ્યાત રણ ઉત્સવમાં જોવા મળે છે. જ્યાં પરંપરાગત સંગીત, નૃત્ય (ઘૂમર, કાલબેલિયા), ઊંટદોડ અને પપેટ શોનું આયોજન થાય છે.
જેસલમેર કિલ્લો : આ શહેરનું સૌથી મોટું આકર્ષણ તેનો ભવ્ય કિલ્લો છે, જેને `સોનાર કિલા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લો વિશ્વના બહુ ઓછા `જીવંત કિલ્લાઓ'(Living Forts)માંથી એક છે, કારણ કે આજે પણ શહેરની લગભગ એક ચતુર્થાંશ વસ્તી કિલ્લાની અંદર રહે છે. કિલ્લાની વિશાળ દીવાલો 99 બુરજો દ્વારા સુરક્ષિત છે અને તેમાં રાજમહેલ, જૈન મંદિરો અને લક્ષ્મીનાથજીનું મંદિર આવેલું છે.
હવેલીઓ : જેસલમેર તેની નકશીદાર હવેલીઓ માટે પ્રખ્યાત છે. જેમાં પટવોં કી હવેલી (પાંચ હવેલીઓનો સમૂહ) અને સલીમ સિંહ કી હવેલી મુખ્ય છે. આ હવેલીઓ વેપારીઓના ધન-વૈભવ અને રાજપૂત-મુઘલ શૈલીના મિશ્રણથી બનેલા ઝીણવટભર્યા કોતરણી કામનું ઉત્તમ ઉદાહરણ છે.
ગડીસર તળાવ : આ એક કૃત્રિમ તળાવ છે, જે એક સમયે શહેરનો એકમાત્ર જળસ્રોત હતો. શાંત વાતાવરણ અને તળાવના કિનારે આવેલાં મંદિરોને કારણે આ સ્થળ પર સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો અદ્ભુત હોય છે.
જેસલમેર નજીક આવેલી ફરવાલાયક જગ્યાઓ
સમ સેન્ડ ડ્યુન્સ : જેસલમેરની મુલાકાત રણના ટીલાઓમાં સાહસ ખેડ્યા વિના અધૂરી છે. શહેરથી થોડે દૂર આવેલા સમના રેતીના ધોરવા (Sand Dunes) પર ઊંટસવારી (કેમલ સફારી) અને ડેઝર્ટ સફારીનો અનુભવ પ્રવાસીઓને રણની સંસ્કૃતિ અને સુંદરતાની ઝલક આપે છે.
કુલધરા ગામ : કુલધરાને ત્યજી દેવાયેલું ભૂતિયું ગામ માનવામાં આવે છે, જે જેસલમેર સિટીથી 18 કિમી. દૂર આવેલું છે. કહેવાય છે કે 200 વર્ષ પહેલાં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા એક રાતમાં આ ગામ ત્યજી દેવાયું હતું. ગામની ખંડેર રચનાઓ અને તેની અનોખી દંતકથા ઇતિહાસપ્રેમીઓને આકર્ષે છે.
તનોટ માતા મંદિર : બોર્ડર ફિલ્મમાં જેનો ઉલ્લેખ કરાયો છે તેવું ચમત્કારિક તનોટ માતાનું મંદિર જેસલમેરથી લગભગ 120 કિમી. (ભારત-પાકિસ્તાન સરહદ નજીક) આવેલું છે. 1965 અને 1971ના યુદ્ધોમાં ચમત્કાર માટે પ્રખ્યાત આ મંદિરની દેખરેખ BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા કરવામાં આવે છે.
યુદ્ધ સંગ્રહાલય : શહેરથી લગભગ 10 કિમી. દૂર આવેલા ભારતીય સેનાના યોગદાનને સમર્પિત આ મ્યુઝિયમમાં 1965 અને 1971નાં યુદ્ધો(Battle of Longewala)ની વીરતા દર્શાવતાં શસ્ત્રો, ટેન્ક અને સૈન્યનાં વાહનો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ મ્યુઝિયમની મુલાકાત ખરેખર તમારા માટે અવિસ્મરણીય બની રહેશે.
