માર્ક 48 ટોર્પિડો એ વિશ્વના સૌથી શક્તિશાળી અને આધુનિક દરિયાઈ શસ્ત્રોમાંનું એક છે. આ ટોર્પિડો મુખ્યત્વે સબમરીન દ્વારા દુશ્મન જહાજો અને સબમરીનને નષ્ટ કરવા માટે વપરાય છે.

નૌકાદળના ઇતિહાસમાં અને આધુનિક યુદ્ધ પ્રણાલીમાં સબ-સરફેસ હથિયારોનું મહત્ત્વ ઘણું વધારે છે. તેમાં પણ જો કોઈ હથિયાર દુશ્મન માટે સૌથી ભયાનક સાબિત થયું હોય, તો તે છે માર્ક 48 ટોર્પિડો. આ ટોર્પિડોને ઘણીવાર `હેવીવેઇટ ટોર્પિડો' તરીકે ઓળખાય છે, જે માત્ર એક જ ફટકામાં આખેઆખા યુદ્ધ જહાજના બે ટુકડા કરી શકે છે.

તાજેતરમાં ચર્ચામાં આવવાનું કારણ

માર્ક 48 ટોર્પિડો ફરી એકવાર ત્યારે હેડલાઇન્સમાં આવ્યો જ્યારે 4 માર્ચ, 2026ના રોજ અમેરિકન નૌકાદળની લોસ એન્જલસ-ક્લાસની પરમાણુ સબમરીને હિંદ મહાસાગરમાં શ્રીલંકાના કિનારાથી લગભગ 40 નોટિકલ માઈલ દૂર ઈરાની ફ્રિગેટ `આઈરિસ દેના' પર આ ટોર્પિડો છોડ્યો હતો. આ હુમલો એટલો સચોટ અને શક્તિશાળી હતો કે જહાજનો પાછળનો ભાગ હવામાં ઉછળ્યો અને માત્ર ગણતરીની મિનિટોમાં જહાજ સમુદ્રના તળિયે પહોંચી ગયું. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, 1945ના બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ અમેરિકન સબમરીને જીવંત ટોર્પિડોનો ઉપયોગ કરીને દુશ્મન જહાજને તોડી પાડ્યું હોય. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે માર્ક 48 આજના સમયનું સૌથી ઘાતક નૌકાદળ શસ્ત્ર છે.

માર્ક 48 ટોર્પિડો શું છે?

માર્ક 48 એ અમેરિકા દ્વારા વિકસિત કરવામાં આવેલો સબમરીન-લોન્ચ હેવીવેઇટ ટોર્પિડો છે. તેનો ઉપયોગ ઊંડા સમુદ્રમાં રહેલી પરમાણુ સબમરીન અને સપાટી પર તરતાં વિશાળ યુદ્ધજહાજો બંનેને નષ્ટ કરવા માટે કરવામાં આવે છે. તે `ફાયર એન્ડ ફોર્ગેટ' ટેક્નોલોજી પર કામ કરે છે, એટલે કે એકવાર છોડ્યા પછી તે આપમેળે લક્ષ્યનો પીછો કરે છે.

બનાવટ અને નિર્માતા

માર્ક 48 ટોર્પિડોનો વિકાસ 1960ના દાયકામાં શરૂ થયો હતો. તે સમયે સોવિયેત યુનિયનની ઝડપી અને ઊંડા પાણીમાં જતી સબમરીનનો મુકાબલો કરવા માટે અમેરિકાને એક એવા હથિયારની જરૂર હતી, જે અદ્યતન સોનાર સિસ્ટમથી સજ્જ હોય. આ ટોર્પિડોનું નિર્માણ મુખ્યત્વે લોકહીડ માર્ટિન અને SAIC દ્વારા કરવામાં આવે છે. અગાઉનાં મોડલ્સ રેથિયોન દ્વારા પણ વિકસાવવામાં આવ્યાં હતાં. તેની સૌથી ખાસ બાબત તેનું એન્જિન છે. તેમાં `પિસ્ટન એન્જિન'નો ઉપયોગ થાય છે, જે Otto Fuel II નામના ખાસ લિક્વિડ મોનોપ્રોપેલન્ટ પર ચાલે છે. આ ઇંધણ તેને પાણીની અંદર ખૂબ જ તેજ ગતિ આપે છે અને તેને ઓક્સિજનની જરૂર પડતી નથી.

તે કેવી રીતે કામ કરે છે?

માર્ક 48ની સૌથી મોટી વિશેષતા તેની ગાઈડન્સ સિસ્ટમ છે. તે સબમરીન સાથે પાતળા વાયર દ્વારા જોડાયેલું હોય છે, જેના દ્વારા સબમરીન તેને છેક સુધી કંટ્રોલ કરી શકે છે. જો વાયર તૂટી જાય, તો પણ ટોર્પિડો તેની પોતાની એક્ટિવ અને પેસિવ સોનાર સિસ્ટમ ચાલુ કરે છે અને દુશ્મન જહાજ દ્વારા છોડવામાં આવેલા ઘોંઘાટને પકડીને તેનો પીછો કરે છે. રસપ્રદ વાત એ છે કે, માર્ક 48 જહાજની બોડી સાથે સીધું અથડાવાને બદલે જહાજની નીચે જઈને વિસ્ફોટ કરે છે. આ વિસ્ફોટથી પાણીમાં એક મોટો પરપોટો પેદા થાય છે, જે જહાજને પાણીથી અધ્ધર ઉઠાવે છે અને પછી જહાજ પોતાના જ વજનથી વચ્ચેથી બે ભાગમાં તૂટી જાય છે. જોકે, તેની આધુનિક આવૃત્તિ ઘણી બધી રીતે સફળ અને સબળ છે. જેને આપણે તેની એડવાન્સ કેપેબિલિટી તરીકે ઓળખીએ છીએ. સમય જતાં માર્ક 48માં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. અત્યારે તેનું સૌથી અદ્યતન વર્ઝન Mod 7 CBASS છે. આ વર્ઝનમાં ડિજિટલ પ્રોસેસિંગ પાવર વધુ છે, જે તેને દુશ્મનના છેતરામણાં સિગ્નલો અને આધુનિક ડિફેન્સ સિસ્ટમ વચ્ચે પણ સાચા લક્ષ્યને શોધવામાં મદદ કરે છે.

શા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે?

યુદ્ધજહાજોમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ હોય છે, જે હવામાં આવતી મિસાઈલને રોકી શકે છે, પરંતુ પાણીની અંદરથી આવતા ટોર્પિડોને રોકવો લગભગ અશક્ય હોય છે. તેનાથી અદૃશ્ય હુમલો કરી શકાય છે. સબમરીન પાણીની અંદર છુપાઈને હુમલો કરે છે, જેનાથી દુશ્મનને સાવધ થવાનો સમય મળતો નથી. તેની સચોટતા તેની સ્પેશિયાલિટી છે. તે છીછરા પાણી અને ઊંડા સમુદ્ર બંનેમાં સમાન રીતે કાર્યક્ષમ છે. આ ઉપરાંત તે ભયાનક વિનાશક ક્ષમતા ધરાવે છે. એક જ ટોર્પિડો મોટા એરક્રાફ્ટ કેરિયરને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. માર્ક 48 ટોર્પિડો માત્ર એક હથિયાર નથી, પરંતુ ટેક્નોલોજીનો એક ચમત્કાર છે. માર્ચ, 2026ની ઘટનાએ આખા વિશ્વને બતાવ્યું છે કે ભલે યુદ્ધમાં ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ વધી રહ્યો હોય, પરંતુ સમુદ્ર પર રાજ કરવા માટે માર્ક 48 જેવા ઘાતક ટોર્પિડોના તોલે કોઈ આવી શકે તેમ નથી. તે ખરેખર નૌકાદળની શક્તિનું પ્રતીક છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો