સ્પેનિશ પેઇન્ટર ફ્રાન્સિસ્કો ગોયાનું એક અત્યંત બિહામણું અને હચમચાવી નાખે તેવું પેઇન્ટિંગ છે `સેટર્ન ડિવોરિંગ હીઝ સન'. એક અંધારા ઓરડામાં ગ્રીક માયથોલોજીનો દેવતા સેટર્ન (શનિ) પોતાના જ દીકરાને બે હાથે પકડીને, ડરથી ફાટેલી આંખે કાચો ચાવી રહ્યો છે. આ કોઈ બહાદુરીનું દૃશ્ય નથી, આ ભૂખ અને ભયના મિશ્રણનું સૌથી વરવું સ્વરૂપ છે. જો આ પેઇન્ટિંગ એકવાર જોઈ લો તો કાયમ માટે યાદ રહી જાય. આ કોઈ કાલ્પનિક પૌરાણિક કથા નથી, આ માનવ સભ્યતાની અસભ્યતાની નગ્ન તસવીર છે.   

કથા એવી હતી કે દેવતા સેટર્નને એવી આગાહી મળી હતી કે તેનાં જ બાળકો ભવિષ્યમાં તેની સત્તા ઉખાડી ફેંકશે. આ ડર સાવ પાયાવિહોણો પણ નહોતો, કારણ કે સેટર્ને પોતે પણ પોતાના પિતાની સત્તા છીનવી જ હતી. સત્તાને એક વારસાગત બીમારી હોય છે. તે પોતાના ગુનાઓને એડવાન્સમાં યાદ રાખે છે. એટલે સેટર્ને એક સરળ રસ્તો કાઢ્યો: જ્યારે પણ તેની પત્ની બાળકને જન્મ આપે, તે તરત જ એ બાળકને ગળી જતો. (આ વાર્તા સાચે વાર્તા લાગે છે?)  

આપણી સૌથી મોટી કરુણતા એ છે કે આપણો સમાજ કે આપણી સ્થાપિત સિસ્ટમ પોતાના યુવાનોને નફરતથી નથી ખાતી; તે તેમને `પ્રેમ' અને `માર્ગદર્શન'ના નામે ખાઈ જાય છે. જૂની સત્તા નવી પેઢીને માત્ર ધિક્કારતી નથી, તે હકીકતમાં નવી પેઢીથી ફફડે છે. તે યુવાનોને સ્ટેજ પર બોલાવીને ફૂલહાર પહેરાવે છે, તેમને `દેશનું ભવિષ્ય' કહે છે, મોટી મોટી જાહેરાતોમાં તેમના હસતા ચહેરાઓ છાપે છે, તેમને મોટિવેશનલ ભાષણો પીવડાવે છે અને પછી બહુ જ શાંતિથી તેમને પોતાના જઠરમાં પધરાવીને પચાવવાનું શરૂ કરી દે છે. રાક્ષસ ક્યારેય ખુલ્લી તલવાર લઈને દુશ્મન બનીને નથી આવતો, તે હંમેશા `ગાર્ડિયન'નું માસ્ક પહેરીને જ આવે છે.  

દરેક સમાજનો પોતાનો એક `સેટર્ન' હોય છે. તે શાસક, મોભી, કુટુંબ, શિક્ષણ વ્યવસ્થા, કોર્પોરેટ કલ્ચર કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, જે યુવાનોને `એક્સપોઝર'ના નામે ગધેડામજૂરી કરાવે છે. પુખ્ત વયના લોકોએ અને જૂની સિસ્ટમે શોધેલો દુનિયાનો સૌથી ખતરનાક અને ગંદો શબ્દ હોય, તો તે છે `ભવિષ્ય'. આ વડીલોએ શોધેલું એક એવું જાદુઈ ગોડાઉન છે, જ્યાં તેઓ પોતાની તમામ ક્રૂરતા, શોષણ અને અણઘડ નિર્ણયોના બિલ સંતાડી રાખે છે. એક બાળકને કહેવામાં આવે છે કે તારા ભવિષ્ય માટે ભણ. યુવાનને કહેવામાં આવે છે કે તારા ભવિષ્ય માટે અત્યારે તારાં સપનાંઓનો ત્યાગ કરી દે. નોકરી કરતા યુવકને કહેવામાં આવે છે કે ભવિષ્ય માટે અત્યારે અપમાન ગળી જા. `બેટા, અમે જે પણ કરી રહ્યા છીએ તે તારા ભવિષ્ય માટે જ કરી રહ્યા છીએ!' આ એક વાક્યએ દુનિયામાં હજારો યુવાનોના વર્તમાનની હત્યા કરી નાખી છે.  

કારણ કે યુવાનો યુવાન હોય છે, તેઓ આ વાત પર ભરોસો કરી બેસે છે. યુવાનીની શરૂઆત ક્યારેય બળવાથી નથી થતી, યુવાનીની શરૂઆત હંમેશાં `વિશ્વાસ'થી થાય છે. યુવાનને એવો વિશ્વાસ હોય છે કે પરીક્ષા ઈમાનદારીથી લેવાશે, ડિગ્રીની કોઈ કિંમત હશે, મારી ટેલેન્ટ ઓળખાશે અને આ દુનિયા ભલે અઘરી રહી, પણ જે `સીડી' પર હું ચડી રહ્યો છું તે સીડી અસલી હશે. માણસ આખી જિંદગી કોઈ પણ મુશ્કેલી સહન કરી શકે છે, પણ જ્યારે તેને ખબર પડે કે જે સીડી પર ચડવા માટે તેણે પોતાની યુવાની હોમી દીધી, એ સીડી જ `ફેક' હતી, ત્યારે તે અંદરથી મરી જાય છે.   

મહાભારતમાં અભિમન્યુને ચક્રવ્યૂહમાં પ્રવેશતા આવડતું હતું, પણ બહાર નીકળતા નહોતું આવડતું. આ છબી સદીઓથી ભારતને ડરાવતી આવી છે, કારણ કે આ માત્ર યુદ્ધની કોઈ ઘટના નથી, આ આપણી સામાજિક પેટર્ન છે! આપણે આપણા યુવાનોને એવી સિસ્ટમમાં ધકેલવા માટે ટ્રેઇન કરીએ છીએ, જેનો એક્ઝિટ ગેટ આપણને પોતાને પણ ખબર નથી હોતો. કરિયરનો ચક્રવ્યૂહ, એજ્યુકેશન લોનનો ચક્રવ્યૂહ, મેટ્રો સિટીમાં ટકી રહેવાનો ચક્રવ્યૂહ, લગ્નનો ચક્રવ્યૂહ અને ડિજિટલ માયાજાળનો ચક્રવ્યૂહ. યુવાન આ બંધિયાર સિસ્ટમમાં ફસાયેલો રહે છે અને બહાર ઊભેલા વડીલો એના `ટેમ્પરામેન્ટ' (સ્વભાવ) પર ચર્ચા કરતા હોય છે કે આજકાલના છોકરાઓમાં ધીરજ જેવું તો કંઈ છે જ નહીં.  

આવતી કાલનો `સેટર્ન' ગોયાના પેઇન્ટિંગ જેવો ખૂંખાર અને કદરૂપો નહીં દેખાય. એણે સૂટ-બૂટ પહેર્યા હશે. તે કદાચ કોઈ સ્માર્ટ અલ્ગોરિધમ જેવો દેખાતો હશે. તે હવે બાળકોને આખેઆખા નથી ગળતો, તે તેમને `ઓપ્ટિમાઇઝ' કરે છે. તે યુવાનોને ડેટા, દેવું , ડિપ્રેશન, એંગ્ઝાયટી અને `કન્ટેન્ટ'માં કાપી નાખે છે. કોચિંગ ક્લાસની કરોડોની ઇન્ડસ્ટ્રી માટે એક યુવાન, રિઅલ એસ્ટેટના મોંઘાદાટ EMI માટે એક યુવાન, રાજકીય રેલીઓની ભીડ વધારવા માટે એક યુવાન, સોશિયલ મીડિયાના ડોપામાઈન લૂપ માટે એક યુવાન અને શોષણને `લર્નિંગ ઓપોર્ચ્યુનિટી' કહેતા બોસ માટે એક યુવાન! જ્યારે કોઈ દેશ એવું કહે કે, `યુવાનો અમારું ભવિષ્ય છે', ત્યારે યુવાનોએ તરત જ એ ભવિષ્યની રસીદ (Receipt) માંગવી જોઈએ. ક્યાં છે ભવિષ્ય?   

સત્તા અને જૂની પેઢીને યુવાનોના ખુલ્લા આક્રોશથી બહુ ડર લાગે છે, પણ હકીકતમાં તેમણે ડરવા જેવું છે યુવાનોના `આંતરિક મૌન'થી. જ્યારે યુવાનનો ભરોસો તૂટી જાય છે, ત્યારે એ રસ્તા પર ઊતરીને તોડફોડ નથી કરતો. એ ધીમે રહીને દેશ છોડી દે છે. એ લગ્ન કરવાની કે બાળકો પેદા કરવાની ના પાડી દે છે. એ રાજકારણીઓનાં ભાષણો પર માત્ર હસે છે. જૂની પેઢી પોતાના સિંહાસન પર બેઠી રહે છે, પણ એમને ખબર જ નથી હોતી કે દરબારમાંથી યુવાનો આધ્યાત્મિક રીતે ક્યારનાય ગાયબ થઈ ચૂક્યા છે. પાવરફુલ લોકોની સૌથી મોટી હાર એ છે કે નવી પેઢી તેમને અંદરથી `કેન્સલ' કરી નાખે.  

સભ્યતાના અંધારા ઓરડામાં પેલો સેટર્ન રાક્ષસ હજુય બેઠો હોઈ શકે છે જેના હાથ લાલ છે અને તેની આંખોમાં ભયંકર ડર છે. એની પાછળની દીવાલ પર ઇતિહાસે એક બહુ સ્પષ્ટ ચેતવણી લખી રાખી છે: કોઈ પણ સમાજ ત્યારે નથી મરતો જ્યારે તેના યુવાનો ગુસ્સે થાય છે. સમાજ ત્યારે મરે છે જ્યારે યુવાનોને સમજાઈ જાય છે કે, જે રાક્ષસ તેમને ચાવી રહ્યો છે, એણે જ પોતાનું નામ `વડીલ' રાખેલું છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો