વર્ષ 1996. ઉત્તર સુમાત્રા, ઇન્ડોનેશિયાનું હેલ્વેટિયા નામનું નાનકડું ગામ. બહારથી શાંતિની ચાદર ઓઢેલું આ ગામ પોતાની અંદર એક ઘેરો અંધકાર છુપાવીને બેઠું હતું. આ અંધકારનું કેન્દ્ર હતો એક માણસ : અહમદ સુરદજી. સ્થાનિક લોકોમાં તે `ડૂકન' તરીકે જાણીતો હતો.

`ડૂકન' એટલે જાદુઈ શક્તિઓ ધરાવતો માણસ, જે મંત્રો, તંત્ર અને રહસ્યમય ઉપાયોથી લોકોની સમસ્યાઓ દૂર કરતો હોવાનો દાવો કરે. અહમદ સુરદજીની ખ્યાતિ માત્ર હેલ્વેટિયા પૂરતી સીમિત નહોતી, દૂર-દૂરનાં શહેરો અને ગામોમાંથી યુવાન સ્ત્રીઓ, ખાસ કરીને 20થી 30 વર્ષની વયની તેની પાસે આવતી. તેમની ઈચ્છાઓ બહુ સરળ હતી : પ્રેમમાં સફળતા, ધન-સંપત્તિની પ્રાપ્તિ અથવા પોતાના દેખાવમાં ચમત્કારિક સુધારો. કદાચ સુરદજી આ તમામ સ્ત્રીઓની આશાઓનું છેલ્લું કિરણ હતો.

અહમદનો દેખાવ એકદમ સામાન્ય હતો. ન તો કોઈ રહસ્યમય વસ્ત્રો, ન કોઈ ભપકાદાર ચહેરાનો ભાવ, પરંતુ તેના શબ્દોમાં એક અજબની જાદુઈ અસર હતી. તે સ્ત્રીઓને વચન આપતો કે તે તેમના ભાગ્યને બદલી નાખશે. કોઈને ધનવાન બનાવવાનો, તો કોઈને તેનો પ્રેમી પાછો મેળવવાનો. આ આશાઓની આડમાં એક ભયાવહ ષડ્યંત્ર તૈયાર થઈ રહ્યું હતું, જેની કલ્પના પણ ગામલોકોએ નહોતી કરી.

આ ઘટનાઓની શરૂઆત 1986થી થઈ હોવાનું માનવામાં આવે છે. અહમદના જીવનમાં એક સમયે તેને એક ભયાનક સ્વપ્ન આવ્યું હતું. તેણે દાવો કર્યો કે તેના દિવંગત પિતા તેની સામે પ્રગટ થયા અને એક રહસ્યમય સંદેશ આપ્યો: જો તેને વિશ્વનો સૌથી શક્તિશાળી `ડૂકન' બનવું હોય, તો તેણે 70 સ્ત્રીઓને મારી નાખવી પડશે અને તેમની લાળ પીવી પડશે. આ સ્વપ્ન અહમદ માટે માત્ર એક આભાસ નહોતો; તે તેના જીવનનું નવું અને ભયાનક ધ્યેય બની ગયું.

અહમદનું આખું ઘર અને તેની આસપાસની જમીન આ ભયાનક લક્ષ્ય માટે તૈયાર કરવામાં આવી હતી. તેણે વ્યવસ્થિત રીતે પોતાનો શિકાર પસંદ કરવાનું શરૂ કર્યું. તે હંમેશાં એવી સ્ત્રીઓને નિશાન બનાવતો જેઓ તેની પાસે પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવવા માટે એકલી આવતી અને જેમના ગુમ થવાથી તેમના પરિવારજનો તરત પોલીસનો સંપર્ક ન કરે. મોટાભાગે ગરીબ અને આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિની સ્ત્રીઓ તેની સરળ શિકાર બની.

અહમદની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી અત્યંત ક્રૂર હતી. સૌ પ્રથમ સ્ત્રીઓ જ્યારે તેની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતી, ત્યારે તે તેમને સમજાવતો કે સફળતા માટે એક વિશિષ્ટ `તંત્રવિધિ' જરૂરી છે. આ વિધિ તેના ખેતરમાં અથવા ઘરની પાછળની જગ્યામાં રાત્રે કરવી પડશે. વિશ્વાસ મૂકીને આવેલી સ્ત્રીઓ તેની વાત માની લેતી.

બીજું પગલું, અહમદ સ્ત્રીઓને ખાતરી આપતો કે આ વિધિ માટે તેમણે પોતાને જમીનમાં અડધી દફનાવવી પડશે. તે દાવો કરતો કે આનાથી તેમનો આત્મા સીધો બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાઈ જશે. ભોળી સ્ત્રીઓ તેની વાતોમાં આવી જતી અને તેના કહેવા મુજબ તેમના કમર સુધીના શરીરને તેણે ખોદેલા ખાડામાં ઊભી રીતે ગોઠવી દેતી.

ત્રીજું અને સૌથી ઘાતક પગલું, એકવાર સ્ત્રીઓ ખાડામાં સ્થિર થઈ જાય, ત્યારે સુરદજી મંત્રજાપ કરવાનો ડોળ કરતો. અચાનક તે ગાયબ થઈ જતો અને પાછળથી આવીને દોરડા અથવા કેબલથી તેમનું ગળું દબાવીને હત્યા કરતો. મૃત્યુની તે અંતિમ ક્ષણોમાં, તે સ્ત્રીઓના મોંમાંથી નીકળતી લાળને પીતો. તેના માટે આ માત્ર એક ક્રૂર કૃત્ય નહોતું, પણ તેના અલૌકિક ધ્યેયને પૂર્ણ કરવાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો.

એકવાર હત્યા થઈ જાય, પછી તે સ્ત્રીના મૃતદેહને તે જ ખાડામાં સંપૂર્ણ રીતે દફનાવી દેતો. એક ભયાવહ વિગત એ હતી કે તે દરેક મૃતદેહનું માથું પોતાના ઘર તરફ, પૂર્વ દિશામાં રાખીને દફનાવતો. આ પ્રથા વિશે તેણે પાછળથી પોલીસને જણાવ્યું કે તે માનતો હતો કે આનાથી તે સ્ત્રીઓમાંથી મેળવેલી જાદુઈ શક્તિઓ તેના ઘરમાં, તેના શરીરમાં સ્થાયી થશે.

અહમદ એકલો કામ કરતો નહોતો. તેની ત્રણ પત્નીઓ હતી, જેઓ સગી બહેનો હતી. તેમાંથી તેની સૌથી મોટી પત્ની ટુમિન તેના કામમાં મદદ કરતી હતી. તે આવનારી સ્ત્રીઓ પાસેથી પૈસા વસૂલતી, વિધિની વ્યવસ્થા કરતી અને ક્યારેક-ક્યારેક અહમદના ગુનાઓને છુપાવવામાં પણ મદદ કરતી.

વર્ષ 1986થી 1997 સુધી, એટલે કે અગિયાર વર્ષના ગાળામાં હેલ્વેટિયા ગામમાં એક રહસ્યમય મૌન છવાઈ ગયું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલી યુવાન સ્ત્રીઓની ફરિયાદો વધતી ગઈ. દરેક ફરિયાદ લગભગ એકસરખી હતી: `મારી દીકરી ધનવાન બનવા માટે એક તાંત્રિકને મળવા ગઈ હતી અને ત્યારથી તેનો કોઈ પત્તો નથી.'

અહમદનું ઘર, જે બહારથી શાંત અને પવિત્ર લાગતું હતું, તે વાસ્તવમાં 42 જેટલી સ્ત્રીઓની કબરોનું મેદાન હતું.

શરૂઆતનાં વર્ષોમાં (1986-1990), કદાચ તેણે ઓછી હત્યાઓ કરી, પરંતુ વર્ષ 1990ના દાયકાના મધ્ય ભાગ સુધીમાં, અહમદ એક વર્ષમાં સરેરાશ 4થી 5 સ્ત્રીઓની હત્યા કરતો હતો. તેનો શિકાર કરવાનો સિલસિલો એટલો ઝડપી બની ગયો કે તેણે જાણે એક ભયાનક રમત શરૂ કરી દીધી હોય.

પોલીસ માટે આ ગુમ થવાના કિસ્સાઓ એકબીજા સાથે જોડાયેલા નહોતા લાગતા. ઇન્ડોનેશિયાના ગ્રામીણ વિસ્તારોમાં ગુમ થવાના કિસ્સાઓ સામાન્ય હતા. સ્ત્રીઓ ઘણીવાર કામની શોધમાં મોટાં શહેરોમાં જતી રહેતી, તેથી પોલીસ તેને ગંભીરતાથી નહોતી લેતી.

આ દરમિયાન અહમદ પોતાનું જીવન સામાન્ય રીતે જીવતો હતો. તે ખેતી કરતો, સ્થાનિક લોકોને મદદ કરતો અને પોતાને એક આદરણીય ધાર્મિક અને જાદુઈ ઉપચારક તરીકે રજૂ કરતો. આ `ડૂકન'ની છબી પાછળ છુપાયેલો સીરિયલ કિલર એટલો ચાલાક હતો કે કોઈને પણ તેના પર શંકા ન ગઈ. ભોગ બનેલી સ્ત્રીઓની યાદી લાંબી હતી. તેઓ શિક્ષિકા, ખેડૂતની દીકરીઓ અને ક્યારેક ગૃહિણીઓ પણ હતી. તેમની એકમાત્ર ભૂલ એ હતી કે તેઓએ પોતાના દુઃખમાંથી બહાર આવવા માટે `જાદુઈ ઉપાય' પર વિશ્વાસ કર્યો.

મે, 1997 માં સુરદજીની ક્રૂરતાની લાંબી ગાથાનો અંત લાવનાર ઘટના બની. 17 વર્ષની શ્રી કેમલા દેવી નામની યુવતી તેના પરિવારને જાણ કર્યા વિના અહમદને મળવા આવી હતી. તે પ્રેમમાં સફળતા મેળવવા માટે તેની પાસે મદદ માંગવા આવી હતી.

જોકે, અન્ય ભોગ બનનાર સ્ત્રીઓ કરતાં દેવીનો કિસ્સો અલગ હતો. દેવીના પરિવારને તેની ચિંતા થતાં, તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને અહમદનું નામ આપ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે તે યુવતી છેલ્લે ક્યાં ગઈ હતી.

પોલીસે પ્રાથમિક તપાસ માટે અહમદના ઘરની મુલાકાત લીધી. અહમદે પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે દેવી અહીંથી જતી રહી છે. જોકે, પોલીસ અધિકારીઓએ તેના વર્તનમાં રહેલી અસામાન્યતા અને ઘરની પાછળની જમીન પર તાજી ખોદાયેલી માટી જોઈ. તે માટી પર શંકા જતાં, તેઓએ તે જગ્યા ખોદવાનો નિર્ણય કર્યો.

ખાડો ખોદતા જ પોલીસ અધિકારીઓની આંખો ફાટી ગઈ. તેમને કમલા દેવીનો મૃતદેહ મળ્યો. તેનું ગળું દબાવવામાં આવ્યું હતું અને અન્ય મૃતદેહોની જેમ જ તેનું માથું પૂર્વ દિશામાં અહમદના ઘર તરફ જ હતું. આ એક મૃતદેહ મળ્યાની ઘટનાએ હેલ્વેટિયા ગામની શાંતિને કાયમ માટે છિન્નભિન્ન કરી દીધી. અહમદની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.

ધરપકડ પછી અહમદને આત્મવિશ્વાસ હતો કે તે તેના જાદુઈ જ્ઞાનથી પોલીસને ગેરમાર્ગે દોરી શકશે, પરંતુ જ્યારે પુરાવાઓ તેની સામે રજૂ કરવામાં આવ્યા, ત્યારે તે તૂટી પડ્યો. પોલીસની પૂછપરછમાં તેણે માત્ર દેવીની હત્યાની કબૂલાત ન કરી, પરંતુ એક ભયાનક સત્યનો ઘટસ્ફોટ કર્યો : `મેં 42 સ્ત્રીઓને મારી નાખી છે.' તેનું કબૂલાતનામું સાંભળીને પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા. તેઓને વિશ્વાસ નહોતો આવતો કે એક વ્યક્તિ અગિયાર વર્ષમાં આટલા ગુનાઓ કરી શકે છે. અહમદે કબૂલાત કરી કે 42 સ્ત્રીઓને તેના ખેતરમાં, ઘરની પાછળની જમીનમાં દફનાવવામાં આવી છે. આ જમીન હવે `કબરોનું ખેતર' બની ગયું હતું.

પોલીસ અને ફોરેન્સિક ટીમોએ તે જગ્યા ખોદવાનું કામ શરૂ કર્યું. એક પછી એક માનવ અવશેષો બહાર આવવા લાગ્યા. દરેક મૃતદેહની સ્થિતિ સરખી હતી : ઊભી રીતે દફનાવેલો, ગળું દબાવેલું અને માથું અહમદના ઘર તરફ. આ દૃશ્ય એટલું ભયાવહ હતું કે તેની તપાસ કરનારા અધિકારીઓ પણ હચમચી ગયા હતા.

કુલ 42 સ્ત્રીઓના મૃતદેહો મળી આવ્યા. તે બધી યુવાન હતી અને બધા અહમદના ક્રૂર સપનાનો શિકાર બન્યા હતા. દરેક મૃતદેહ સાથે પોલીસને તેમના અંગત સામાન, કપડાં, ઘરેણાં અને કાગળો મળ્યાં, જેની મદદથી ભોગ બનેલી સ્ત્રીઓની ઓળખ કરવામાં આવી. આ ઓળખ પ્રક્રિયાએ ઇન્ડોનેશિયાના ઘણા પરિવારોમાં શોકનું મોજું ફેરવી દીધું. ઘણા પરિવારો જે વર્ષોથી પોતાની દીકરીની રાહ જોઈ રહ્યા હતા, તેમને આ ભયાનક સત્યનો સામનો કરવો પડ્યો.

અહમદની પત્ની ટુમિનની પણ ધરપકડ કરવામાં આવી, કારણ કે તેણે હત્યાઓમાં મદદ કરી હતી અને મૃતદેહોને દફનાવવામાં પણ સહાય કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું. અહમદના આ કેસને ઇન્ડોનેશિયાની જાહેર જનતાએ અત્યંત ગંભીરતાથી લીધો. મીડિયામાં આ કેસને `કબરના રાક્ષસ' તરીકે ઓળખવામાં આવ્યો.

હત્યાઓનો કાળક્રમ, મૃતદેહોની સંખ્યા અને અહમદની ક્રૂર કાર્યપદ્ધતિના કારણે તેની ટ્રાયલ એક લાંબી અને પીડાદાયક પ્રક્રિયા બની ગઈ. અહમદે કોર્ટમાં પોતાની કબૂલાત પુનરાવર્તિત કરી. તેણે દાવો કર્યો કે તે જાદુઈ શક્તિઓ મેળવવા માટે આ બધું કરી રહ્યો હતો. તેના વકીલોએ તેને માનસિક રીતે અસ્થિર સાબિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોર્ટે તેના ગુનાઓનું વ્યવસ્થિત આયોજન અને અગિયાર વર્ષ સુધી ચલાવેલા ષડ્યંત્રને ધ્યાનમાં લીધું.

ગુનાની ગંભીરતાને જોતાં 1998માં કોર્ટે અહમદ સુરદજીને 42 હત્યાઓ માટે દોષિત ઠેરવ્યો. કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી. તેની પત્ની ટુમિનને પણ ગુનામાં મદદ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

છેવટે 10 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા પછી અહમદ સુરદજીની છેલ્લી યાત્રાનો સમય આવ્યો. 10 જુલાઈ, 2008ના રોજ અહમદ સુરદજીને ઉત્તર સુમાત્રામાં ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો. તેના મૃત્યુ સાથે 42 સ્ત્રીઓની હત્યા કરનાર એક ક્રૂર સીરિયલ કિલરના અધ્યાયનો અંત આવ્યો, પરંતુ તેના ગુનાઓની ભયાવહ યાદ અને તેમાંથી શીખેલા પાઠ ઇન્ડોનેશિયાના ઇતિહાસમાં કાયમ માટે કોતરાઈ ગયા.