ગુજરાતમાં હમણાં લગ્નની સીઝન પૂરજોશમાં ચાલે છે. સાથે જ સોનાના રોકેટ ગતિએ વધી ગયેલા ભાવ પણ લોકો માટે ચિંતાનો વિષય બની ગયા છે. બીજી તરફ દુનિયા આખીનો બોજ લઈને ફરતા વિશ્વભરનાં મોટાં માથાંઓને સોના અને ચાંદી કરતાં પણ વધુ કીમતી એવી કેટલીક ધાતુઓ મટીરિયલ્સની ચિંતા છે.
આ લખાય છે ત્યારે સમાચાર છે કે ભારત સરકારે રેર અર્થ મેગ્નેટ માટે 7,280 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે. અહીં મેગ્નેટ શબ્દ વાપર્યો છે પણ મૂળ વાત રેર અર્થ એલિમેન્ટ્સ - REE વિશે છે. શું છે આ રેર અર્થ એલિમેન્ટ્સ? સરકારને શા માટે એમાં આટલો બધો રસ પડ્યો? આમ તો વિજ્ઞાનના ગણાય એવા આ વિષયનો વૈશ્વિક રાજકારણ ઉપર પણ કેવોક પ્રભાવ છે?
સૌથી પહેલાં વૈજ્ઞાનિક દૃષ્ટિએ આખી બાબત સમજી લઈએ. જેને રેર અર્થ મટીરિયલ અથવા રેર અર્થ એલિમેન્ટ્સ (Rare Earth Elements - REE) કહેવામાં આવે છે, તે 17 તત્ત્વોનું જૂથ છે. આમાં પિરિયોડિક ટેબલનાં 15 લેન્થેનાઇડ તત્વો એટલે કે લેન્થેનમ(57 - LAnthanum)થી લ્યુટેશિયમ (71 - LUtetium) સુધીનાં તત્ત્વો તથા સ્કેન્ડિયમ (21 - SCandium) અને યટ્રિયમ(39 - Yttrium)નો સમાવેશ થાય છે. જો તમે ભણતી વખતે કેમેસ્ટ્રીના પિરિયડમાં ગાપચી મારી હશે તો પિરિયોડિક ટેબલને લગતો આ પેરેગ્રાફ તમને માથા ઉપરથી જશે એ નક્કી. એટલે સાદા શબ્દોમાં કહીએ અહીં ખનિજ સ્વરૂપે મળી આવતી 17 જેટલી જુદી જુદી ધાતુઓની વાત થઇ રહી છે.
આ તત્ત્વો વાસ્તવમાં અસામાન્ય અથવા દુર્લભ નથી, પરંતુ ખનિજ સ્વરૂપમાં વિખરાયેલ અવસ્થામાં હોવાથી તેમને અલગ કરવા અને શુદ્ધ કરવા મુશ્કેલ છે. તેઓ ધાતુઓના સ્વરૂપમાં હોય છે અને તેમનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અને અન્ય હાઇ-ટેક ઉદ્યોગોમાં થાય છે. દાખલા તરીકે મોબાઇલ ફોન, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, વિન્ડ ટર્બાઇન્સ અને મિલિટરી ઇક્વિપમેન્ટમાં આ ધાતુઓ વપરાય છે. નિયોડિમિયમ (Nd) ધાતુ ઇલેક્ટ્રિક વાહનો (EV), પવન ટર્બાઇન, હાર્ડ ડિસ્ક, હેડફોન વગેરેમાં વપરાય છે. ડિસ્પ્રોસિયમ અને ટર્બિયમ મેગ્નેટ જેવી ધાતુઓની ગરમી સહન કરવાની ક્ષમતા વધારે છે. લેન્થેનમ અને સિરિયમ આપણી કારમાં કેટેલિટિક કન્વર્ટર એટલે કે પેટ્રોલ-ડીઝલના ધુમાડાને ઓછો કરનાર સાધન તરીકે વપરાય છે. બેટરી, LED લાઇટ, મેડિકલ MRI મશીન, લશ્કરી સાધનો (લેસર, રડાર) વગેરેમાં આ તમામ ધાતુઓ વધતે-ઓછે અંશે ઉપયોગી સાબિત થાય છે. આ ધાતુઓને ન્યૂ એજ ટેક્નોલોજી માટેનું રો-મટીરિયલ કહીએ તોય અતિશયોક્તિ નહિ ગણાય. એટલે જ દરેક દેશ આ ધાતુઓ પર વધુમાં વધુ કબજો જમાવવા માંગે છે.
સાંપ્રત વૈશ્વિક રાજકારણની વાત કરીએ તો ગ્લોબલ સપ્લાય ચેઇન અને જિઓપોલિટિકલ સ્પર્ધા આ રેર અર્થ મટીરિયલ પર જ આધારિત છે. આપણા બદમાશ પડોશી ચીનાઓ આજની તારીખે વિશ્વના રેર અર્થ ઉત્પાદનનો આશરે 60-70% હિસ્સો ધરાવે છે. એટલે અમેરિકા જેવી મહાસત્તાએ પણ અમુક બાબતમાં ચીન સામે નમવું પડે છે. યુએસ-ચીન વચ્ચેના તણાવને કારણે રેર અર્થને જિઓપોલિટિકલ હથિયાર તરીકે જોવામાં આવે છે.
આમાં ભારતનું સ્થાન ક્યાં? એ પ્રશ્ન થાય જ. ઉપર જણાવ્યું એમ રેર અર્થ એલિમેન્ટ્સ ક્ષેત્રે ચીન જ સૌથી મોટો ખેલાડી છે, પરંતુ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મ્યાનમાર અને વિયેતનામની સાથે ભારત પણ આ ક્ષેત્રે ધીમી પ્રગતિના પંથે છે. ભારત પાસે લગભગ 6.9 મિલિયન ટનનો સંગ્રહ છે, જે વિશ્વના કુલ જથ્થાનો 6% જેટલો ગણાય, પણ હાલમાં અહીં ખૂબ ઓછું ખનન થાય છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતનો માત્ર 1-2% જ ઉત્પાદન કરે છે, બાકી ચીન ઉપર નિર્ભર રહેવું પડે છે. ચીન સાથે જ્યારે જ્યારે સરહદી તણાવ પેદા થાય ત્યારે આપણે ત્યાં ઘણા ચર્ચાબહાદુરો સોશિયલ મીડિયા પર `આપણે ચીનને પાઠ કેમ નથી ભણાવતા' જેવો બાલિશ પ્રશ્ન પૂછતા જોવા મળે છે, પણ વૈશ્વિક રાજનીતિમાં માત્ર લશ્કરી બળ નહિ, આર્થિક સમીકરણો અને એ સાથે જ દેશનું સાયન્સ-ટેક્નોલોજી ક્ષેત્રે ભવિષ્ય પણ જોવું પડે!
ઓકે ફાઈન. હવે રેર અર્થ એલિમેન્ટ્સ વિશે જાણી લીધા પછી અન્ય કેટલીક કીમતી ધાતુઓ વિશે પણ જાણવું જોઈએ. આ કીમતી ધાતુઓ પ્લેટિનમ ગ્રૂપ મેટલ્સ - PGM તરીકે ઓળખાય છે. કુલ છ ધાતુઓના આ જૂથમાં પ્લેટિનમ (Pt), પેલેડિયમ (Pd), રોડિયમ (Rh), રુથેનિયમ (Ru), ઇરિડિયમ (Ir) અને ઓસ્મિયમ(Os)નો સમાવેશ થાય છે. આ બધી ધાતુઓ ખૂબ જ દુર્લભ ગણાય. આ ધાતુઓ ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે.
એમને કાટ પણ નથી લાગતો અને રાસાયણિક રીતે આ ધાતુઓને અત્યંત સ્થિર માનવામાં આવે છે. જ્વેલરીથી માંડીને બીજા અનેક ઔદ્યોગિક ઉપયોગ ધરાવતી આ ધાતુઓનું સૌથી વધુ ઉત્પાદન (આશરે 75 ટકા) સાઉથ આફ્રિકામાં થાય છે. બીજા ક્રમે રશિયા (12-14 ટકા) આવે. કેનેડા અને અમેરિકામાં 5થી 8 ટકા જેટલું ઉત્પાદન થાય છે. કમનસીબે ભારતમાં આ ધાતુઓ માટેનો કોઈ મોટો સ્રોત ઉપલબ્ધ નથી. એટલે ભારતીય ઇન્ડસ્ટ્રીઝે સંપૂર્ણપણે PGMની આયાત પર નિર્ભર રહેવું પડે છે. જોકે, હવે આપણે રિસાઈકલ પ્રોસેસ દ્વારા વપરાયેલ કેટાલિસ્ટમાંથી કીમતી ધાતુ છૂટી પાડવા તરફ વળ્યા છીએ.
જો તમને સોનાના ભાવ વધુ લાગતા હોય તો જાણી લો કે પ્લેટિનમ ગ્રૂપમાં સમાવેશ પામતી રોડિયમ ધાતુના એક ગ્રામની કિંમત છે ₹ 24,803. એટલે કે તોલાના લગભગ અઢી લાખ રૂપિયા. બોલો, છે રોકાણ કરવાની ઈચ્છા?
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
