જીવન ઘણું બધું છે. એ સુંદર પણ છે અને વજનદાર પણ છે. ઘણા લોકો જિંદગીનો ભારે બોજ ઊંચકવામાં ઈશ્વરની મદદ લેવા પ્રેરાતા હોય છે. ટોલ્સટોયે આવી મદદ લીધી.
સાવ જ નિરર્થક અને વાહિયાત લાગતા જીવનનો બોજ ઉઠાવવા માટે એમણે શ્રદ્ધાનું શરણ લીધું. જોકે, શ્રદ્ધા સાથે સંકળાયેલાં રીતરિવાજો, વિધિવિધાનો, કર્મકાંડો બાબતે એ મૂંઝાયા. છેવટે કેટલાક શ્રદ્ધાળુઓએ ટોલ્સ્ટોયને સમજાવ્યું કે એકલી શ્રદ્ધા પૂરતી નથી, શ્રદ્ધા માટે સામૂહિકતા જરૂરી છે. સૌનું એકસાથે કલ્યાણ થાય એવા માર્ગે જ વ્યક્તિનું કલ્યાણ થઈ શકે છે અને એટલે જ શ્રદ્ધાના કેન્દ્રમાં ચર્ચ છે, જ્યાં સૌ સાથે મળીને પોતાનો ઉદ્ધાર કરે છે. આ દલીલ ટોલ્સ્ટોયે સ્વીકારી લીધી. એ નિયમિત ચર્ચમાં જવા લાગ્યા અને એની પ્રાર્થનાઓ-વિધિઓમાં ભાગ લેવા લાગ્યા.
આ શરણાગતિ પછી પણ ચર્ચની કેટલીક બાબતો એમના ગળે નહોતી ઊતરી રહી. જેમ કે, રશિયાના રાજા માટે પ્રાર્થના કરવી, શત્રુઓના નાશ માટે પ્રાર્થના કરવી, કોઈના મોત માટે પ્રાર્થના કરવાની વાત ટોલ્સ્ટોયનું મન આસાનીથી સ્વીકારી શક્યું નહીં.
આગળની વાત એમના જ શબ્દોમાં ધર્મના મુખ્ય તહેવારોની ઉજવણી બાબતે પણ હું મૂંઝાયો. સાબાથની ઉજવણી મને સમજાઈ, કારણ કે એમાં અઠવાડિયે એક દિવસ પૂરેપૂરા પ્રભુમય થવાની વાત હતી, પરંતુ એમાં પણ સૌથી મહત્ત્વની ઉજવણી તો રિઝરક્શન-પુનરુત્થાન (ઈસુના પુનર્જીવિત થવાની ઘટનાની) હતી અને એ વાત મારું તાર્કિક મન સમજી શકે તેવી નહોતી. અઠવાડિક સન્ડે-રવિવાર માટેનો અમારો રશિયન શબ્દ પણ પુનરુત્થાન સૂચવતો હતો. એ દિવસે ચર્ચમાં સર્વિસની જે વિધિ થતી એમાંનું ઘણું હું સમજી શકતો નહોતો. એક ક્રિસમસને બાદ કરતા (અમારા ધર્મના) બાકીના 12 મુખ્ય તહેવારો કોઈ ને કોઈ ચમત્કારની યાદીમાં ઉજવાતા હતા. એ ઉજવણીમાં હું પણ ભાગ લેતો રહ્યો, પરંતુ મને એવું લાગતું રહ્યું કે આમાં સૌથી ઓછી મહત્ત્વની બાબત(ચમત્કાર)ને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ મામલે મેં યા તો જાતને જેમતેમ મનાવી-પટાવી લેવાની અથવા આંખો મીંચી લેવાની નીતિ અપનાવી.
જોકે, પછી જ્યારે મેં બાપ્તિસ્મા (જળસંસ્કાર) અને કમ્યુનિયન(પ્રભુભોજન)ની વિધિમાં ભાગ લીધો ત્યારે મારા માટે જાતને મનાવવાનું કે આંખો મીંચી લેવાનું અઘરું પડ્યું. આમ તો આ વિધિઓ અમારા ધર્મની સૌથી કોમન અને સૌથી મહત્ત્વની ગણાતી હતી અને એ વિધિઓ પોતે સરવાળે બહુ સારી હતી અને આસાનીથી સમજી શકાય તેવી પણ હતી. છતાં મને તકલીફ પડી. મને લાગ્યું કે આ ક્રિયાઓ ભ્રમપ્રેરક છે. હું ભારે દ્વિધામાં પડ્યો. મારી પાસે બે જ રસ્તા હતાઃ યા તો મારે એ ક્રિયાઓ ન કરવી અથવા સત્ય-ભ્રમણા વિશે બુદ્ધિ ચલાવ્યા વિના આખી વાત સ્વીકારી લેવી.
વર્ષો પછી પહેલી વાર જળસંસ્કાર અને પ્રભુભોજનની એ વિધિ-ક્રિયાઓમાં ભાગ લેવાનો અનુભવ હું ક્યારેય નહીં ભૂલી શકું. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. સર્વિસ અને કન્ફેશન વગેરે સુંદર રીતે પાર પડ્યાં. એ ક્રિયાઓમાં ભાગ લેતી વખતે મને બધું સમજાઈ પણ રહ્યું હતું અને હું એ વાતે ઉત્તેજિત-આનંદિત પણ હતો કે આ ક્રિયાઓ દ્વારા જીવનનો સાચો અર્થ મારી સમક્ષ ખૂલી રહ્યો હતો. મેં મારી જાતને એવું સમજાવ્યું કે આ ક્રિયાઓ કરીને હું જિસસને યાદ કરી રહ્યો છું, મારી અંદરનાં પાપો ધોઈ રહ્યો છું અને જિસસના ઉપદેશનો સંપૂર્ણ સ્વીકાર કરી રહ્યો છું. આ બધો મનને મનાવવાનો ખેલ હોય તો પણ મેં એના તરફ ઝાઝું ધ્યાન ન આપ્યું. પાદરી સમક્ષ કબૂલાત કરતી વખતે હું એકદમ નમ્ર બની રહ્યો અને મેં એમની પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી લીધી. જેની સમક્ષ મેં કન્ફેશન કર્યું એ પાદરી એકદમ સરળ અને નમ્ર હતા. એમની સમક્ષ મારા હૃદયનો બધો જ કીચડ ઠાલવતી વખતે અને મારાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કરતી વખતે મેં તીવ્ર આનંદ અનુભવ્યો. આ બધું કરતી વખતે સમાજના વિશાળ શ્રદ્ધાળુ વર્ગ સાથે એકાકાર થવા બાબતે હું આનંદ અનુભવી રહ્યો હતો. આ બધામાં કશુંક કૃત્રિમ છે એવા વિચારને મેં મારી અંદર ફરકવા ન દીધો. આ બધી વિધિઓના અંતે હું જાણે પ્રભુના સામ્રાજ્યના દરવાજે પહોંચી ગયો હોઉં એવું મને લાગ્યું. પછી પાદરીએ મને મારી શ્રદ્ધાનો પુનરોચ્ચાર કરવા કહ્યું અને મને જે ધરવામાં આવે છે તે અસલમાં માંસ-રક્ત છે એવું સ્વીકારી લેવા કહ્યું. આ વાત મારું હૃદય સ્વીકારી શક્યું નહીં. આમાં કશુંક ખોટું છે એવું લાગવા કરતાં પણ વધારે તો મને એવું લાગ્યું કે જેને શ્રદ્ધા શું છે એ વિશે અગાઉ ક્યારેય કશી ખબર જ નહોતી, એવા, મારા જેવા માણસને (વાઈન એટલે રક્ત) આવું બધું માની લેવા કહેવું એ વધારે પડતું ગણાય.
એ અપેક્ષા આકરી હતી એવું હું અત્યારે વિચારી-કહી શકું છું, પરંતુ ત્યારે મને આ વાત સ્પષ્ટપણે સમજાઈ નહોતી. ત્યારે મેં વિરોધ કર્યો નહોતો. ત્યારે મારામાં યૌવનસહજ સ્પષ્ટતા અને મક્કમતા નહોતી. ત્યારે તો હું (અત્યંત થાકી-હારીને) શ્રદ્ધા વિના માત્ર વિનાશ જ છે એવું સમજ્યા બાદ શ્રદ્ધાના શરણે ગયો હતો. આવામાં હું શ્રદ્ધાથી દૂર તો જઈ જ શકું તેમ નહોતો.
એટલે મેં પૂર્ણ શરણાગતિ સ્વીકારીને (જળસંસ્કાર અને પ્રભુભોજનની) બધી વિધિઓ કરી લીધી. જાતને સદંતર ભૂંસી નાખવાની અને નમ્ર બની રહેવાની વૃત્તિએ મને એ વિધિઓનું પાલન કરવામાં મદદ કરી. મેં નમ્રપણે, શંકાનો ભાવ મનના સહેજ પણ લાવ્યા વિના શાંતિથી રક્ત-માંસ (વાઈન-બ્રેડ) આરોગી લીધાં. અલબત્ત, આ બધું કર્યાની એક નિશાની તો મારી અંદર રહી જ ગઈ. એટલે જ આ વિધિમાં છેવટ સુધીનો ક્રમ શું છે એ એકવાર જાણી લીધા બાદ બીજી વાર એ વિધિમાં ભાગ લેવા માટે હું તૈયાર ન થઈ શક્યો.
અલબત્ત, પછી પણ મેં ચર્ચની (પ્રભુભોજન સિવાયની) બીજી બધી વિધિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું.
હું એવું પણ માનતો રહ્યો કે હું જે બધી માન્યતાઓને અનુસરી રહ્યો છું તેમાં સત્ય છે.
પછી એવું કશુંક બન્યું જે અત્યારે તો (આ લખતી વખતે, બે-ત્રણ વર્ષ પછી) મને બરાબર સમજાઈ રહ્યું છે, પરંતુ ત્યારે મને એ વિચિત્ર લાગેલું. (ક્રમશઃ)
***
પછી જે બન્યું એ ઘટનાક્રમ વિશે આવતા અંકે વાત કરીશું. અત્યારે એક મૂળ વાત સમજી લઈએ અને તે એ છે કે ટોલ્સ્ટોયની આ આત્મકથા કબૂલાત એ કોઈ સ્વતંત્ર પુસ્તક નથી. અસલમાં એ ટોલ્સ્ટોયે આરંભેલી ચાર પુસ્તકોની શ્રેણીમાંનું પહેલું પુસ્તક છે. આ પુસ્તકમાં રૂઢિવાદી ધર્મની મર્યાદાઓ વિશેની પ્રસ્તાવના છે. બીજું પુસ્તક એ મર્યાદાઓ વિશેનું છે. ત્રીજું પુસ્તક જિસસના ઉપદેશ-સાર વિશેનું છે અને ચોથું પુસ્તક ટોલ્સ્ટોયે પોતે જે ધર્મ પૂરેપૂરો અપનાવ્યો એની વાત કહેનારું છે. એ ચોથા પુસ્તકનું શીર્ષક જ સ્પષ્ટ છેઃ મારો ધર્મ.
ટૂંકમાં, આ પુસ્તકશ્રેણી `મારી કબૂલાત'થી શરૂ થઈને `મારા ધર્મ' પર અટકે છે. આ શ્રેણીમાં બે યાત્રાઓ સાંકળી લેવામાં આવી છેઃ 1) બેચેનીથી શાંતિ સુધીની યાત્રા. 2) શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધાની બાદબાકીની યાત્રા.
