તુર્કીના પ્રાચીન શહેર એફેસસમાં આવેલું આર્ટેમિસનું મંદિર પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંનું એક હતું.

આ મંદિર તેની ભવ્યતા, કલાત્મક કોતરણી અને વિશાળ કદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. આજે ભલે આ મંદિરના માત્ર અવશેષો જ બચ્યા હોય, પરંતુ તેનો ઇતિહાસ હજુ પણ વિશ્વને આશ્ચર્ય ચકિત કરે છે.

ઇતિહાસ અને સ્થાનિક મહત્ત્વ

દેવી આર્ટેમિસ એ ગ્રીક પુરાણોમાં દેવતાઓના રાજા ઝિયસ અને લેટોની પુત્રી તથા સૂર્યદેવ એપોલોની જોડિયાં બહેન હતી. તે જંગલી પશુઓ, શિકાર અને પ્રકૃતિની રક્ષક ગણાતી. એફેસસમાં તેની પૂજા એફેસિયન આર્ટેમિસ તરીકે થતી, જે ગ્રીક અને સ્થાનિક એનાટોલિયન પરંપરાઓનું મિશ્રણ હતી. આ મંદિર એશિયા માઈનોર હાલમાં તુર્કીના દરિયાકાંઠાના ભાગમાં આવેલું હતું, જે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓના મિલનનું કેન્દ્ર હતું.

મંદિરનું નિર્માણ અને અદ્ભુત એન્જિનિયરિંગ

આ મંદિરનું નિર્માણ કાદવવાળી જમીન પર કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ થાય કે આવી જમીન કેમ પસંદ કરી? ઈતિહાસકારો માને છે કે ધરતીકંપના આંચકાઓથી બચવા માટે આ કાદવવાળી જમીન શોક એબ્સોર્બર એટલે કે આંચકા સહન કરનાર તરીકે કામ કરે તેવો એન્જિનિયરોનો દાવો હતો.

આ મંદિરના કદ અને આકારની વાત કરીએ તો પાર્થેનન એટલે એથેન્સ કરતાં કદમાં ઘણું મોટું હતું. તેની લંબાઈ આશરે 115 મીટર અને પહોળાઈ 55 મીટર હતી. મંદિરમાં આશરે 127 જેટલા ભવ્ય સ્તંભો બનાવવામાં આવ્યા હતા. એમાંથી 36 સ્તંભોના નીચેના ભાગમાં મૂર્તિઓ કોતરવામાં આવી હતી. તે સમયના વિખ્યાત શિલ્પીઓ જેમ કે, ફિડિઆસ અને પોલિક્લિટ્સે અહીંની કલાકૃતિઓ તૈયાર કરવામાં ફાળો આપ્યો હોવાનું મનાય છે.

હેરોસ્ટ્રેટ્સ અને અલેક્ઝાન્ડર ધ ગ્રેટ સાથેનો સંબંધ

356 બી.સી.માં હેરોસ્ટ્રેટ્સ નામના વ્યક્તિએ કરેલા અગ્નિકાંડને ઇતિહાસનો સૌથી કુખ્યાત ગુનો ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિર સળગી રહ્યું હતું ત્યારે દેવી આર્ટેમિસ મદદ કરવા માટે હાજર નહોતાં, કારણ કે તેઓ અેલેક્ઝાન્ડર(સિકંદર)ના જન્મમાં વ્યસ્ત હતાં.

વર્ષો પછી જ્યારે એલેક્ઝાન્ડરે એફેસસ જીત્યું, ત્યારે તેણે મંદિરના પુનઃ નિર્માણનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી, પણ એક શરતે કે તેનું નામ શિલાલેખ પર લખવામાં આવે. જોકે, સ્વાભિમાની એફેસિયનોએ નમ્રતાથી ના પાડી દીધી અને કહ્યું કે, એક ભગવાન (અેલેક્ઝાન્ડર) બીજા ભગવાન (આર્ટેમિસ) માટે મંદિર ન બનાવી શકે. અંતે એફેસિયનોએ પોતાના ખર્ચે તેને ફરીથી બનાવ્યું.

સાત અજાયબીઓમાં સ્થાન કેમ?

બિઝેન્ટિયમના ફિલો જેમણે સાત અજાયબીઓની યાદી બનાવી હતી, તેમણે લખ્યું હતું કે,મેં બેબીલોનના લટકતા બગીચા અને ઓલિમ્પિયાના ઝિયસની મૂર્તિ જોઈ છે, પણ જ્યારે મેં આર્ટેમિસના મંદિરને વાદળોને સ્પર્શતું જોયું, ત્યારે અન્ય તમામ અજાયબીઓ ફિક્કી પડી ગઈ. સૂર્ય પોતે પણ ઓલિમ્પસની બહાર આવી ભવ્યતા ક્યાંય જોતો નથી. આ વાક્ય મંદિરની સુંદરતાનો પરિચય આપવા માટે પૂરતું છે. તે શુદ્ધ સફેદ આરસપહાણમાંથી બનેલું હોવાથી રાત્રે પણ ચંદ્રના પ્રકાશમાં ચમકતું હતું.

સામાજિક અને રાજકીય આશ્રયસ્થાન

આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નહોતું, પણ તે શરણાગતિનું સ્થળ પણ હતું. જો કોઈ ગુનેગાર કે મુસીબતમાં આવેલ વ્યક્તિ મંદિરના ચોક્કસ વિસ્તારમાં પહોંચી જાય, તો તેને ધરપકડ કે સજામાંથી રક્ષણ મળતું હતું. આ કારણે તે સમયે રાજકીય રીતે પણ આ સ્થળનું ભારે દબાણ રહેતું.

મંદિરનું પતન

મંદિરનું પતન માત્ર કુદરતી કે યુદ્ધ દ્વારા જ નહીં, પરંતુ ધાર્મિક પરિવર્તનને કારણે પણ થયું.

જ્યારે સેન્ટ પોલે એફેસસમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ કર્યો, ત્યારે આર્ટેમિસના મંદિરની લોકપ્રિયતા ઘટવા લાગી. 391 એ.ડી.માં રોમન સમ્રાટ થિયોડોસિયસ દ્વારા તમામ મૂર્તિપૂજક મંદિરો બંધ કરવાનો આદેશ અપાયો, ત્યારબાદ આ ભવ્ય સ્થાપત્ય ધીમે-ધીમે વિખેરાવા લાગ્યું. તેના આરસપહાણના પથ્થરો અન્ય ચર્ચ અને ઇમારતો બનાવવા માટે લઈ જવામાં આવ્યા.

આજના અવશેષો

આજે તુર્કીમાં મુલાકાતીઓ જાય ત્યારે તેમને વિશાળ પાયાના પથ્થરો અને માત્ર એક જ ઊભેલો સ્તંભ જોવા મળે છે. આ સ્તંભ પણ ખરેખર જુદા-જુદા ટુકડાઓ જોડીને બનાવવામાં આવ્યો છે. તેમ છતાં જમીન પર પથરાયેલા આરસપહાણના ટુકડાઓ જોઈને તમે કલ્પના કરી શકો છો કે તે સમયે તેની ઊંચાઈ અને ભવ્યતા કેટલી હશે.

ભલે આજે આર્ટેમિસનું મંદિર ભંગાર હાલતમાં હોય, પણ તેનો વૈભવ ઇતિહાસનાં પાનાંઓમાં અમર છે. તે માનવ સંકલ્પ અને સ્થાપત્ય કલાની ચરમસીમાનું પ્રતીક છે. યુનેસ્કોએ પણ એફેસસને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે. આમ, પુરાતત્ત્વશાસ્ત્ર અને વિશ્વ ઈતિહાસમાં તેનું સ્થાન હજુ પણ અંકિત છે.