તમે કોઈની સ્મશાનયાત્રામાં જઈને ડીજે વગાડીને ડાન્સ કરી શકો? કલ્પના જ કેટલી બિહામણી અને અસંવેદનશીલ લાગે છે, ખરુંને? પણ આધુનિક સમાજ અત્યારે બરાબર આવું જ કરી રહ્યો છે. ટીશર્ટ્સ, કોફી મગ અને ઇન્સ્ટાગ્રામના બાયોમાં ચીપકાવેલું એક વાક્ય `ગુડ વાઇબ્સ ઓન્લી' એ આધુનિક માનવ ઇતિહાસનો સૌથી મોટો, માયાવી અને ક્રૂર ઢોંગ છે. આપણે એક એવો સમાજ રચી કાઢ્યો છે જ્યાં દુઃખી હોવું, હતાશ થવું કે રડવું એ કોઈ સ્વાભાવિક લાગણી નહીં, પણ જાણે એક અક્ષમ્ય ગુનો છે. `હકારાત્મકતા' હવે કોઈ જીવનશૈલી નથી રહી, તે એક એવો આતંક બની ગઈ છે જેણે માણસ પાસેથી તેના અસલી આંસુ વહાવવાનો મૂળભૂત અધિકાર છીનવી લીધો છે.
મેડિકલ સાયન્સમાં `સિપા'/સીઆઈપીએ - કોન્જેનીટલ ઇનસેન્સિટીવિટી ટુ પેઇન એન્ડ એનહિડ્રોસીસ નામનો એક અત્યંત દુર્લભ રોગ છે. આ રોગ ધરાવતા બાળકને શારીરિક દુખાવો જ થતો નથી. સાંભળવામાં આ કોઈ સુપરપાવર કે ભગવાનનો આશીર્વાદ લાગે, પણ વાસ્તવિકતા એ છે કે આવાં બાળકો બહુ નાની ઉંમરે મૃત્યુ પામે છે, કારણ કે જો તેમને દુખાવો જ ન થાય, તો તેઓ ઉકળતા પાણીમાં હાથ નાખી દેશે અથવા જીભ ચાવી જશે તો પણ તેમને ખબર નહીં પડે. `પીડા' એ પ્રકૃતિએ આપેલી આપણી સૌથી મોટી સુરક્ષા કવચ છે. પીડા એ એલાર્મ છે જે બતાવે છે કે કંઈક ખોટું છે અને તેને સુધારવાની જરૂર છે.
જે શારીરિક પીડાનું છે, બરાબર તે જ માનસિક પીડાનું છે. ઉત્ક્રાંતિના લાખો વર્ષોમાં માણસના મગજમાં ગુસ્સો, હતાશા, શોક અને રડવાની મિકેનિઝમ કોઈ કારણ વગર નથી ગોઠવાઈ, પણ આજના મોટિવેશનલ સ્પીકર્સ અને સેલ્ફ-હેલ્પ પુસ્તકોના અબજો ડોલરના ઉદ્યોગે એક નવું નરેટિવ સેટ કર્યું છે `હંમેશાં હસતા રહો', `બધું સારા માટે જ થાય છે', `પોઝિટિવ વિચારો'. આ `ટોક્સિક પોઝિટિવિટી' (ઝેરી હકારાત્મકતા) છે. કોઈ માણસની નોકરી જતી રહે કે તેના કોઈ સ્વજનનું અકાળે મૃત્યુ થાય, ત્યારે તેને ખરેખર જરૂર હોય છે છાતીફાટ રડી લેવાની. પણ સમાજ તેને કહે છે, `સ્ટ્રોંગ બન, ભગવાન જે કરે તે સારા માટે કરે.' આ દિલાસો નથી, આ એક તૂટેલા માણસની વેદનાનું ઘોર અપમાન છે. દરેક ખરાબ ઘટનામાં `સિલ્વર લાઈનિંગ' (આશાનું કિરણ) શોધવાની કોઈ જરૂર નથી હોતી. અમુક દુર્ઘટનાઓ માત્ર દુર્ઘટનાઓ જ હોય છે, તેમાં કોઈ સારો બોધપાઠ નથી છુપાયેલો હોતો.
ઇતિહાસ અને ફિલોસોફીનાં મૂળિયાં તપાસો. મહાન ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે `કેથાર્સિસ'નો સિદ્ધાંત આપ્યો હતો. ગ્રીસમાં કરુણાંતિકા એટલે કે ટ્રેજેડી નાટકો ભજવાતાં, જેમાં અંતે બધું જ બરબાદ થઈ જતું. લોકો આ નાટકો જોઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા. એરિસ્ટોટલ માનતા કે મનની અંદર ધરબાયેલા ડર અને શોકને બહાર કાઢવા માટે રડવું અત્યંત જરૂરી છે, તો જ આત્મા શુદ્ધ થાય. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ `છાજિયાં લેવાની' અને બાર-બાર દિવસ સુધી શોક પાળવાની પ્રથા હતી. (જેની સાથે આ લખનારની સંપૂર્ણ સહમતી નથી.) કારણ કે આપણા પૂર્વજો સાઇકોલોજી સમજતા હતા; તેઓ જાણતા હતા કે શોકને પચાવવા માટે સમય અને સ્પેસ જોઈએ. આજે આપણે એ સ્પેસ ખતમ કરી નાખી છે. આપણે કોઈનું મૃત્યુ થાય તો ત્રીજા દિવસે `બેસણું' પતાવીને ચોથા દિવસે પાછા કામે લાગી જઈએ છીએ અને ગર્વથી કહીએ છીએ કે અમે `મૂવ ઓન' થઈ ગયા. જેમાં કંઈ ખોટું નથી. જે પણ લાગણી હોય એ ઓર્ગેનિક હોવી જોઈએ. સંવેદનાઓને એનેસ્થેસિયા આપીને જીવતા લાશ બની જવું ખોટું છે. દુઃખ ખાસ ન થયું હોય તો પણ રડતા રહેવું એ પણ ખોટું છે.
હકારાત્મકતાના આતંક પાછળ આધુનિક મૂડીવાદનું બહુ મોટું ષડ્યંત્ર છે. કોર્પોરેટ જગત અને સિસ્ટમને એવા માણસો જોઈએ છે જે ક્યારેય બળવો ન કરે, ક્યારેય પરિસ્થિતિનો વિરોધ ન કરે. જો તમારી પાસે નોકરી નથી, તમે ગરીબ છો અથવા તમે સિસ્ટમથી કંટાળી ગયા છો, તો આ `પોઝિટિવિટી ઇન્ડસ્ટ્રી' તમને સમજાવશે કે આમાં સિસ્ટમનો કોઈ વાંક નથી, વાંક તમારો છે, કારણ કે તમારા વિચારો `પોઝિટિવ' નથી! `તમે સારો વિચાર કરશો તો બ્રહ્માંડ તમને સારું આપશે' જેવા લો ઓફ અટ્રેક્શનના તૂત ઊભા કરીને, ખામીયુક્ત સામાજિક વ્યવસ્થા પરથી ધ્યાન હટાવીને માણસને આત્મદોષમાં ધકેલી દેવામાં આવે છે. `હું દુઃખી છું, કારણ કે હું પૂરતો પોઝિટિવ નથી' આ વિચાર માણસને અંદરથી કોરી ખાય છે.
સાચી માનસિક મજબૂતી કોઈ પણ ભોગે બત્રીસી બતાવીને હસતા રહેવામાં નથી, પણ ઢળી પડ્યા પછી અંધારામાં બેસીને એ સ્વીકારવામાં છે કે `હા, હું આજે તૂટી ગયો છું અને આજે મારી પાસે કોઈ જ ઉકેલ નથી.' તમારા આંસુ અને તમારી હતાશા એ તમારી કમજોરી નથી, એ તમારી અસલી `માનવીયતા'નો સૌથી મોટો અને જીવંત પુરાવો છે. તો સવાલ એ છે કે, સમાજની નજરમાં `સ્ટ્રોંગ' અને `પોઝિટિવ' દેખાવાના આ થકવી નાખનારા અભિનયમાં, તમે તમારી અંદરના એ માણસને ક્યાંક કાયમ માટે મારી તો નથી નાખ્યોને, જેને ક્યારેક કોઈના ખભા પર માથું મૂકીને પોક મૂકીને રડવું હતું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો