કોઈ જાણીતી વ્યક્તિને બોલાવવી હોય તો આપણે એ વ્યક્તિનું નામ બોલીને બૂમ પાડીએ છીએ, પરંતુ આપણા દેશમાં એક એવું ગામ છે, જ્યાં લોકો એકબીજાને બોલાવવા માટે નામની બૂમ પાડવાને બદલે સીટી વગાડતા હોય છે. જાણે નામનો પર્યાય જ સીટી હોય એમ સૂરમાં નામ પડઘાતું હોય છે! જી, એ ગામનું નામ છે મેઘાલયનું કાંગાધાન.

નામ મેં ક્યા રખા હૈ, એવું શેક્સપિયર ભલે કહી ગયા હોય, પણ આજે દુનિયામાં બધાની જ ઓળખ તેનું નામ હોય છે. નામ એટલે અક્ષરો સાથે બનેલો એક શબ્દ હોય છે, પરંતુ ધરતી પર માનવીએ તેની ઓળખ માટે નામની પરંપરા અપનાવેલી છે. સ્વાભાવિક રીતે અબજો લોકો રહેતા હોય, ત્યારે નામ વિના ઓળખ મેળવી શકાય નહીં. એ સંજોગોમાં નામ એ આપણા જીવનનો એક ટેગ બની રહે છે. છતાં એવા પણ લોકો વસે છે, જેમના માટે નામ એ ઓળખ ખરી, પરંતુ બોલચાલ માટે તો તેઓ નામને બદલે અનોખી રીત અપનાવી રહ્યા છે. નામથી બોલાવવાને બદલે પંખીઓની જેમ સૂરમાં સિસોટી વગાડીને બોલાવવાની પરંપરા આપણને અચંબામાં મૂકી દે એવી છે.

દુનિયાભરમાં ઘણાં શહેરો અને ગામડાંઓ તેમની અનોખી પરંપરાને કારણે જાણીતાં છે. અનોખી ભાત પાડતાં આવાં કેટલાંય ગામો આપણા દેશમાં પણ છે. એવું જ એક ગામ મેઘાલયનું કાંગાધાન છે. સામાન્ય રીતે આપણે બોલચાલ માટે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એમ એકબીજાની ઓળખ માટે આપણે નામકરણ કરતા હોઈએ છીએ. નામની સાથે જ આપણી ઓળખ બની હોય છે. એકબીજાને બોલાવવાથી માંડીને આધારકાર્ડ સુધી આપણી ઓળખ આપણું નામ હોય છે, પરંતુ કાંગાધાનમાં લોકો એકબીજાને બોલાવવા માટે સિસોટી વગાડતા હોય છે. જાણે સૂરમાં જીવવા ટેવાયેલા હોય એમ નામને બદલે સીટી વગાડતા લોકો જોવા મળી જાય છે. સામાન્ય રીતે આપણે એકબીજાને ચીઢવવા માટે પણ નામ પાડતા હોઈએ કે લાડકું નામ પણ હોય છે, પરંતુ નામ તો ફોઈ જ પાડતી હોય છે, એમ કાંગાધાનમાં બાળકનો જન્મ થાય એટલે જ તેની ઓળખરૂપી સૂર તેની માતા ઘડી કાઢતી હોય છે.

પૂર્વોત્તરનાં રાજ્યોમાં હજુ કુદરત જળવાયેલી છે. હરિયાળીની સાથે સાથે પક્ષી અને પ્રાણીઓની અનોખી સૃષ્ટિ માણવા માટે પણ પૂર્વોત્તરનાં રાજ્યો લોકોને આકર્ષે છે. પક્ષીઓના કલરવ સાથે લોકો પણ જોડાયેલા રહે છે. પક્ષીઓ તો સૂરમાં જ વાત કરતાં હોય છે, કદાચ તેથી જ લોકોના જીવન સાથે પણ સૂર જોડાયેલા હોય છે. કદાચ એ કારણે લોકો એકબીજાને નામને બદલે સિસોટી વગાડીને બોલાવતા હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેમના નામ સાથે એક સૂર જોડવામાં આવે છે, જે તેમનું નામ બની જાય છે.

ખાસી પહાડીઓમાં સ્થિત આ અનોખી લાક્ષણિકતાને કારણે વ્હિસલિંગ વિલેજ તરીકે પણ ઓળખાય છે. ગામમાં જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેની માતા એક અનોખો સૂર બનાવે છે અને તેને વગાડે છે. ધીમે ધીમે, બાળક આ સૂરને પોતાના નામ તરીકે ઓળખતું થઈ જાય છે. એ પછી લોકો તેમને બોલાવવા માટે સીટી વગાડે છે. આ સૂર પક્ષીઓના કિલકિલાટથી પ્રભાવિત છે. આ સૂરનું નામ જિંગરાવાઈ લોબેઈ છે. લોકોના સત્તાવાર દસ્તાવેજોમાં તો લખેલા જ હોય છે, ત્યારે લોકો શું કામ સીટી વગાડીને એકબીજાને બોલાવતા હોય છે?

એકબીજાને બોલાવવા માટે સીટીનો ઉપયોગ કરવા પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે. આ ગામ ખાસી પહાડીમાં વસેલું ગામ છે, તેથી અવાજ પડઘાતો હોય છે. એ સંજોગોમાં સામાન્ય રીતે બોલાયેલા શબ્દો દૂર સુધી પહોંચી શકતા નથી. એ કારણે લોકો સિસોટી વગાડે છે. સીટીનો અવાજ દૂર સુધી પહોંચી શકતો હોય છે. હકીકતમાં સીટી પર્વતોમાં ગુંજતી હોય છે, જેના કારણે લોકો એકબીજાને બોલાવવા માટે સીટી વગાડે છે, જેથી અવાજ દૂર દૂર સુધી ગુંજતો રહે અને સાંભળી શકાય. આધુનિકતા સાથે ભારત કદમ મિલાવી રહ્યું છે, ત્યારે પણ પહાડીમાં ગુંજતી સિસોટી એકબીજાને બોલાવવા માટે અસરકારક માધ્યમ બની રહી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો