થોડા સમય પહેલાં ક્રિસ્ટોફર નોલનની બહુચર્ચિત ફિલ્મ ઓડીસી રિલીઝ થઇ હતી. આ ફિલ્મ હોમર દ્વારા લખાયેલાં બે મહાકાવ્યમાંથી એક ઓડિસી ઉપર બની હતી, પણ એના મૂળમાં જઇએ તો ગ્રીકમાં થયેલા પ્રેમ અને અહંકારનું યુદ્ધ ટ્રોયનું યુદ્ધ છે. ટ્રોયના યુદ્ધ અને તેના ઇતિહાસ વિશે સૌથી પહેલું અને સૌથી પ્રસિદ્ધ લખાણ પ્રાચીન ગ્રીસના અંધ મહાકવિ હોમર દ્વારા ઈ.સ. પૂર્વે 8મી સદીની આસપાસ લખાયું હતું. તેમણે `ઇલિયાડ' અને `ઓડિસી' નામના બે મહાન મહાકાવ્યો રચ્યાં હતાં. જેમાં `ઇલિયાડ'માં 10 વર્ષ ચાલેલા ટ્રોયના યુદ્ધના અંતિમ વર્ષની ભયાનક ઘટનાઓ, એકિલિસ અને હેક્ટર વચ્ચેના દ્વંદ્વયુદ્ધ અને શહેરના વિનાશનું આબેહૂબ વર્ણન છે, જ્યારે `ઓડિસી'માં યુદ્ધ પત્યા પછી ગ્રીક યોદ્ધા ઓડિસિયસના પોતાના વતન પાછા ફરવાનાં સાહસોની રસપ્રદ કથા વણાયેલી છે.  

આ યુદ્ધ ખરેખર થયું હતું કે માત્ર વાર્તા હતી તે અંગે લાંબા સમય સુધી મતમંતર રહ્યા છે. આ કથા ગ્રીક પૌરાણિક કલ્પનાઓ અને વાસ્તવિક ઇતિહાસનું મિશ્રણ છે એમ કહેવાય છે. 19મી સદી સુધી સમગ્ર વિશ્વ આ યુદ્ધને માત્ર એક કાલ્પનિક વાર્તા જ માનતું હતું, પરંતુ 1870માં જર્મન પુરાતત્ત્વવિદ હેનરિક શ્લીમેને હાલના તુર્કી દેશના `હિસારલિક' નામના સ્થળે ઊંડું ખોદકામ કરીને પ્રાચીન ટ્રોય શહેરના વાસ્તવિક અવશેષો શોધી કાઢ્યા હતા, જેથી સાબિત થયું કે ઈ.સ. પૂર્વે 1200ની આસપાસ ટ્રોય નામનું ભવ્ય શહેર અસ્તિત્વમાં હતું અને ત્યાં એક મોટો સંગ્રામ ખેલાયો હતો.  

ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ જુઓ તો પ્રાચીન ટ્રોય શહેર એજિયન સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી અત્યંત મહત્ત્વપૂર્ણ ડાર્ડનેલ્સ સ્ટ્રેઇટ પર વસેલું હતું. હોમરના મહાકાવ્યમાં યુદ્ધનું મુખ્ય કારણ હેલનનું અપહરણ બતાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક ઇતિહાસકારોના મતે ગ્રીક રાજ્યો ટ્રોયના આ સમૃદ્ધ વેપારી માર્ગ પર વર્ચસ્વ જમાવવા અને તેની અખૂટ સંપત્તિ લૂંટવા માંગતા હતા. લડાઈના અંતે ઉપયોગમાં લેવાયેલા પ્રખ્યાત લાકડાના ઘોડા જેને એ સમયે ટ્રોજન હોર્સ નામ અપાયું હતું, એના વિશે પુરાતત્ત્વવિદો માને છે કે તે કદાચ કોઈ વાસ્તવિક ઘોડો નહીં પણ એક રૂપક હતું, જે કદાચ તે સમયે કિલ્લાની દીવાલો તોડવા માટે વપરાયેલાં શસ્ત્ર, સુરંગ કે ભૂકંપનું પ્રતીક હોઈ શકે છે. અલબત્ત, ગ્રીક લોકો અને પુરાતત્ત્વવિદોનો મત અલગ જ હોવાનો, માણસોની પોતાની આસ્થા હોય છે અને સંશોધકોનું પોતાનું વિજ્ઞાન. સવાલ અહીં સત્યનો નથી, પણ આ ભયાનક યુદ્ધ કેવી રીતે થયું હતું અને એ કેમ થયું હતું એ વિશે થોડું જાણીએ.   

સોનાનું સફરજન અને દેવીઓનો અહંકાર 

આ ભયાનક યુદ્ધનું મુહૂર્ત કોઈ યુદ્ધભૂમિ પર નહીં, પણ દેવલોકના એક ભવ્ય લગ્નપ્રસંગમાં રોપાયું હતું. પેલિયસ અને થેટિસનાં આ લગ્નમાં તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ અશાંતિ અને ક્લેશની દેવી `એરિસ'(Eris)ને બાદ રાખવામાં આવી. આ અપમાનથી ક્રોધે ભરાયેલી એરિસે લગ્નસભાની વચોવચ એક સોનાનું સફરજન ફેંક્યું. તેના પર લખેલું હતું `સૌથી સુંદર દેવી માટે'.  

પળવારમાં જ સ્વર્ગની ત્રણ દેવીઓ વચ્ચે કોમ્પિટિશન જામી. દેવોની રાણી હેરા, જ્ઞાન તથા યુદ્ધની દેવી એથેના અને પ્રેમ તથા સૌંદર્યની દેવી એફ્રોડાઇટ. આ ત્રણેયમાંથી કોણ શ્રેષ્ઠ છે તેનો નિર્ણય કરવાનો ભાર ઈન્દ્રસમાન દેવ ઝિયસે ટ્રોયના યુવાન અને ભોળા રાજકુમાર પેરિસ પર છોડ્યો. ત્રણેય દેવીઓએ પેરિસને પોતાની તરફ કરવા મોટી લાલચો આપી. હેરાએ તેને સમગ્ર એશિયાનું અખૂટ સામ્રાજ્ય આપવાનું કહ્યું; એથેનાએ તેને યુદ્ધમાં અજેય શક્તિ અને મહાન જ્ઞાનનું વચન આપ્યું; પરંતુ એફ્રોડાઇટે તેને પૃથ્વી પરની સૌથી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરાવવાની ભેટ ધરી. પેરિસે એફ્રોડાઇટને પસંદ કરી અને સફરજન તેના હાથમાં મૂકી દીધું. 

હેલનનું અપહરણ અને યુદ્ધનું કારણ   

એફ્રોડાઇટના વચન મુજબ તે સમયે આખી દુનિયામાં સૌથી સુંદર સ્ત્રી હેલન હતી, પણ સમસ્યા એ હતી કે હેલન અગાઉથી જ સ્પાર્ટાના શક્તિશાળી રાજા મેનેલોસની પત્ની હતી.  

રાજદૂત બનીને પેરિસ સ્પાર્ટાના રાજમહેલમાં પહોંચ્યો. પ્રેમની દેવીના મોહપાશ હેઠળ હેલન પેરિસના પ્રેમમાં અંધ બની ગઈ. મેનેલોસની ગેરહાજરીનો લાભ ઉઠાવી, પેરિસ હેલનને પોતાની સાથે વહાણમાં બેસાડીને ટ્રોય લઈ આવ્યો. અતિથિ ધર્મનો આ ભયાનક ભંગ અને પોતાની રાણીનું અપહરણ સ્પાર્ટા માટે અસહ્ય અપમાન હતું. મેનેલોસના ભાઈ અને માયસીનીના ક્રૂર તથા પ્રભાવશાળી રાજા એગામેમનોન(Agamemnon)ની આગેવાની હેઠળ આખા ગ્રીસના તમામ રાજાઓ અને સમ્રાટો એક થઈ ગયા. ઐતિહાસિક દૃષ્ટિએ જુઓ તો ગ્રીકો માટે આ માત્ર હેલનને પાછી લાવવાની લડાઈ નહોતી. ટ્રોય શહેર એજિયન સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી અત્યંત મહત્ત્વપૂર્ણ ડાર્ડાનેલ્સની સ્ટ્રેઇટ પર વસેલું હતું. ટ્રોય ત્યાંથી પસાર થતાં તમામ વેપારી જહાજ પાસેથી ભારે કર વસૂલતું હતું, તેથી ગ્રીસના રાજાઓ સમુદ્રી માર્ગો અને વેપાર પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગતા હતા, તેમજ ટ્રોયની કર વસૂલીથી છૂટવા માંગતા હતા. એમણે જાણ્યું કે મેનેલોસ હાલ બદલાની આગમાં ભડકી રહ્યો છે, તો એને જ આગળ કરીને બધાંએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનું કાવતરું કર્યું અને મેનેલોસને બદલો લેવામાં તેઓ પણ મદદ કરશે એમ જણાવીને યુદ્ધનાં બ્યૂગલ ફૂંકી દીધાં. યુદ્ધનાં બ્યૂગલ તો ફૂંકી દીધાં પણ જીત સરળ નહોતી જ, દસ વર્ષના લાંબા સમય પછી જીતની ગાથા કેવી રીતે સર્જાઇ એ વિશે આવતા હપ્તામાં વાત કરીશું.               


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો