મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ માત્ર ધર્મ અને રાજનીતિ જ નહીં, પરંતુ માનવ જીવનની ઉન્નતિ અને પતન વિશે પણ ઊંડાણપૂર્વક વાત કરે છે.
તેઓ નેતૃત્વને માત્ર સત્તા કે પદ તરીકે જોતા નથી, પરંતુ એક કલ્યાણકારી જવાબદારી તરીકે જુએ છે. આ સંદર્ભમાં તેઓ નિષ્ક્રિયતા અને આળસને નેતૃત્વના સૌથી મોટા શત્રુઓ ગણાવે છે, જેનો ત્યાગ કરવા માટે તેઓ એક સચોટ માર્ગદર્શન આપે છે.
ભીષ્મ કહે છે કે જે લીડર પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તેણે બે મુખ્ય નિયમોનું પાલન કરવું જોઈએ : અડધી રાત્રિ પછી બહાર ન રખડવું અને દિવસ દરમિયાન ઊંઘવું નહીં. આ વાતો માત્ર એક દિનચર્યા નથી, પરંતુ તે એક શિસ્તબદ્ધ અને લક્ષ્યકેન્દ્રી જીવનશૈલીનો પાયો છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ વ્યક્તિ, ખાસ કરીને એક લીડર અથવા તો સ્વપ્નશીલ માણસ, સાંજ પછી ઘરની બહાર કામ સિવાયના હેતુઓ માટે રખડે તો તે નકામો છે. આ સમયગાળો આરામ કરવાનો, આત્મચિંતન કરવાનો અથવા નવાં કૌશલ્યો શીખવાનો હોય છે. જે નેતા આ કીમતી સમયનો વ્યય કરે છે, તે ખરેખર પોતાના પતનનું બીજ વાવે છે.
આ જ રીતે સૂર્યોદય પછી મોડે સુધી ઊંઘવું કે બપોરે જમ્યા પછી માથે સુધી તાણીને ઊંઘી જવું એ વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિનાં લક્ષણો છે. એક સ્વસ્થ અને ઊર્જાવાન નેતા માટે આ વર્તન વિનાશકારી છે. ભીષ્મ જણાવે છે કે જો કોઈ યુવાન કે શક્તિશાળી વ્યક્તિ આવું કરતો રહે, તો તેનું પતન નિશ્ચિત છે, કારણ કે આળસ અને નિષ્ક્રિયતાથી માત્ર સમયનો જ વ્યય થતો નથી, પરંતુ તે મગજને પણ મંદ પાડે છે અને શારીરિક ઊર્જા ઘટાડે છે. એક નેતા કે જેણે સતત પડકારોનો સામનો કરવાનો છે, તેણે હંમેશાં જાગૃત અને સજાગ રહેવું જરૂરી છે.
આળસ માત્ર શારીરિક નથી, પરંતુ માનસિક પણ છે. એક આળસુ લીડર નિર્ણયો લેવામાં વિલંબ કરે તો તે નવીન વિચારો અપનાવી શકતો નથી અને તેની ટીમ માટે પ્રેરણાનો સ્રોત બની શકતો નથી. આવા લીડર્સ તેમના લક્ષ્યથી ભટકી જાય છે અને ક્યારેય મોટી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. ભીષ્મની આ સલાહ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આધુનિક નેતૃત્વમાં, `વહેલી સવારે ઊઠવું' અને `રાત્રે વહેલા સૂઈ જવું' એ સફળતાનું એક મુખ્ય સૂત્ર બની ગયું છે. વહેલો દિવસ શરૂ કરવાથી વ્યક્તિ પાસે આયોજન કરવા, વિચારવા અને કાર્યોને પૂર્ણ કરવા માટે વધુ સમય મળે છે. આ શિસ્ત માત્ર વ્યક્તિગત લાભ જ નથી કરતી, પરંતુ તે સંસ્થા કે સમાજ પર પણ હકારાત્મક અસર પાડે છે.
આ ઉપરાંત ભીષ્મ આ પાંચ ઇન્દ્રિયોના અતિ ઉપયોગને પણ આળસ અને પતનના કારણ તરીકે જોડે છે. તેઓ કહે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ - આ પાંચ વિષયોનો અતિરેક માણસને ચલિત કરે છે. આ વિષયો મનોરંજન માટે નથી, પરંતુ જીવનના નિર્વહન માટે છે. જ્યારે કોઈ નેતા આ વિષયોના મોહમાં ફસાય છે, ત્યારે તેની એકાગ્રતા અને લક્ષ્ય છૂટી જાય છે. તે એક સાધારણ વ્યક્તિ બનીને રહી જાય છે, જે કરોડોની ભીડમાં ખોવાઈ જાય છે. આળસ અને ઇન્દ્રિયોનો અતિરેક એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિય સુખોમાં ડૂબી જાય છે, ત્યારે તે મહેનત અને પરિશ્રમથી દૂર ભાગવા લાગે છે.
આથી ભીષ્મની સલાહ માત્ર નિષ્ક્રિયતા અને આળસથી બચવા માટેની નથી, પરંતુ તે એક એવી જીવનશૈલી અપનાવવા માટેનું આહવાન છે જ્યાં શિસ્ત, એકાગ્રતા અને આત્મસંયમ કેન્દ્રસ્થાને હોય. એક સાચો નેતા હંમેશાં જાગૃત, સક્રિય અને પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોય છે. તે રાત્રિના સમયે વાંચન, ચિંતન અથવા નવી કુશળતા શીખવામાં વ્યસ્ત રહે છે અને વહેલી સવારે ઊઠીને પોતાના દિવસની શરૂઆત કરે છે. આ શિસ્ત જ તેને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે અને તેને કાયમી સફળતા અને કીર્તિ તરફ દોરી જાય છે. જોકે, આ બધામાં સવાલ એક જ છે કે શું આજે આપણે આધુનિક લીડરશિપમાં આ ભીષ્મસૂત્રોનું મહત્ત્વ સમજી રહ્યા છીએ ખરા?
