ચીનનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તે પોતાની અજીબોગરીબ પરંપરાઓ અને રહસ્યો માટે જાણીતું છે. ચીનની મહાન દીવાલ અને ટેરાકોટા આર્મી વિશે તો દુનિયા જાણે છે, પરંતુ દક્ષિણ ચીનના ઊંચા ઊંચા પર્વતોની કોતરો પર તાબૂત લટકાવવામાં આવ્યાં છે. વિજ્ઞાનીઓ અને પ્રવાસીઓ માટે આ આજે પણ વણઉકેલ્યું રહસ્ય છે.

તાબૂતનો ઇતિહાસ

તાબૂતને પર્વતો ઉપર લટકાવવાની આ પરંપરા બો નામની આદિજાતિ સાથે જોડાયેલી છે. બો લોકો દક્ષિણ ચીનના સિચુઆન, યુનાન અને ગુઇઝોઉ પ્રાંતમાં વસતી એક લઘુમતી આદિજાતિ હતી. તેઓ એક બહાદુર અને લડાયક પ્રજા માનવામાં આવતી હતી. આ પ્રજાએ આશરે 3,000 વર્ષ પહેલાં આ અનોખી અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરી હતી. જોકે, 16મી સદીમાં મિંગ રાજવંશના શાસન દરમિયાન થયેલા યુદ્ધોમાં આ પ્રજા લગભગ લુપ્ત થઈ ગઈ હોવાનું મનાય છે, પરંતુ તેમની પાછળ તેઓ આ રહસ્યમય તાબૂત છોડતા ગયા.

તાબૂતની લાક્ષણિકતાઓ

આ તાબૂત સામાન્ય રીતે પથ્થરોની ગુફાઓમાં અને પર્વતોની સીધી કોતરો પર જમીનથી 100થી 400 ફૂટની ઊંચાઈ પર રાખવામાં આવી છે. તાબૂતને એક આખા ઝાડના થડને કોતરીને બનાવવામાં આવતું હતું. આ લાકડું અત્યંત મજબૂત અને ટકાઉ રહેતું, જેના કારણે આટલાં વર્ષો પછી પણ ઘણાં તાબૂતો આજે પણ સારી સ્થિતિમાં છે. તેને ત્રણ રીતે રાખવામાં આવતાં હતાં. પહાડમાં કાણાં પાડીને તેમાં ખોસેલા લાકડાના ખૂંટા પર, પહાડોની કુદરતી તિરાડો કે ગુફાઓમાં અથવા ખડકોના બહાર નીકળેલા ભાગ પર તાબૂત રાખવામાં આવતાં હતાં.

તાબૂતને પર્વતો ઉપર લટકાવવાનાં કારણો

આ સવાલનો સચોટ જવાબ આપનાર બો જાતિના લોકો આજે હયાત નથી, પરંતુ ઇતિહાસકારો અને લોકવાયકાઓ મુજબ તેનાં મુખ્ય ત્રણ કારણો હોઈ શકે છે.

સ્વર્ગની નિકટતા : બો લોકોની માન્યતા હતી કે આકાશ એ આત્માઓનું ઘર છે. તાબૂત જેટલું ઊંચું હશે, મૃતકનો આત્મા સ્વર્ગમાં અથવા તો ભગવાન પાસે એટલો જ નજીક પહોંચી શકશે.

ભૌતિક સુરક્ષા : પર્વતોની ઊંચાઇ પર મૃતદેહ સુરક્ષિત રહેતો હતો, કારણ કે જમીન પર જંગલી જાનવરો અથવા શત્રુઓ મૃતદેહને નુકસાન પહોંચાડી શકે છે, પણ પર્વત ઉપરના તાબૂત સુધી પહોંચવું અશક્ય જેવું હતું.

કુદરતી જતન : ચીનના આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જો મૃતદેહને જમીનમાં દફનાવવામાં આવે તો તે જલદી સડી જાય. જ્યારે પર્વતની હવા અને ઊંચાઈને કારણે તાબૂત અને મૃતદેહો લાંબો સમય સુરક્ષિત રહેતા હતા.

તાબૂતને પર્વત ઉપર કેવી રીતે પહોંચાડ્યાં?

વૈજ્ઞાનિકો માટે આજે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હજારો વર્ષ પહેલાં, જ્યારે કોઈ આધુનિક ક્રેન કે મશીનરી નહોતી, ત્યારે મણ મણની ભારે શબપેટીઓ આટલી સીધી અને લપસણી ટેકરીઓ પર કેવી રીતે પહોંચાડવામાં આવી હશે? સંશોધનના આધારે તેના વિશે ત્રણ થિયરીઓ પ્રચલિત છે. એમાંથી સૌથી પહેલી થિયરી દોરડાની હોવી જોઇએ. જેમાં લોકો પહાડની ટોચ પરથી દોરડા બાંધીને નીચે ઊતરતા હશે અને ઉપરથી શબપેટીઓને ધીરે ધીરે નીચે ઉતારીને યોગ્ય જગ્યાએ ગોઠવતા હશે.

બીજી થિયરી નિસરણી હોઇ શકે. જેમાં પહાડ પર લાકડાના ટેકા મારીને કામચલાઉ રસ્તો કે સીડી બનાવી હશે. જેને કામ પૂર્ણ થતાં હટાવી દેવામાં આવતી હશે. ત્રીજી થિયરી માટીના ઢગલાની હોઇ શકે. એમાં એ સમયે માટીના મોટા ઢગલા કરીને એક ઢાળ બનાવવામાં આવ્યો હશે. મૃતદેહને તાબૂતમાં મૂકીને પર્વત ઉપર લટકાવ્યા બાદ માટીને હટાવી દેવામાં આવતી હશે. વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ ચીનના ગોંગ્ઝિયાન વિસ્તારમાં આવાં 100થી પણ વધારે તાબૂતને જોઈ શકાય છે. ચીન સરકારે હવે આ સ્થળોને રાષ્ટ્રીય વિરાસત જાહેર કર્યાં છે અને તેનું સંરક્ષણ કરી રહી છે. પુરાતત્ત્વવિદોએ કેટલાંક તાબૂત ખોલીને તપાસ્યાં તો તેમાં કાપડના અવશેષો અને વાસણો પણ મળી આવ્યાં છે, જે તે સમયની સંસ્કૃતિનો પરિચય આપે છે. નવાઇની વાત તો એ છે કે મૃતદેહને તાબૂતમાં મૂકીને તેને આ રીતે પર્વત ઉપર લટકાવવાની આ પદ્ધતિ પાછળનાં ઠોસ કારણોને આજ સુધી શોધી શકાયાં નથી. આ પદ્ધતિ ચીનની જ નહીં, વિશ્વની સૌથી રોમાંચક ઐતિહાસિક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.