હિન્દી સિનેમાનો ઇતિહાસ ઘણી વખત તેની ચમકદાર સતહ નીચે એવા કેટલાય ચહેરાઓને છુપાવી દે છે, જેમણે ક્યારેક તેમના સમયમાં તેમની ઉપસ્થિતિને દર્જ કરાવીને સિનેપ્રેમીઓનું મનોરંજન કર્યું હતું, પરંતુ સમય જતાં તે ધૂંધળા પડી ગયા હતા. તાજેતરમાં જ્યારે 95 વર્ષના અભિનેતા સુદેશ કુમારના અવસાનના સમાચાર મુંબઈથી આવ્યા, ત્યારે જાણે ભૂતકાળની એક બારી ફરી ખૂલી અને એક એવો ચહેરો સામે આવ્યો, જેને આજની પેઢી ઓળખતી નથી. દર્શકો તો છોડો, કદાચ સિનેમા જગતની આજની પેઢીને પણ આ નામ યાદ નહીં હોય. એક સમય એવો પણ હતો, જ્યારે સુદેશે તેમની સાદગીભરી હાજરીથી સિનેમાનો પડદો રોશન કર્યો હતો.

સુદેશ કુમાર એવા અભિનેતાઓમાંથી હતા, જેમણે ક્યારેય મોટા દાવા કર્યા નહોતા, ન તો પોતાને ગ્લેમરમાં રજૂ કર્યા હતા. તેમની ઓળખ એક સરળ અને માનવીય અભિવ્યક્તિથી બની હતી. એક એવો ચહેરો, જે દર્શકોને પોતાનો લાગે. એ સમય એવો હતો, જ્યારે ફિલ્મી દુનિયામાં મોટાં નામોનું રાજ હતું અને ઘણા કલાકારો શાંતિથી પોતાનું કામ કરતા રહેતા. સુદેશ કુમાર પણ એ જ પ્રવાહનો એક હિસ્સો હતા.

સુદેશ કુમારનું મૂળ નામ સુદેશ પ્રકાશ ધવન હતું. તેમનો જન્મ 17 માર્ચ, 1931માં પેશાવરમાં થયો હતો. તે પૃથ્વીરાજ કપૂર દ્વારા સ્થાપિત પૃથ્વી થિયેટર સમૂહમાં સભ્ય હતો. સુદેશે 1950માં રાજ કપૂરની ફિલ્મ `સરગમ'થી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. લગભગ 38 જેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. 1973માં આવેલી `ગુલામ, બેગમ, બાદશાહ' તેમની છેલ્લી ફિલ્મ. એ સિવાય અમુક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.

સુદેશ કુમારને વ્યાપક પ્રસિદ્ધિ મળી 1961માં આવેલી ફિલ્મ `સારંગા'થી. આ ફિલ્મ જોકે સુદેશ કુમારના કારણે નહીં, તેના સંગીતના કારણે યાદગાર છે, પણ તેની વાત પછી કરીએ. આ ફિલ્મ આજે તો ખાસ ચર્ચામાં આવતી નથી, પરંતુ તે સમયે તેના ભાવનાત્મક ઊંડાણના કારણે બહુ ગુંજી હતી.

આ એક કરુણ પ્રેમકથા હતી. તેમાં નાયક રાજકુમાર (સુદેશ) સારંગા (જયશ્રી ગડકર) નામની યુવતીના પ્રેમમાં પડે છે, પણ સામાજિક-પારિવારિક અડચણોથી તેમનો પ્રેમ અધૂરો રહે છે. પરિસ્થિતિ એવી વળાંક લે છે કે નાયિકાનાં લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય છે. અહીંથી કથામાં સાચો દુ:ખદ સંઘર્ષ શરૂ થાય છે. પ્રેમ અધૂરો રહી જાય છે, પણ યાદો જીવંત રહે છે. ફિલ્મ આગળ વધે છે ત્યારે આ તણાવ વધુ ઊંડો બને છે. એક તરફ ફરજ, બીજી તરફ પ્રેમ અને અંતે કથા એ બતાવે છે કે ક્યારેક જીવનમાં પ્રેમ જીતતો નથી, પરંતુ તેની પીડા અને યાદો જ માણસ સાથે રહી જાય છે.

દક્ષિણ ગુજરાતના બે ફિલ્મકારો - નવસારી નજીક કાલિયાવાડીના ફિલ્મ નિર્દેશક ધીરુભાઈ દેસાઈ અને મરોલીના નિર્માતા કાનજીભાઈ રાઠોડે `સારંગા' બનાવી હતી. આ ફિલ્મના બાકી કલાકારોનાં નામ પણ કોઈને આજે યાદ નહીં હોય. જેમ કે, બી. એમ. વ્યાસ, નિલોફર, નિરંજન શર્મા, સાદિક, જાનકીદાસ, પરશુરામ અને જયા દેવી.

પરંતુ આગળ કહ્યું તેમ `સારંગા' તેના સંગીતના કારણે યાદ કરવી પડે તેમ છે. જૂના જમાનાના લોકોને કદાચ `સારંગા' ફિલ્મ કે સુદેશ કુમાર યાદ ન આવે તે શક્ય છે, પણ ગાયક કલાકાર મુકેશના ચાહકોને એક ગીત જરૂર યાદ હશે. સારંગા તેરી યાદ મેં નૈન હુએ બેચૈન, મધુર તુમ્હારે મિલન બિના, દિન કટતે નહીં રૈન. મુકેશના દર્દભર્યા અવાજમાં આ ગીત તેમનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાં મોખરે છે.

આ ગીત લખ્યું હતું ભક્તિગીતો માટે જાણીતા ભારત વ્યાસે (ગુંજ ઉઠી શહેનાઈમાં તેમણે સદાબહાર ગીતો આપ્યાં હતાં) અને સંગીત હતું સરદાર મલિકનું. આ સરદાર મલિક એટલે આજના મશહૂર સંગીતકાર અનુ મલિકના પિતા. 1940ના દાયકામાં તેઓ પંજાબથી મુંબઈ આવ્યા હતા અને 600 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, પણ તેમનો (અને મુકેશનો) સિતારો ચમક્યો `સારંગા'થી. આ ગીત એટલું લોકપ્રિય થયું હતું કે સરદાર મલિકને લોકો `સારંગામેન' કહીને બોલાવતા હતા.

તે વખતે મુકેશનો સંઘર્ષનો સમય હતો. ઇન ફેક્ટ, તે વખતના સંગીતકારો મુકેશના અવાજને પસંદ પણ કરતા નહોતા. અનુ મલિકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે મુકેશના ટીકાકારો તેમને `કનસુરા' (બેસૂરા) કહેતા હતા. સરદાર સાહેબે મુકેશને ચઢાવ્યા હતા કે તમે આ લોકોની બોલતી બંધ કરી દો. તેમણે મુકેશને એમ પણ કહેલું કે મારે તમારી સાથે આ ગીતનું રોજ રિહર્સલ કરવું પડશે.

બંનેએ એટલું રિહસર્લ કર્યું કે મુકેશને એક એક શબ્દ અને એક એક સૂર યાદ રહી ગયો. અનુ મલિક કહે છે કે આ ગીત એટલી સરસ રીતે બન્યું હતું કે તેનું ફિલ્માંકન સુદેશ કુમારને બદલે રાજ કપૂર પર થયું હોત, તો તે જબરદસ્ત હિટ રહ્યું હોત.

મુકેશ પર કે. એલ. સાઈગલની મોટી અસર હતી અને તેમની ટીકા પણ એટલે જ થતી હતી કે તેઓ નાકમાંથી ગાય છે. મહોમ્મદ રફી તેમની તુલનામાં ઘણા સંગીતકારોના ફેવરિટ હતા.

મુકેશમાં આ બધી વાતોને લઈને એવો રંજ હશે કે તેમણે `સારંગા'ના ટાઈટલ ગીતમાં જીવ રેડી દીધો હતો. બહુ ઓછા લોકોને ખબર છે કે ફિલ્મમાં આ જ ગીતનું એક વર્ઝન મહોમ્મદ રફીના અવાજમાં પણ છે, પણ આજે રફીના ગીતને કોઈ યાદ નથી કરતું.

જ્યારે આ ગીત ગુંજ્યું, તે માત્ર એક ગાયકની જીત નહોતી, પરંતુ આખી ફિલ્મને નવી ઓળખ આપનાર ક્ષણ હતી. મુકેશનો અવાજ સુદેશ કુમારની સાદગી અને તેની પીડા જબરદસ્ત રીતે વ્યક્ત કરી ગયો હતો.

એ જ ફિલ્મમાં મુકેશનું બીજું ગીત પણ લોકપ્રિય થયું હતું: હાં દીવાના હૂં, ગમ કા મારા હુઆ દીવાના હૂં. સરદાર મલિક તેમના સમય કરતાં કેટલા આગળ હતા તેનું આ ગીત સાબિતી છે. આ ગીત સંગીતની ભાષામાં માઈનર સ્કેલ પર રેકોર્ડ થયું હતું. અર્થાત્ તે ધીરગંભીર અને ભાવનાત્મક ધ્વનિ ઉત્પન્ન કરે છે. વર્ષો પછી `બોબી' ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલે એ જ ધૂનને મેજર સ્કેલ પર લઈ જઈને `મૈં શાયર તો નહીં' રેકોર્ડ કર્યું હતું.

હિન્દી સિનેમાની આ એક વિસંગતિ છે; અમુક ગીતો અમર બની જાય છે, પણ ચહેરાઓ ધીમે ધીમે ભુલાઈ જાય છે. સુદેશ કુમાર પણ એ જ વિસ્મૃતિનો એક હિસ્સો બની ગયા હતા, પરંતુ તેમના અવસાનના સમાચાર ફરી એકવાર યાદ અપાવે છે કે દરેક અમર ગીત પાછળ, દરેક સફળ ફિલ્મ પાછળ કેટલાક એવા ચહેરાઓ પણ હોય છે, જેમણે ચૂપચાપ તેમનું યોગદાન આપ્યું છે.

સમય સાથે નામ બદલાય છે, ચહેરાઓ બદલાય છે, પરંતુ કહાનીઓ ક્યાંક સ્થિર રહી જાય છે. `સારંગા' એવી જ એક કહાની છે, જ્યાં એક ગાયકે પોતાના ટીકાકારોને જવાબ આપ્યો અને એક અભિનેતાએ શાંતિથી એ કહાનીને જીવંત બનાવી.

સુદેશ કુમાર હવે આપણી વચ્ચે નથી, પરંતુ હિન્દી સિનેમાના એ શાંત, સંવેદનશીલ અધ્યાયમાં તેમનું નામ હંમેશાં અંકિત રહેશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો