વિશ્વમાં એવી અનેક જગ્યાઓ છે જે જોવા જેવી છે. એમાં અમુક રહસ્યમય જગ્યાઓ તો એવી છે જે જમીનની અંદર એટલે કે પેટાળમાં આગવું વિશ્વ ધરાવે છે. જેને જોઇને આપણી આંખો પહોળી થઇ જાય. એમાં મારેશા અને બેત ગુવરિનની ગુફાઓનો સામાવેશ થાય છે. નામ જરા અટપટું છે, પરંતુ જગ્યા એટલી અદ્ભુત છે કે, 2014માં યુનેસ્કો દ્વારા આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઇઝરાયેલનું નેગેવ રણ અને જુડિયન પર્વતોની વચ્ચે આવેલ શફેલાહ પ્રદેશ તેના ભવ્ય ઇતિહાસ માટે જાણીતાં છે. આ જ પ્રદેશમાં મારેશા અને બેત ગુવરિનની ગુફાઓ આવેલી છે. જમીનની અંદર બનેલી હજારો ગુફાઓનું એક અદ્ભુત નેટવર્ક છે, જેને મેન મેડ અંડરગ્રાઉન્ડ મેગા સિટી અથવા જમીનની અંદર વસેલું નગર કહેવામાં આવે છે.   


મારેશા અને બેત ગુવરિનનો ઇતિહાસ

મારેશા અને બેત ગુવરિન એ બે અલગ અલગ સમયગાળાનાં અને પાસપાસે આવેલાં પ્રાચીન શહેરો છે. મારેશા શહેરનો ઉલ્લેખ બાઇબલમાં જોવા મળે છે. હિબ્રૂ બાઇબલ અનુસાર, તે જુડાહના કિંગ્ડમનું એક મહત્ત્વપૂર્ણ શહેર હતું. આશરે ઇસુ પૂર્વે ચોથીથી બીજી સદી દરમિયાન, જ્યારે અહીં ગ્રીક સંસ્કૃતિનો પ્રભાવ હતો, ત્યારે આ શહેર વેપારનું બહુ મોટું કેન્દ્ર હતું. જ્યારે બેત ગુવરિનનો વિકાસ મારેશાના પતન પછી થયો હોવાનું મનાય છે. રોમન અને બાયઝેન્ટાઇન કાળ દરમિયાન બેત ગુવરિનનો વિકાસ થયો હતો. રોમન સામ્રાજ્ય દરમિયાન તેને એલ્યુથેરોપોલિસ નામ આપવામાં આવ્યું હતું. એ વખતે અહીં ભવ્ય એમ્ફીથિયેટર, સાર્વજનિક સ્નાનાગાર અને વિશાળ ચર્ચોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ગુફાઓનું સર્જન

આ પ્રદેશની જમીન નરમ માટીની બનેલી છે. જેની ઉપર કડક કેલ્કરાઇટ પથ્થરનું પાતળું પડ આવેલું છે. પ્રાચીન સમયના એન્જિનિયરોએ યુક્તિ અપનાવી. તેમણે મજૂરો પાસે સખત પથ્થરના પડમાં ગાબડું પડાવ્યું અને પછી જમીનની અંદર રહેલી નરમ માટીને ખોદાવીને વિશાળ ઓરડાઓ, હોલ અને લાંબી ટનલો બનાવડાવી. આ પદ્ધતિને કારણે ગુફાઓની છત મજબૂત રહી અને અંદર વિશાળ નગર તૈયાર થવા લાગ્યું. આ ભૂગર્ભમાં આશરે 3500 ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ કોઇ એક હેતુ માટે નહીં, પરંતુ અલગ અલગ જરૂરિયાતો માટે બનાવી હતી. જેમ કે, ભૂગર્ભ તેલની મિલો

મારેશામાં જમીનની અંદર 22 જેટલી વિશાળ ઓલિવ ઓઇલ બનાવવાની મિલો આવેલી છે. ઓલિવની ખેતી જમીનની સપાટી પર થતી, પરંતુ તેમાંથી તેલ કાઢવાનું કામ જમીનની અંદર ગુફાઓમાં થતું હતું, કારણ કે ગુફાઓનું તાપમાન આખા વર્ષ દરમિયાન ઠંડું રહેતું હતું. એના લીધે તેલ લાંબા સમય સુધી તાજું રહેતું હતું.   

ઘંટાકાર ગુફાઓ

નામ પ્રમાણે આકાર ધરાવતી આ ગુફાઓ તેના વિશિષ્ટ આકારને કારણે જાણીતી છે. ઘંટાકાર જેવી લાગતી આ ગુફાઓ ખરેખર તો પથ્થરની ખાણો હતી. બાયઝેન્ટાઇન અને ઇસ્લામિક કાળ દરમિયાન મકાનો બનાવવા માટે અહીંથી ચૂનાના નરમ પથ્થરો ખોદવામાં આવ્યા હતા.   

કોલમ્બેરિયા 

અહીં ગુફાઓની દીવાલોમાં હજારો નાનાં નાનાં ખાનાં કંડારવામાં આવ્યાં હતાં. તેને કોલમ્બેરિયા કહેવામાં આવે છે. એ વખતે આ ખાનાંમાં હજારો કબૂતરો ઉછેરવામાં આવતાં હતાં. આ કબૂતરોનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે ઉપરાંત બલિદાન અને ખેતી માટે કીમતી ખાતર બનાવવા કરવામાં આવતો હતો.   

યુદ્ધ સમયે આશ્રયસ્થાન

આ ગુફાઓનો ઉપયોગ માત્ર વેપાર માટે જ કરવામાં આવતો હતો એવું નહોતું, યુદ્ધ સમયે પણ થતો હતો. 

રોમન શાસન સામે થયેલા પ્રખ્યાત બાર કોખ્બા બળવા દરમિયાન યહૂદી સૈનિકો અને પરિવારોએ આ ગુફાઓ અને તેની ટનલોનો ઉપયોગ રોમન આર્મીથી બચવા માટે કર્યો હતો. આ ઉપરાંત ગેરીલા યુદ્ધ લડવા માટે પણ કરતા હતા. યુદ્ધ સમયે આશ્રયસ્થાન તરીકે પણ વપરાતી હતી.   

પાણીનો સંગ્રહ

આ પ્રદેશ એકદમ શુષ્ક હોવાથી વરસાદના પાણીનો સંગ્રહ કરવો અનિવાર્ય હતો. સ્થાનિક લોકોએ જમીનની નીચે વિશાળ ટાંકાઓ બનાવ્યા હતા. આ ટાંકાઓને નહેરો દ્વારા જોડી દીધા હતા. ચોમાસાનું પાણી વહીને આ ગુફાઓમાં એકઠું થતું, જે આખું વર્ષ આખા શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરતું હતું.   

મારેશા અને બેત ગુવરિન ગુફાઓ પ્રાચીન સમયની વિવિધ સંસ્કૃતિઓ જેવી કે યહૂદી, ઇદુમિયન, ગ્રીક, રોમન અને ખ્રિસ્તી સંસ્કૃતિના મિલનનું પ્રતીક છે. કેટલીક ગુફાઓમાં સુંદર મજાનાં ભીંતચિત્રો અને ગ્રીક ભાષામાં લખાયેલા શિલાલેખો મળી આવ્યા છે, જે પ્રાચીન સમયની કલા અને માન્યતાઓને રજૂ કરે છે.   

આજે આ વિસ્તાર બેત ગુવરિન મારેશા નેશનલ પાર્ક તરીકે પ્રખ્યાત છે, જે દર્શાવે છે કે પહેલાંના માનવીઓએ કેવી રીતે પ્રતિકૂળ વાતાવરણમાં પણ ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું.    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: