આસપાસની જીવસૃષ્ટિના કેન્દ્રમાં તો વનસ્પતિ જ છે. એ ન હોય તો ધરતી પરનું જીવનચક્ર ચાલતું હોત કે કેમ એ સવાલ છે. વનસ્પતિમાં પણ વૈવિધ્ય ઘણું છે. એમાંય વનસ્પતિનાં પાંદડાંમાં પણ અનેકગણી વિવિધતા જોવા મળે છે. કોઈ છોડનાં પાન આપણા નખ જેટલાં જ હોય, તો વળી કોઈ આપણી હથેળી જેટલાં, એમાં વળી કેળ જેવી વનસ્પતિનાં પાંદડા બે-ચાર ફૂટનાં પણ હોઈ શકે, પરંતુ ધરતી પર સૌથી લાંબું પાંદડું 9 ફૂટ જેટલું લાંબું હોય એવું માની શકાય ખરું?
શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી મોટું પાંદડું કયા ઝાડનું છે? તે એટલું લાંબું અને પહોળું છે કે એક આખો માણસ તેની પાછળ છુપાઈ શકે છે! તેવી જ રીતે એક પાંદડું 20થી 25 મીટર જેટલું લાંબું હોઈ શકે છે, તો એક વનસ્પતિનું પાંદડું એટલું કાંટાળું છે કે તે ગંભીર ઘા કરી શકે છે. એક પાંદડું છે જેની ગંધ ખૂબ જ ખરાબ છે - જંતુઓ તેની નજીક પણ જઈ શકતાં નથી. પાંદડાંની પણ અનોખી દુનિયા છે!
વાત શરૂ કરીએ સૌથી લાંબા પાંદડાની. આખેઆખો માણસ છુપાઈ શકે એટલું લાંબું પાંદડું હોઈ શકે ખરું? એ પાંદડું પહોળું અને લાંબું બંને છે. આપણે ત્યાં તો સૌથી લાંબું પાંદડું કેળનું જોયું હોય. હા, આપણે જોયેલા પાંદડામાં તો કેળનું પાન જ મોટું છે. એ સિવાય આંબાનાં પાંદડાંથી આપણે પરિચિત ખરા, પણ એ તો આપણી હથેળી જેટલું જ કહેવાય, ત્યારે આખો માણસ ઢંકાઈ જાય એવા પાંદડાની તો કલ્પના પણ થઈ શકે નહીં.
એ પણ ખરું કે એ વનસ્પતિ આપણે ત્યાં જોવા પણ મળતી ન હોય ત્યારે તેની કલ્પના તો થઈ જ કઈ રીતે શકે? હા, અનેક રહસ્યો દબાવીને બેઠેલા એમેઝોનના વરસાદી વનમાં એક ઝાડ એવું ખરું કે જેનું પાંદડું પણ તેના જેવું આદમકદનું છે ! બ્રાઝિલમાં પથરાયેલા એમેઝોનના વરસાદી વનમાં એ જોવા મળે. એમેઝોનમાં અનેક પ્રકારની વનસ્પતિ કે પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીઓ પણ અવનવાં તો જીવજંતુ પણ અનેક. એ જીવસૃષ્ટિમાંથી આપણો પરિચય તો સાવ ટૂંકો છે, પરંતુ વનસ્પતિના વૈવિધ્યમાં એક વૃક્ષ કોકોલોબા ગીગાન્ટિફોલિયા છે. તેનાં વિશાળ પાંદડાં 2.5 મીટર એટલે કે 8 ફૂટ લાંબાં અને ઓછામાં ઓછા એકથી બે મીટર પહોળાં છે. જોકે, તે એક દુર્લભ વૃક્ષ છે, વૈજ્ઞાનિકો તેની પ્રજાતિને બચાવવા માટે કામ કરી રહ્યા છે.
આજથી લગભગ સાડા ચાર દાયકા પહેલાં 1982માં બ્રાઝિલના એમેઝોનમાં સંશોધન કરતા વનસ્પતિશાસ્ત્રીઓએ સૌપ્રથમ અજાણ્યા કોકોલોબા વૃક્ષનો એક છોડ જોયો હતો. તેનાં પાંદડાં એટલાં મોટાં હતાં કે તેઓ તેને સાથે લાવી શકે એમ પણ ન હતા! એ કારણે જ સંશોધકોએ એ પાંદડાના ફોટોગ્રાફ્સ લઈને દુનિયાને તેનો પરિચય કરાવ્યો હતો. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ ફરી વખત એ સૌથી લાંબાં પાંદડાં એમેઝોન વરસાદી જંગલમાં ફરીથી જોયાં છે.
જો આ પાંદડું તમને મોટું લાગતું હોય તો જરા થોભજો. એના કરતાં પણ મોટું પાંદડું જોવા મળે છે. એ પાન 20-25 મીટર લાંબા થઈ શકે છે અને તેને વિશ્વનું સૌથી લાંબું તાડનું પાન માનવામાં આવે છે. તેનાં પાંદડાં પૃથ્વી પર જોવા મળતા કોઈ પણ વૃક્ષના સૌથી મોટાં અને લાંબાં પાંદડાં માનવામાં આવે છે. તે 3-4 મીટર પહોળાં હોય છે. એટલે કે આ એક જ પાન 8થી 9 માળની ઇમારત જેટલું લાંબું હોઈ શકે છે. મધ્ય આફ્રિકામાં જોવા મળતા આ તાડનાં પાનનો ઉપયોગ દોરડા, છાણ અને સાદડીઓ બનાવવા માટે થાય છે. સ્થાનિક લોકો તેમનાં ઝૂંપડાંઓની આખી છતને તેનાથી ઢાંકી દે છે. એક જ પાંદડું પૂરતું છે. આ વૃક્ષને વૈજ્ઞાનિક રીતે રાફિયા રેગાલિસ કહેવામાં આવે છે. અલબત્ત, કેળનું પાંદડું 2-3 મીટર લાંબું હોય છે અને નાળિયેરનું પાંદડું 4-6 મીટર હોય છે, પરંતુ બંનેને વિશ્વના સૌથી મોટાં પાંદડાં માનવામાં આવતાં નથી. તે લાંબાં હોય છે, પરંતુ ખૂબ પહોળાં નથી.
વૃક્ષોમાં વૈવિધ્ય જેટલું જ તેનાં પાનોમાં પણ વૈવિધ્ય છે, એ પણ એક અનોખું જ્ઞાનવિજ્ઞાનનું સોપાન બની રહે એમ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો