એમ તો ટ્રેનની મુસાફરી આપણે ત્યાં દરરોજ લાખો લોકો કરતા હોય છે. જોકે, આપણા દેશમાં સૌથી લાંબી ટ્રેન મુસાફરી 82 કલાક છે. મતલબ કે લગભગ સાડા ત્રણ દિવસની એ મુસાફરી દુનિયાની સૌથી લાંબી ટ્રેન મુસાફરી નથી! દુનિયામાં સૌથી લાંબી ટ્રેન મુસાફરી તો એક-બે નહીં પૂરા આઠ દિવસ ચાલે છે. એ મુસાફરી એટલે રશિયાના પાટનગર મોસ્કોથી ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગ સુધીની મુસાફરી.
આપણા દેશમાં 82 કલાકની સૌથી લાંબી ટ્રેન મુસાફરી આસામના દિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધીની છે. મતલબ કે પૂર્વોત્તરથી છેક દક્ષિણમાં જતી આ ટ્રેનનો માર્ગ 4273 કિલોમીટર છે. આ ટ્રેન આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ સહિત 9 રાજ્યોમાંથી પસાર થાય છે. અધધ કહી શકાય એવી મુસાફરી જો તમને મોટી લાગતી હોય તો આ ટ્રેન મુસાફરી દુનિયાની સૌથી લાંબી ટ્રેનયાત્રા સામે સાવ વામણી લાગે છે. સૌથી વધુ કલાકો લેતી ટ્રેન મુસાફરીનો રેકોર્ડ બે દેશોને જોડે છે. રશિયાના મોસ્કોથી ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગને જોડતી ટ્રેનસેવા એક-બે નહીં દસ હજાર કિલોમીટરનું અંતર કાપે છે. એ માટે પૂરા 8 દિવસ લાગે છે.
ટ્રેનની બારીમાંથી બહાર જોતા રહીને કુદરતને માણતાં માણતાં મુસાફરી કરવાનો રોમાંચ સાવ અલગ છે. કલાકો સુધી એ મુસાફરી આહ્લાદક લાગે, પરંતુ દિવસો કાઢવાના હોય ત્યારે એ કંટાળો આવે. જોકે, બહારનું પરિદૃશ્ય સતત બદલાતું હોવાને કારણે મુસાફરીમાં કંઈક નવું જોયાનો અહેસાસ તો થતો જ રહે છે. બરફથી ઢંકાયેલા પર્વતોથી માંડીને ખેતરો અને જંગલો પણ માર્ગમાં આવે અને એ રીતે દુનિયાના સૌથી ખતરનાક ગણાતા દેશ ઉત્તર કોરિયા પહોંચી જવાય છે.
વિશ્વની સૌથી લાંબી સીધી પેસેન્જર ટ્રેનયાત્રા લગભગ 6,213 માઇલ અથવા લગભગ 10,000 કિલોમીટરને આવરી લે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને વિશ્વની સૌથી લાંબી સીધી ટ્રેનયાત્રાનો ખિતાબ આપવામાં આવ્યો છે. સ્વાભાવિક જ છે કે ઉત્તર કોરિયા દેશ જ ઘણી ગુપ્તતા રાખતો દેશ છે. તેના શાસક કિમ જોંગ ઉનનું શાસન ક્રૂર ગણાય છે. એવી ક્રૂરતા છે કે વિદેશી ટેલિવિઝન કોઈ જોતું હોય તો પણ તેને મોતની સજા ફટકારી દેવાય છે.
આ ટ્રેન મહદંશે રશિયાના વિશ્વ વિખ્યાત ટ્રાન્સ-સાઇબેરિયન વિસ્તારમાંથી પસાર થાય છે. ટ્રાન્સ સાઈબેરિયન રેલવે લાઇન મોસ્કોથી રશિયાના વ્લાદિવોસ્તોક સુધીની રેલવે લાઈન 5,772 માઇલ છે. તેને વિશ્વની સૌથી લાંબી રેલવે લાઇન માનવામાં આવે છે. આ ટ્રેનમાં પ્યોંગયાંગ જતા મુસાફરો માટે એક ખાસ ઉત્તર કોરિયન કોચ હોય છે. આ કોચ મોસ્કોથી ટ્રાન્સ-સાઇબેરિયન ટ્રેન સાથે જોડાયેલો હોય છે. આ ટ્રેન વ્લાદિવોસ્તોક સ્ટેશને પહોંચે ત્યારે ત્યાંથી પ્યોંગયાંગ જતી ટ્રેન સાથે એ કોચ જોડાય છે. આ સેવાઓ COVID-19 રોગચાળા પહેલાં ક્યારેક ક્યારેક કાર્યરત હતી, પરંતુ 2020માં સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી. તાજેતરમાં રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાં સુધારો થવા લાગ્યો છે, જેના કારણે આ ટ્રેનસેવા ફરી શરૂ થઈ છે.
સૌથી લાંબી ટ્રેન મુસાફરી કરવાનો શોખ હોય, તો પણ પશ્ચિમના દેશોના બહુ ઓછા લોકો આ ટ્રેનની મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ ટ્રેનનો પ્યોંગયાંગ જતો ડબ્બો દોજખનો અનુભવ કરાવનારો હોય છે. કેટલાક મુસાફરો તેમના અનુભવમાં જણાવતા હોય છે કે એ કોચ અતિ ઠંડો હોય છે. હીટર કલાકો સુધી ચાલતાં નથી હોતાં. બહારનું તાપમાન ઘણું નીચે પહોંચી જાય તો ડબ્બાઓને કોલસાની ભઠ્ઠી દ્વારા ગરમ કરવામાં આવે છે. જોકે, ઘણી વખત કોલસા પણ હોતા નથી, તેથી હાડ થિજાવી દે એવી ઠંડીમાં ઠરીને ઠીકરું થઈ જવાનું જોખમ પણ રહે છે. જોકે, કીટલી કામ કરતી રહેતી હોય, તેથી ગરમાગરમ ચા, કોફી અને નૂડલ્સ મળી રહે છે, તેથી ઠંડીમાં ટકી જવાય. ઉત્તર કોરિયાને વિશ્વના સૌથી નિયંત્રિત દેશોમાંનો એક માનવામાં આવે છે. અહીંના લોકોની બધી વાતચીત અને પ્રવૃત્તિઓ પર સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. હજારો લોકો નજીવા કારણોસર કેદ છે. આ દેશમાં ખોરાકની તીવ્ર અછત પણ છે. એવો અંદાજ છે કે 40 ટકાથી વધુ વસ્તી કુપોષિત છે. આ ટ્રેનની મુસાફરી જેટલી રોમાંચક છે તેટલી જ રહસ્યમય અને ક્યારેક ભયાનક પણ છે.