અત્યારે યુદ્ધના પ્રતાપે જ્યારે ફરી ઊર્જા કટોકટી ઊભી થઇ છે, ત્યારે ફરી એક વાર સૌને બિનપરંપરાગત સ્રોતો યાદ આવવા માંડ્યા છે!
ખેર, કદાચ સ્મશાન વૈરાગ્ય એ મનુષ્યના સ્વભાવમાં વણાઈ ગયેલું તત્ત્વ છે. બીજી તરફ જોઈએ તો વિશ્વમાં કેટલાંક શહેરો એવાં છે, જેમણે ખરેખર રિન્યુએબલ એનર્જીને જીવનનો ભાગ બનાવવામાં વિજ્ઞાનને સહારે મોટી સફળતા મેળવી છે.
અબુધાબીમાં આવેલ મસ્દર સિટીનું નિર્માણ ચોક્કસ હેતુસર કરવામાં આવ્યું છે. આ હેતુ એટલે જીરો કાર્બન ઉત્સર્જન અને જીરો ગાર્બેજ (કચરો) ઉત્પન્ન કરતું શહેર વિકસાવવું. શહેરમાં નાખેલી સોલાર પેનલ્સ, ઇલેક્ટ્રિક વાહનો અને ઊર્જાની બચત કરે એવી કાર્યક્ષમ ઇમારતો ઊર્જાનો વપરાશ મોટા પાયે ઘટાડે છે. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ્સ અને લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત સ્માર્ટ વાહનો માર્ગની સુરક્ષા વધારે છે, સાથે જ ટ્રાફિક ઘટાડવામાં પણ મદદ કરે છે.
‘ધ લાઈન’ તરીકે ઓળખાતું સાઉદી અરેબિયાનું NEOM શહેર ‘મોસ્ટ ફ્યૂચરિસ્ટિક સિટી’ - એટલે કે ભવિષ્યના શહેર તરીકે પ્રખ્યાત છે. આ શહેર 170 km લાંબી, 500 m ઊંચી અને 200 m પહોળી રેખીય રચના ધરાવે છે, જેની બાઉન્ડ્રીઝ પર મોટા કાચ ગોઠવવામાં આવ્યા છે. અહીં કાર કે રોડ છે જ નહિ! આખું શહેર સંપૂર્ણપણે સોલાર એનર્જી, પવન ઊર્જા તેમજ ગ્રીન હાઈડ્રોજન જેવા રિન્યુએબલ એનર્જી સ્રોતને આધારે ચાલે છે. આ ઉપરાંત અહીં AI-પાવર્ડ સર્વિસીઝ અને ખાદ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે વર્ટિકલ ફાર્મિંગનો કન્સેપ્ટ છે. શહેરની વિશેષતા એ છે કે જીવન માટે જરૂરી હોય એવાં તમામ સ્થળો સુધી વધુમાં વધુ 15 મિનિટ્સમાં જ પહોંચી શકાય છે. જોકે, કેટલાકને આ શહેર વધુ પડતું કૃત્રિમ લાગી શકે છે. એમને મેક્સિકોના સ્માર્ટ ફોરેસ્ટ સિટીમાં જરૂર રસ પડશે.
મેક્સિકોના કેન્કન શહેર નજીક ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા એક નવું શહેર વિકસિત કરાઈ રહ્યું છે. આ શહેર સાંપ્રત સમયનું સૌપ્રથમ ‘ફોરેસ્ટ સિટી’ કહેવાય છે. અહીં પણ કાર ફ્રી ઝોન બનાવવામાં આવ્યો છે. સેન્સર્સ દ્વારા એનર્જી, પાણી અને અન્ય ઊર્જા સ્રોતોના વપરાશનું સતત મોનિટરિંગ અને નિયમન કરવામાં આવશે. શહેરની આસપાસ ખેતરો અને એગ્રિકલ્ચર ઝોન્સ વિકસાવવામાં આવ્યા છે. એ ઉપરાંત શહેરની ફરતે સોલાર પેનલ્સની રિંગ્સ ગોઠવીને સૌર ઊર્જાનો મહત્તમ ફાયદો મેળવવામાં આવે છે. સમુદ્ર સાથે જોડાયેલ ચેનલ સિસ્ટમ દ્વારા સમુદ્રના ખારા પાણીને ડિસેલીનેશન પ્રક્રિયા દ્વારા મીઠું બનાવવાની યોજના ચાલે છે. આ શહેર 557 હેક્ટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે, જ્યાં આશરે સવા લાખ લોકો આરામથી રહી શકશે. જોકે, હજી સુધી અહીં મોટા પાયે માનવ વસવાટ શરૂ નથી થયો.
સોંગડો ઇન્ટરનેશનલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ દક્ષિણ કોરિયાના એક અત્યંત આધુનિક સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંની મુખ્ય વિશેષતા છે વિશિષ્ટ ટેક્નોલોજી સાથે બાંધવામાં આવેલ બિલ્ડિંગ્સ. સોંગડોમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન્સ અને જિઓથર્મલ જેવા સ્રોતોનો ઉપયોગ થાય છે. કેટલીક બિલ્ડિંગ્સમાં આનાથી ઇલેક્ટ્રિસિટી અને હીટિંગ/કૂલિંગનું ઉત્પાદન થાય છે. એ ઉપરાંત શહેરમાં સ્માર્ટ એનર્જી ગ્રીડ છે, જે રિયલ ટાઇમમાં એનર્જી વપરાશ મોનિટર કરે છે અને ઑપ્ટિમાઇઝ કરે છે. આનાથી રિન્યુએબલ સોર્સને વધુ અસરકારક રીતે ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. ઘણી બિલ્ડિંગ્સમાં LED લાઇટિંગ, ઓટોમેટેડ એર કન્ડિશનિંગ, લો-U વેલ્યૂ વિન્ડો અને વોટર કૂલ્ડ સિસ્ટમથી એનર્જી વપરાશ 30% સુધી ઓછો થાય છે. શહેરમાં 40 ટકા જેટલી ગ્રીન સ્પેસ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને કચરાના નિકાલ માટેની અન્ડર ગ્રાઉન્ડ વ્યવસ્થા પણ અફલાતૂન છે. ટૂંકમાં કહેવું હોય તો સોંગડો શહેરની ડિઝાઈન કુદરત અને માનવીય જરૂરિયાતો બરાબર બેલેન્સ થાય એ રીતની રાખવામાં આવી છે.
અહીં જણાવ્યાં એ તમામ શહેરો નવાં છે અને સ્પેશિયલી ડિઝાઈન કરવામાં આવ્યાં છે. આથી એમની નગરરચના બહુ આયોજનપૂર્વક થઇ શકી, પણ સદીઓથી વસી ગયેલાં જૂનાં શહેરોનું શું? એનો જવાબ સિંગાપોરમાંથી મળે છે.
સ્માર્ટ સિટી બનવા બાબતે સિંગાપોર આમેય જગતનું મોખરાનું શહેર ગણાય. સિંગાપોર એટલે પ્રમાણમાં નાનું, વસ્તી ગીચતાવાળું શહેર-રાજ્ય, જ્યાં જમીન અને કુદરતી સંસાધનો મર્યાદિત છે.
પવન ઊર્જા કે હાઈડ્રો પાવર માટે અહીં બહુ સ્કોપ નથી. આથી ઊર્જા બાબતે મુખ્ય ફોક્સ સોલાર એનર્જી પર રાખવામાં આવ્યું. પહેલાં 2030 સુધીમાં 2 GWp (ગિગાવોટ-પીક) જેટલી સોલાર એનર્જી પ્રોડ્યૂસ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, પણ આટલો ટાર્ગેટ તો સિંગાપોરે 2025માં જ પૂર્ણ કરી લીધો. હવે 2030 માટે નવો ટાર્ગેટ 3 GWpનો રાખવામાં આવ્યો છે. સિંગાપોરની મૂળ ખાસિયત છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ. આપણી જેમ રૂફટોપ સોલાર પેનલ્સ ઉપરાંત પાણી પર તરતી ફ્લોટિંગ પેનલ્સને કારણે સોલાર એનર્જી ઝીલવા માટે જળાશયોનો બહુ મોટો વિસ્તાર મળે છે. વળી, જમીન ઓછી વપરાય છે. પાણીની કૂલિંગ અસરથી પેનલ્સનું તાપમાન ઓછું રહે છે, પરિણામે સામાન્ય ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલારની સરખામણીએ 5-15% જેટલું વધુ એનર્જી આઉટપુટ મળે છે.
આ બધું વાંચ્યા પછી આપણને ભારતનાં શહેરો વિશે ચિંતા થાય એ સ્વાભાવિક છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
