એમ તો દુનિયાભરમાં બે જ સીઝન ચાલે છે : શિયાળો અને ઉનાળો, આપણે ત્યાં વળી ચોમાસુ પણ ખરું. જોકે, દુનિયાની વાત કરીએ તો અત્યારે યુદ્ધની મોસમ ઉમેરાયેલી છે. હા, ઈરાન સામેના યુદ્ધને કારણે બીજા યુદ્ધોના હેવાલ ઓછા આવે છે, પણ તે બંધ થઈ ગયા નથી. આ યુદ્ધની મોસમ પણ અનોખી તો કહેવાય જ. યુદ્ધ લાંબા સમય સુધી ખેંચવાનું કોઈને પોષાય એમ નથી, ત્યારે ઈરાન યુદ્ધ કેટલું લાંબું ખેંચાશે, એ કહી શકાય એમ નથી, પરંતુ ઈતિહાસમાં સૌથી ટૂંકું યુદ્ધ ફક્ત 38 મિનિટ લડાયું છે!

વેલ, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 4 વર્ષે પણ ખતમ થતું નથી, તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ જ રીતે ઈઝરાયેલ અત્યારે હમાસ સામેના યુદ્ધને `બ્રેક' આપીને બેઠું છે, ત્યારે હવે ઈરાન સામે અમેરિકા તથા ઈઝરાયેલ જંગ છેડી બેઠા છે. યુદ્ધનો ખર્ચ મોટો આવતો હોય છે, જે આજના જમાનામાં કોઈને પરવડે એમ નથી, પરંતુ કેટલાંક હિતો સાધવા માટે યુદ્ધ સતત ચાલતાં જ રહેતાં હોય છે. કોઈ પણ દેશ આક્રમણ કરે એટલે જેમ બને એમ ઓછા સમયમાં તેનું પરિણામ આવે એવું ઈચ્છતો હોય છે, છતાં યુદ્ધ શરૂ કરનારાના હાથમાં તેનો અંત હોતો નથી, તેથી યુદ્ધ કેટલા દિવસ ચાલી શકે એ કોઈ નક્કી કરીને લડી શકતું નથી. વેલ, એ માટે ઈતિહાસ ફંફોસીએ તો બ્રિટને અત્યાર સુધીનાં કરેલાં આક્રમણોમાં આર્જેન્ટિના સામેનું યુદ્ધ જીતવામાં તેને સફળતા મળી હતી. 2 એપ્રિલ, 1982ના દિવસે ફોકલેન્ડ ટાપુની માલિકીના વિવાદ વચ્ચે આર્જેન્ટિનાના તત્કાલીન રાષ્ટ્રપતિ લિયોપોલ્ડો ગાલ્ટિએટીએ ફોકલેન્ડ ટાપુ પર પોતાનું સૈન્ય મોકલ્યું હતું, તો તેના જવાબમાં બ્રિટને જંગ છેડીને 10 જ અઠવાડિયામાં આર્જેન્ટિનાને હરાવીને ફોકલેન્ડ ટાપુ પર કબ્જો યથાવત્ રાખ્યો હતો. એ `સૌથી ટૂંકાં યુદ્ધોમાંનું લાંબું' યુદ્ધ છે.

દુનિયાનાં ટૂંકાં યુદ્ધોની યાદીમાં ફોકલેન્ડ યુદ્ધ જેટલું જ બીજું એક યુદ્ધ બીજું બાલ્કન યુદ્ધ છે. બાલ્કનના પહેલા યુદ્ધમાં પણ કેટલાક વિવાદો ઉકેલાયા ન હતા. તે ઉકેલવા માટે રોમાનિયા, મોન્ટેન્ગ્રો અને તુર્કીએ ભેગા મળીને બલ્ગેરિયા ઉપર હુમલો કર્યો હતો. 20 જૂનથી 10 ઓગસ્ટ, 1913 સુધી 40 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં બલ્ગેરિયાની હાર થઈ હતી. એ જ રીતે 1920માં સુવાલકી વિસ્તાર પરના કબ્જા માટે એ સમયે સોવિયેત સંઘમાં રહેલા પોલેન્ડે લિથુઆનિયા ઉપર આક્રમણ કર્યું હતું. આખરે યુદ્ધ વિરામ થઈ જતાં 37 દિવસો બાદ આ યુદ્ધ ખતમ થયું હતું. જ્યારે 1897માં જુદાં જુદાં સામ્રાજ્ય હતાં, ત્યારે ગ્રીસ સામ્રાજ્ય અને તુર્કીના ઓટોમન સામ્રાજ્ય વચ્ચે ક્રેતે વિસ્તાર પર કબ્જા માટે યુદ્ધ છેડાયું હતું. ક્રેતે વિસ્તાર ભલે તુર્કીના કબ્જા હેઠળ હતો, પણ લોકો પોતાને ગ્રીક વંશજ માનતા હતા. એ યુદ્ધમાં ઓટોમન સામ્રાજ્યનો 34 દિવસ બાદ વિજય થયો હતો.

સૌથી ટૂંકા યુદ્ધમાં એશિયાનો ઉલ્લેખ પણ કરવો પડે. ચીન હંમેશાં સામ્રાજ્યવાદ તરફી રહ્યું છે. તે સતત પોતાનો વિસ્તાર વધારવા માટે લડતું રહે છે. જોકે, 1978માં કંબોડિયા અને વિયેતનામ વચ્ચે થયેલા યુદ્ધનો બદલો લેવા માટે ચીને 17 ફેબ્રુઆરી, 1979ના દિવસે વિયેતનામ ઉપર આક્રમણ કર્યું હતું. ચીન આજે ભલે મહાસત્તા તરીકે આખી દુનિયાને ધ્રુજાવી રહ્યું હોય, પણ એ સમયે 27 દિવસ સુધી લડતા રહેવા છતાં ચીનને સમજાઈ ગયું કે વિયેતનામને ઘૂંટણીયે પાડવું મુશ્કેલ છે. એમ પણ વિયેતનામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે ગોરિલા યુદ્ધ લડીને દુશ્મનને હંફાવી દે છે. ભારે નુકસાન વેઠ્યા બાદ ચીને 16 માર્ચે પીછેહઠ કરવી પડી હતી. વિયેતનામે અમેરિકાને પણ હંફાવીને રવાના કર્યું હતું.

જ્યારે જ્યોર્જિયા અને આર્મેનિયા વચ્ચે 1918માં યુદ્ધ થયું હતું. લોરી, જાવખેતી અને બોરચલોના સરહદી વિસ્તારો પર કબ્જા માટે જ્યોર્જિયા અને આર્મેનિયા વચ્ચે 5 ડિસેમ્બરે શરૂ થયું હતું. જોકે, 25મા દિવસે બ્રિટને મધ્યસ્થી કરતાં આ યુદ્ધ ખતમ થયું હતું અને લોરી વિસ્તારને ન્યૂટ્રલ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત 14 નવેમ્બર, 1885ના દિવસે સર્બિયાએ બલ્ગેરિયા પર હુમલો કરી દીધો હતો. એ જમાનામાં બીજા પ્રદેશો જીતી લેવા માટે યુદ્ધે ચઢતા હતા. સર્બિયા પણ બલ્ગેરિયાને જીતી લેવા માંગતું હતું,

પરંતુ ફક્ત 15 દિવસમાં જ બલ્ગેરિયા સામે સર્બિયાના સૈનિકોએ હાર સ્વીકારી લઈને દેશભેગા થઈ ગયા હતા. હા, ફક્ત યુરોપ જ કેમ ભારતીય ઉપખંડ પણ આ યાદીમાં આવે જ છે.

1971માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધમાં ઝંપલાવી તેના બે ટુકડા કરી નાંખ્યા હતા. પૂર્વ પાકિસ્તાન એટલે કે આજના બાંગ્લાદેશની આઝાદી માટે ભારતે વધતા જતા શરણાર્થીઓ, બાંગ્લાદેશમાં મહિલાઓ અને બાળકો ઉપરના અત્યાચારના કારણને આગળ ધરી પાકિસ્તાની સેના સામે જંગ આદર્યો અને પાકિસ્તાનને 14 દિવસમાં હરાવીને બાંગ્લાદેશને આઝાદ કર્યો હતો. જ્યારે ઈતિહાસમાં સિક્સ ડે વોર તરીકે જાણીતા યુદ્ધમાં ઈઝરાયેલે ઈજિપ્ત, જોર્ડન અને સીરિયાને હરાવ્યા હતા. 5 જૂન, 1967ના દિવસે શરૂ થયેલું યુદ્ધ ફક્ત 6 જ દિવસમાં ખતમ થઈ ગયું હતું.

હા, સિક્સ ડે વોર પણ દુનિયાનું સૌથી ટૂંકું યુદ્ધ નથી! સૌથી ટૂંકું યુદ્ધ તો ફક્ત 38 મિનિટમા જ ખતમ થઈ ગયું હતું. 1896માં બ્રિટન અને ઝાંઝીબાર વચ્ચે યુદ્ધ થયું હતું. ઝાંઝીબાર એટલે કે આજના તાન્ઝાનિયાના સુલતાનનું મોત થતાં તેના ભાઈ બ્રિટનની મરજી જાણ્યા વિના જ રાજા બની બેઠો હતો, તેની સામે બ્રિટને જંગ છેડ્યો જ હતો, પરંતુ ઝાંઝીબાર બ્રિટનની મરજીના રાજા માટે તૈયાર થઈ જતાં એ યુદ્ધ શરૂ થતાં જ ખતમ થઈ ગયું હતું!

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો