પત્નીની હત્યા કરનાર પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક ટ્રેનયાત્રા દરમિયાન કોઈ અજાણ્યા સહયાત્રીને આખી ખૂનકથા કહે છે. એનું બયાન ચાલી રહ્યું છે...
`માણસ આમ તો જાનવરથી પણ ગયેલો હોય છે. હું એવો જ હતો, જાનવરથી પણ ગયેલો. એમાં વળી ભયંકર બાબત એ હતી કે હું મને એક પ્રામાણિક પારિવારિક પુરુષ ગણતો હતો. હું બીજી સ્ત્રીઓની મોહજાળથી મારી જાતને બચાવી શકતો હતો અને મારી પત્નીને વફાદાર હતો એટલે હું મારી જાતને ચારિત્ર્યવાન ગણતો અને ઝઘડા થાય ત્યારે એવું માનતો કે વાંક તો પત્નીનો જ, એના ચારિત્ર્યનો જ. હું તો ઊંચેરો માણસ'.
પણ સીધી વાત છે. વાંક પત્નીનો નહોતો. એ તો બિચારી બીજી બધી સ્ત્રીઓ જેવી જ હતી. એનો ઉછેર જ આપણા સમાજની બાકીની બધી છોકરીઓ જેવો હતો. આપણે બધા વાતો તો બહુ કરીએ છીએ કે સ્ત્રીઓનો કેવો ભયંકર રીતે ઉછેર થાય છે, પણ આ ઠાલા શબ્દો થયા. અસલમાં સ્ત્રીઓનું જે ઘડતર થતું હોય છે એમાં એક જ વાસ્તવિક દૃષ્ટિકોણ કામ કરતો હોય છે અને તે દૃષ્ટિકોણ એવો હોય છે કે સ્ત્રી એટલે સુખદાતા. આપણી છોકરીઓનું બધું જ શિક્ષણ એ દિશામાંનું હોય છે કે એ વધુ સુખ કઈ રીતે આપી શકે, વધુ મોહક કઈ રીતે બની શકે. નાનપણથી છોકરીઓ આ જ દિશામાં વિચારતી થઈ જાય છે.
જેવી રીતે ગુલામોને માત્ર માલિકોને રાજી રાખવાની તાલીમ સાથે ઉછેરવામાં આવે છે એમ સ્ત્રીઓનો ઉછેર પુરુષોને આકર્ષવા માટે થતો હોય છે. તમે કહેશો કે આ તો માત્ર ખરાબ ઉછેર પામતી છોકરીઓની વાત થઈ, બાકી સારા ઘરની છોકરીઓ સ્કૂલમાં અનેક પ્રકારનું ગંભીર શિક્ષણ મેળવે છે. જેમ કે, તેઓ મરી ચૂકેલી ભાષાઓ શીખે છે, દાયણ તરીકેનું તેમજ ચિકિત્સાને લગતું બીજું બધું પ્રશિક્ષણ મેળવે છે અને આવા તો બીજા અનેક અભ્યાસક્રમો હોય છે.
પણ આ બધી વંચના છે. સરવાળે નારીને અપાતા તમામ પ્રકારના શિક્ષણનો હેતુ એક જ હોય છે: પુરુષોને આકર્ષો. કોઈ સ્ત્રી સંગીત અને વાંકડિયા વાળથી આકર્ષે તો કોઈ વિજ્ઞાનના ભણતરથી તો કોઈ વળી તેની શાલીનતા અને સદ્ગુણોથી. હેતુ એનો એ જ રહે છે. બીજો કોઈ હેતુ હોતો નથી. પુરુષને આકર્ષિત કરીને તેને પોતાની સાથે બાંધી રાખવો એ જ લક્ષ્ય માટે જ્યાં સુધી છોકરીઓને તૈયાર કરવામાં આવતી રહેશે અને જ્યાં સુધી તેને કૌમાર્ય કે જાતીયતાથી મુક્તિની વાત નહીં શીખવવામાં આવે ત્યાં સુધી સ્ત્રીઓ ગુલામ જ રહેવાની. તમે વિચાર કરો. આપણે છોકરીઓને એવી રીતે ઉછેરીએ છીએ, જેથી એમને ઉચ્ચ વર્ગની (એક પછી એક પાર્ટીઓમાં વિહરતી) સ્ત્રીઓના વ્યભિચારથી આઘાત ન લાગે. ઊલટાનું આવી સ્ત્રીઓ રંગીલી-દિલફેંક ન હોય તો એ વાતની એમને નવાઈ લાગતી હોય છે. મારો તર્ક સમજો તમે. નાનપણથી છોકરીઓને વસ્ત્રો, ઘરેણાં, સ્વચ્છતા, ગરિમા, નૃત્ય, સંગીત, કાવ્યપઠન, નવલકથા, ગીતો, નાટકો, કોન્સર્ટ વગેરેમાં પલોટવામાં આવે છે. પછી શ્રમ તો કરવાનો નહીં અને ખાવાનું ખૂબ બધું. આ બધી બાબતો ઉત્તેજનાને પોષે. પછી ભગવાન જાણે આ બધી છોકરીઓ પુખ્ત વયે પહોંચે ત્યારે અને 20ની ઉંમર પછી પણ કુંવારી રહી જાય ત્યારે અતૃપ્ત જાતીયતાનો કેવો ત્રાસ વેઠતી હશે, પણ આપણે આ વાત જોવા-સ્વીકારવા જ તૈયાર નથી. બાકી જે જોઈ શકે છે એ બધું સમજી શકે છે. છૂપી વાસનાઓથી પીડાતી (વાસના છુપાવી શકે તે નસીબદાર) આ બધી અતૃપ્ત નારીઓને બીજું કશું સ્પર્શતું નથી. કેવળ પુરુષોની હાજરીમાં જ તેમની અંદર ચેતનાનો સંચાર થાય છે. તેમની આખી જિંદગી નખરાંમાં વીતે છે. પુરુષની હાજરીમાં તે જીવંત થઈ ઊઠે છે. તે પોતાની જાતીય ઊર્જાના જોરે જીવે છે. પછી જેવો પુરુષ એના જીવનમાંથી દૂર થાય કે તરત એની જિંદગી અટકી પડે છે.
અને સ્ત્રી કોઈ એક ચોક્કસ પુરુષની હાજરીથી જ ચેતનવંતી નથી બનતી. કોઈ પણ પુરુષની હાજરી, જો એ પુરુષ ભયંકર કદરૂપો ન હોય, તો એનામાં થનગનાટ પ્રેરે છે. તમે કહેશો આવી સ્ત્રીઓ અપવાદરૂપ હોય છે. ના, આ અપવાદ નથી નિયમ છે. એટલું જ કે માત્ર કેટલીક નારીઓમાં જ આ વૃત્તિ બહાર ડોકાઈ જાય છે. બાકીનીઓમાં આ વૃત્તિ પ્રમાણમાં ગુપ્ત રહે છે. ટૂંકમાં, કોઈ સ્ત્રી પોતાના માટે નથી જીવતી. એ પુરુષો પર જ આધારિત રહે છે. આવું જ હોય, કારણ કે વધુમાં વધુ પુરુષોને આકર્ષી શકવા એ કુમારી કે પરણેલી સ્ત્રી માટે જીવનનો આદર્શ હોય છે. જે રીતે પ્રાણીઓમાં માદા વધુમાં વધુ નરને આકર્ષવાથી છેવટે ઉત્તમની પસંદગી કરી શકે છે (એવી કુદરતની સહજ ગોઠવણ છે), એવી જ આ પ્રાણીસહજ વૃત્તિ આપણી સ્ત્રીઓમાં જોવા મળે છે. છોકરી જ્યારે કુંવારી હોય ત્યારે તેનામાં આ વૃત્તિ જીવનસાથી પસંદ કરવા માટે જરૂરી છે અને જો એ પરણેલી હોય તો આ વૃત્તિ પુરુષ પર કબજો જમાવી રાખવામાં કામે લાગે છે. ખાલી એક જ ચીજ આ વૃત્તિને થોડા સમય પૂરતી દબાવે છે અને તે છે બાળકનું પોષણ. સ્ત્રી જ્યારે નવજાત શિશુની માતા હોય છે ત્યારે એ પુરુષોને આકર્ષવાના ખેલથી દૂર રહી શકે છે. આમાં પણ પાછા ડોક્ટરો વચ્ચે આવે. મારી પત્ની પોતાનાં સંતાનોને સ્તનપાન કરાવવા માગતી હતી. એણે છ સંતાનો જણ્યાં, પણ થયું એવું કે પહેલું જ બાળક માંદલું હતું. ડોક્ટરોએ એકદમ તુમાખીથી મારી પત્નીનાં વસ્ત્રો ઉતારાવ્યાં અને ઠેરઠેર અડીને એને ચેક કરી અને આ બધાના બદલામાં મારે ડોક્ટરોનો આભાર માનવો પડ્યો તથા ફી આપવી પડી. આ ડોક્ટરોએ નક્કી કર્યું કે મારી પત્ની બાળકોને સ્તનપાન કરાવવા માટે ફિટ નથી. પરિણામે મારી પત્નીને નખરાંથી દૂર રાખનારો એકમાત્ર ઉપાય ખરી પડ્યો. અમે નર્સ-ધાવમાતાને ભાડે રાખી. જે દૂધ પર એ સ્ત્રીના બાળકનો અધિકાર હતો એ અધિકાર છીનવીને
અમે અમારા બાળકને અપાવ્યો. એ મહિલા વ્યવસ્થિત દેખાય એટલા માટે અમે એને સોનેરી બોર્ડરવાળો ડ્રેસ અપાવ્યો, પણ છોડો, એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે (સ્તનપાનની) જવાબદારીમાંથી છૂટતાંની સાથે જ મારી પત્નીની નખરાંવૃત્તિ જાગી ઊઠી અને એને કારણે મારી અંદર જાગી ઊઠી ઈર્ષાની ત્રાસજનક લાગણી. ઇર્ષ્યા મેં અગાઉ વેઠેલી ખરી, પણ એ તો એકદમ નાના પાયે. લગ્ન પછીની ઇર્ષ્યાનો અનુભવ નેક્સ્ટ લેવલનો હતો. (ક્રમશઃ)
***
આ નવલકથા શા માટે અત્યંત ચકચારી અને આઘાતજનક ગણાઈ હશે એ ઉપરના લખાણ પરથી સમજી શકાય તેમ છે. અહીં કથાનાયક જે કંઈ કહે છે એ બધું આકરું તો છે, પરંતુ એમાંનું કેટલું સાચું અને કેટલું ખોટું છે એ વિશે સૌએ જાતે શાંતિથી વિચારીને નક્કી કરવું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
