અત્યારના સમયમાં પ્રામાણિક લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે. અલબત્ત, જે તે વ્યક્તિઓમાં પ્રામાણિકતા પણ જવલ્લે જ જોવા મળે છે, પરંતુ ભારતના નાગાલેન્ડમાં `ખોનામા' નામના ગામને પ્રામાણિક ગામ તરીકે બિરદાવવામાં આવ્યું છે.

આ ગામ અને ગામના લોકો તેમની ઇમાનદારી માટે વિશ્વપ્રસિદ્ધ છે. અહીં છેલ્લા ઘણાંય વર્ષોથી એવી દુકાનો છે જેમાં દુકાનદાર હોતા નથી અને જે લોકોને સામાન ખરીદવો હોય તેઓ તે સામાન પર પસંદગી ઉતારી ખરીદીને દુકાનના ડ્રોઅરમાં કે પેટીમાં જે તે સામાનની રકમ મૂકી દે છે. આ ગામને લઇને આશ્ચર્યની વાત એ પણ છે કે, આ ગામમાં ક્યારેય કોઇ ચોરીનો બનાવ બન્યો નથી. તેથી જ આ ગામ `ઈમાનદારીનું પ્રતીક' કહેવાય છે. આ ગામની અન્ય વિશેષતા એ પણ છે કે સમગ્ર ભારતનું આ પહેલું `ગ્રીન વિલેજ' કહેવાય છે. નોંધનીય છે કે, ખોનામા ગામના લોકો પર્યાવરણ સંરક્ષણ માટે પણ ગંભીર રહે છે અને પર્યાવરણની રક્ષા કરવા તેમજ તેની વિશેષ રીતે જાળવણી કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. સાફસફાઇ, હરિયાળી સાથે પ્રકૃતિ પ્લસ પ્રામાણિકતા માટે આ ગામની દુનિયાભરમાં નોંધ લેવાઇ રહી છે. તેમની આ બાબતો જ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે.

હેપી બર્થડે ડિયર `બફેલો'

મોટાભાગના એનિમલ લવર્સ પોતાના પેટનો બર્થડે પણ ધામધૂમથી મનાવે છે અને તે માટે કેક ઉપરાંત નાનું-મોટું સેલિબ્રેશન પણ કરે છે. જોકે, આ એનિમલ લવર્સ પોતાના પાલતુ `ડોગ'નો જ બર્થડે મનાવતા જોવા મળે છે. કેટલાક કિસ્સામાં લોકો પોતાના પાલતુ પોપટ કે બિલાડીનો પણ બર્થડે મનાવતા હોય છે. આ બધાને બાદ કરતાં એક પેટ લવરે સૌ એનિમલ લવર્સનું ધ્યાન વિશેષ રીતે ખેંચ્યું છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં એક ભેંસમાલિકે પોતાની ભેંસનો બર્થડે એટલો ધામધૂમથી ઊજવ્યો કે તેની નોંધ વિશ્વભરમાં લેવામાં આવી છે. આ ભેંસમાલિકે પોતાની ભેંસને ફૂલોના હાર સાથે પૈસાનો હાર પણ પહેરાવ્યો અને આખા ગામમાં તેને ફેરવી હતી. એટલું જ નહીં, આ ભેંસ માટે તેણે સ્પેશિયલ કેક પણ બનાવડાવી હતી અને બાળકો અને મોટેરાંઓને કેક પણ ખવડાવી હતી. ભેંસના બર્થડે પર ગામના લોકોએ ડી.જે. પર ડાન્સ પણ કર્યો હતો. ભેંસના બર્થડેની ઉજવણીમાં આખું ગામ ઊમટી પડ્યું હતું. ડી.જે. ડાન્સ, કેક કટિંગ બાદ ગામના લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટૂંકમાં, ગ્રામજનોએ `હેપી બર્થડે ટુ યુ'ની જગ્યાએ `હેપી બર્થડે ડિયર બફેલો' કહીને પાલતુ પશુ પ્રત્યેનો ગાઢ પ્રેમ દર્શાવ્યો હતો.

તમે અડધા કલાક માટે શ્વાસ રોકી શકો ખરા?

જો તમને એમ કહેવામાં આવે કે તમે એકાદ મિનિટ તમારો શ્વાસ રોકીને બતાવો તો? અને તે પણ પાણીમાં! તો તમે કેટલીવાર સુધી શ્વાસ રોકી શકો? એક અભ્યાસ પ્રમાણે એક સ્વસ્થ વ્યક્તિ પાણીમાં પોતાનો શ્વાસ 20થી 45 સેકન્ડ સુધી રોકી શકે છે. અલબત્ત, જો વિશેષ તાલીમ લેવામાં આવે તો શ્વાસ રોકવાની ક્ષમતામાં ક્રમશઃ 1,1.5 મિનિટથી ત્રણેક મિનિટ સુધી વધારો થઇ શકે છે. જોકે, તાજેતરમાં જ પાણીમાં શ્વાસ લીધા વગર 29 મિનિટ, 3 સેકન્ડ સુધીનો ગિનીસ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. ક્રોએશિયાઇ ફ્રીડાઇવર વિટોમિર મારિસિકે આ રેકોર્ડ નોંધાવ્યો છે. નોંધનીય છે કે, મારિસિકે પાણીમાં શ્વાસ ન લેવા માટેનો રેકોર્ડ નોંધાવતા પહેલાં 10 મિનિટ સુધી શુદ્ધ ઓક્સિજન લીધો હતો, જેથી તેના બ્લડમાં વધારે ઓક્સિજન ભરાઇ જાય. મારિસિકે ત્યારબાદ એક નામી હોટલના પુલમાં ઊંડો ઊતર્યો અને રેકોર્ડ નોંધાવવા માટે તૈયાર થઇ ગયો હતો. આ સમય દરમિયાન ઘણીવાર તેમના શરીરને કષ્ટ પડ્યું હતું તેમ છતાં તેઓ ટસના મસ ન થયા અને ગિનીસ રેકોર્ડ નોંધાવવામાં સફળ રહ્યા.