જો તમે કોઇ વાહન લઇને રસ્તા પર નીકળ્યા છો અને તમને એક પણ ટ્રાફિક સિગ્નલ જોવા ન મળે તો? તમે ચોક્કસ નવાઇ પામશો કે જાહેર રસ્તામાં વાહનોની અવરજવરથી કોઇ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક સિગ્નલ જરૂરી જ છે.
પણ ભુતાન નામના દેશમાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી! અલબત્ત, ત્યાં એકવાર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યાં હતાં, પરંતુ ભુતાનની પ્રજાને તે સિગ્નલો નીરસ અને ઠંડાં લાગ્યાં. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ભુતાનના લોકો વાહન ધીમા અને આરામથી ચલાવે છે. જો રસ્તામાં કોઇ માણસ રસ્તો ક્રોસ કરતો જણાય તો સૌથી પહેલાં તેને પસાર થવા દેવામાં આવે છે. ભુતાનની રાજધાની થિમ્ફૂમાં ટ્રાફિક સિગ્નલ જોવા મળતાં નથી. જોકે, અહીં કેટલીક જગ્યાએ ટ્રાફિક પોલીસ ઓટલા પર ઊભી રહીને ટ્રાફિકનું સંચાલન કરતી જોવા મળે છે. નોંધનીય છે કે, ભુતાનને `હેપિનેસ કન્ટ્રી' એટલે કે ખુશીનો દેશ કહેવામાં આવે છે. આનું મુખ્ય કારણ ત્યાંની સરકારની નીતિ છે, જે ગ્રોસ નેશનલ હેપિનેસ (Gross National Happiness - GNH)ના સિદ્ધાંત પર આધારિત છે. GNH એ દેશની પ્રગતિ માપવા માટે આર્થિક વિકાસ (Gross Domestic Product - GDP)ને બદલે લોકોની ખુશી અને સુખાકારીને પ્રાધાન્ય આપે છે.
મચ્છરો વિનાનો પણ એક દેશ છે
તમને સુંદર મજાની ઊંઘ આવતી હોય અને અચાનક જ તમારા કાનમાં મચ્છરોનું ગુણ ગુણ થવા લાગે તો સ્વાભાવિક છે તમારી ઊંઘ બગડવાની છે. વધુમાં એ જ મચ્છર તમને કરડીને જાય ત્યારે તમે રીતસરના જાગી જ જવાના છો. આ સમયે એવું થાય કે જો મચ્છર જ ન હોય તો કેવું સારું! જોકે, આ વાત સાચી છે. આઇસલેન્ડ નામના દેશમાં મચ્છરો નહિવત્ જોવા મળે છે, કારણ કે અહીંનું વાતાવરણ જ એ પ્રકારનું છે કે, મચ્છરો તેમનું જીવનચક્ર અહીં પૂરું જ કરી શકતા નથી. એટલે કે મચ્છરોને હળવા ગરમ અને સ્થિર પાણીની જરૂર પડે છે. આઇસલેન્ડમાં વાતાવરણ એટલું ઠંડું છે કે પાણી સતત થીજી જાય છે. આ ઉપરાંત ત્યાં હવામાનમાં અચાનક જ તીવ્ર ફેરફારો થયા કરે છે. આઇસલેન્ડમાં થોડા દિવસમાં ભયંકર ઠંડી તો થોડા દિવસ ગરમી જોવા મળે છે. હવામાનના આ અચાનક બદલાવને કારણે મચ્છરનાં ઇંડાં અને લાર્વા (ડિંભ) ટકી શકતાં નથી. એટલું જ નહીં આઇસલેન્ડના પાણીમાં કેટલાંક રાસાયણિક તત્ત્વોના મિશ્રણના કારણે પણ મચ્છરોનો વિકાસ અટકી જાય છે. ટૂંકમાં, અહીં મચ્છરોનો ત્રાસ જોવા જ મળતો નથી.
અગિયાર મહિનાનો સ્કેટબોર્ડર તમે જોયો છે?
બાળક જ્યારે જન્મે છે ત્યારે અંદાજિત નવથી અગિયાર મહિનામાં ભાખોડિયાં ભરીને અથવા તો કોઇ વસ્તુનો ટેકો લઇને પા પા પગલી ભરતો જોવા મળે છે. અલબત, તે ધીમે ધીમે ચાલતા શીખે છે, પરંતુ દક્ષિણ ચીનમાં જુઆનજુઆન નામનું બાળક અગિયારમાં મહિને સ્કેટબોર્ડ ખૂબ જ સરળતાથી ચલાવી લે છે! જુઆનજુઆનના પિતા લિયૂ ડાઓલોંગ ભૂતપૂર્વ સ્નોબોર્ડિંગ એથ્લીટ છે. લિયૂ ડાઓલોંગને તેમનો દીકરો જન્મ્યો ત્યારે જ થયું હતું કે તે મોટો થશે ત્યારે સ્કેટબોર્ડ શીખવવું છે, પરંતુ આટલી નાની વયે જ તે પરફેક્ટ સ્કેટબોર્ડ શીખશે તેવું તેમને માન્યામાં આવતું નહોતું. જ્યારે જુઆનજુઆન પાંચ મહિનાનો થયો હતો ત્યારથી જ તેને સ્કેટ પાર્કમાં તેના પિતા લઇને આવતા હતા. અહીંથી તે અઢળક સ્કેટબોર્ડરને જોતો થયો અને તેની ગતિવિધિ જાણી. જુઆનજુઆન છઠ્ઠા મહિને જ પોતાનું બેલન્સ રાખતા શીખી ગયો અને આઠમા મહિને તો તે સ્કેટબોર્ડ પર એક મિનિટથી વધુ સમય બેલેન્સ રાખતા શીખી ગયો! નવમા મહિને તે નાના અંતર સુધી સફળ સ્કેટબોર્ડ ચલાવતો થયો. નોંધનીય છે કે, જુઆનજુઆનને સ્કેટબોર્ડ ચલાવતા તેનાં માતા-પિતા હેલ્મેટ, ગાર્ડ્સ અને ડાયપર પણ પહેરાવે છે.