સમગ્ર દુનિયામાં 195 દેશ છે. આ પૈકી એક દેશ એવો છે જેને પોતાનું એરપોર્ટ નથી કે નથી કોઇ પોતાની કરન્સી તેમ છતાં આ દેશની ગણના સેફ કન્ટ્રીમાં થાય છે.

વધુમાં આ દેશની ગણના ધનવાન દેશ તરીકે પણ થાય છે. આ દેશનું નામ `લિક્ટેન્સ્ટીન' (liechtenstein) છે. ટચૂકડો આ દેશ સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયાની વચ્ચે છુપાયેલો છે. યુરોપના સૌથી ખૂબસૂરત દેશ તરીકે પણ લિક્ટેન્સ્ટીનનો સમાવેશ થાય છે. અહીં અંદાજિત 30થી 40 હજારની આબાદી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ દેશની નોકરીઓની સંખ્યા તેની વસ્તી કરતાં પણ વધુ છે, જેના કારણે ઘણા લોકો પડોશી દેશો જેવા કે સ્વિટ્ઝર્લેન્ડ અને ઑસ્ટ્રિયાથી રોજગાર માટે અહીં આવે છે. વધુમાં લિક્ટેન્સ્ટીનમાં ગુનાખોરીનું પ્રમાણ એટલું ઓછું છે કે અહીં લોકો રાત્રીના સમયે ઘરને તાળાં પણ મારતા નથી! અલબત્ત, આ દેશમાં જેલની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. તેમાં માંડ પાંચથી સાત જ કેદી જોવા મળે છે. આ દરમિયાન જો કોઇ ગુનેગારની સજા બે વર્ષથી વધુ હોય છે તો તેને પાડોશી દેશની જેલમાં મોકલવામાં આવે છે. આ દેશમાં અંદાજિત 100થી 160 જેટલી જ પોલીસ છે અને દેશને પોતાની કોઇ કાયમી સેના પણ નથી.

નોકરી મેળવવા રિઝ્યૂમની હાફ પ્રિન્ટ કેમ કાઢી?

આજના યુવાનો દેશ-વિદેશમાં નોકરી મેળવવા માટે અવનવા, રંગીન કે આકર્ષક રિઝ્યૂમ (Resume) બનાવતા હોય છે. ત્યારબાદ તેઓ જે તે વેબસાઇટ પર કે જોબ પ્લેસમેન્ટ ધરાવતી કંપની અથવા સોશિયલ મીડિયા પર તે રિઝ્યૂમ શેર કરતા હોય છે. જોકે, આ બધાની વચ્ચે એક યુવાનનો રિઝ્યૂમ ટોક ઓફ ધ વર્લ્ડ સાબિત થયો છે. તેણે માત્ર હાફ રિઝ્યૂમ જ જોબ પ્લેસમેન્ટ ધરાવતી સાઇટ પર શેર કર્યો હતો. જેમાં ટાઇટલ હતું કે, `Resume printed halfway and said: Hire me to unlock full potential.'(રિઝ્યૂમ અડધો અને સાઇડમાં છાપ્યો છે : પૂરી ક્ષમતા જાણવા માટે અનલોક કરો, મને કામ પર રાખો) અલબત્ત, તમે મને નોકરી પર રાખો પછી હું તમને મારી ક્ષમતા જણાવીશ. આ યુવાને તો પોતાનો ચહેરો પણ અડધો જ છાપ્યો હતો અને ઓબ્જેક્ટિવ લખ્યું હતું કે, `તમારી કંપનીમાં ભાગીદાર બનીને હું મારી સ્કિલ્સમાં વધારો કરીશ અને મારી કરિયરને નવીં ઊંચાઇ સુધી લઇ જઇશ.' ટૂંકમાં, આ યુવાનનો હાફ રિઝ્યૂમ જોઈને સૌ કોઇ જોબ પ્લેસમેન્ટ કંપનીઓએ તેના તરફ ધ્યાન તો ખેંચ્યું જ!

એરપોર્ટના રનવેમાં જ રેલવે ટ્રેક!

જોકોઇ એરપોર્ટના રનવે પર જ ટ્રેન પસાર થતી હોય તો? ત્યાં ફાટક જરૂરી હોય ખરા? વિમાન તો ઊંચે ઊડી જાયને? તો ફાટકની ક્યાં જરૂર! આપણે જાણીએ છીએ કે રોડ પર નીકળતી ટ્રેન માટે ફાટક હોય છે, જેથી અકસ્માત ન સર્જાય! જોકે, ન્યૂઝીલેન્ડના ગિસ્બોન એરપોર્ટ એટલા માટે વિખ્યાત છે કે અહીં રનવે પર રેલવે ટ્રેક છે! ગિસ્બોન એરપોર્ટનો મુખ્ય રનવે અંદાજિત 1310 મીટર લાંબો છે અને અહીં પામસ્ટર્ન નોર્થ-ગિસ્બોન રેલવે લાઇન પસાર થાય છે. મૂળ અહીં વર્ષ 1940ના દશકમાં રેલવે લાઇન હતી જ! પરંતુ જ્યારે એરપોર્ટ બનાવવાની વાત આવી ત્યારે આ જ જગ્યા પરફેક્ટ હતી, તેથી એરપોર્ટ પણ અહીં બનાવવામાં આવ્યું. નોંધનીય છે કે જ્યારે અહીં કોઇ વિમાન ચડે કે ઊતરે ત્યારે ટ્રેનનું સિગ્નલ બંધ કરી દેવામાં આવે છે અને ટ્રેન રોકાઇ જાય છે. તો ઘણીવાર ટ્રેન પસાર થાય છે ત્યારે વિમાનને હવામાં ચક્કર લગાવવાં પડતાં હોય છે. ટૂંકમાં, રેલવિભાગ અને એરપોર્ટ ઓથોરિટીનો તાલમેલ પરફેક્ટ હોવાથી દુર્ઘટના થતી નથી. આશ્ચર્યની વાત એ છે કે, આજ દિન સુધી અહીં પ્લેન અને ટ્રેનનો અકસ્માત થયો નથી!