2024ની લોકસભા ચૂંટણી 743 રાજકીય પક્ષોએ લડી હતી. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 211 અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 70 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ભારત બહુદળીય લોકતાંત્રિક દેશ છે. તેમાં અનેક રાજકીય પક્ષો છે. છેલ્લે ઓગસ્ટ 2025માં ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા(ECI)એ સતત 6 વર્ષ સુધી ચૂંટણ્રી ન લડેલા 333 પક્ષોની માન્યતા રદ કર્યા પછી હાલમાં દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષોની સંખ્યા અઢી હજાર કરતાં વધુ (2520) છે.

ભારતની બહુપક્ષીય લોકશાહીમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે : રાષ્ટ્રીય પક્ષો, રાજ્યકક્ષાના પ્રાદેશિક પક્ષો અને નોંધાયેલા પરંતુ રાષ્ટ્ર કે રાજ્ય સ્તરીય પક્ષની માન્યતા ન ધરાવતા પક્ષો. બંધારણના અનુચ્છેદ 324 અને લોકપ્રતિનિધિત્વ કાયદો 1951ની ધારા 29(બ) હેઠળ રાજકીય પક્ષોએ ઈલેક્શન કમિશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ભારતના ચૂંટણીપંચના રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રતીકો, 2019ની હેન્ડબુક પ્રમાણે રાષ્ટ્રીય પક્ષ માટેના નિયમો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તે માપદંડો પૂરા કરનારા રાજકીય પક્ષને ચૂંટણી આયોગ રાષ્ટ્રીય પક્ષની માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછાં ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી બે ટકા બેઠકો પર વિજ્ય મેળવે અથવા જે રાજકીય પક્ષ ચાર કે વધુ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષની માન્યતા મેળવે અથવા જે રાજકીય પક્ષ લોકસભા કે કમ સે કમ ચાર રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા 6 ટકા અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતે તેને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે છે.

2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓ તથા 2014 પછી થયેલી 21 વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દેખાવ પરથી ચૂંટણીપંચે કેટલાક રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ કર્યો હતો અને બીજા કેટલાક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો ઘોષિત કર્યા હતા.

હાલમાં ભારતમાં આમ આદમી પાર્ટી(AAP), બહુજન સમાજ પક્ષ(BSP), ભારતીય જનતા પાર્ટી(BJP) , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સિસ્ટ)CPI(M), ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ(iNC) અને નેશનલ પીપલ્સ પાર્ટી(NPP) આ 6 જ પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે. કેન્દ્રીય ચૂંટણીપંચના 1968ના નિયમ મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ, ગોવા, દિલ્હી અને ગુજરાતમાં તેની પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવીને આ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરતાં 10મી એપ્રિલ, 2023ના ચૂંટણીપંચના આદેશથી તેને નેશનલ પાર્ટીનો દરજ્જો હાંસલ થયો છે. 6 રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી જૂના કોંગ્રેસની સ્થાપના 1885માં, સીપીઆઈ(એમ)ની 1964માં, બીજેપીની 1980માં, બસપાની 1984માં, `આપ'ની 2012માં અને એનપીપીની 2013માં થઈ હતી. નેશનલ પીપલ્સ પાર્ટી શાયદ ઉત્તર-પૂર્વની પહેલી પોલિટિકલ પાર્ટી છે, જેણે નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. આપ અને એનપીપી સ્થાપનાના માંડ એક જ દશકમાં રાષ્ટ્રીય પાર્ટી બની શક્યા છે તે નોંધપાત્ર છે.

ઈલેક્શન કમિશને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારના એનસીપી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) અને ડાબેરી પક્ષ સીપીઆઈ(કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ કર્યો છે. સીપીઆઈએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, એનસીપીએ ગોવા, મણિપુર અને મેઘાલયમાં અને તૃણમૂલ કોંગ્રેસે મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં રાજ્ય સ્તરની પાર્ટીનું સ્ટેટસ ગુમાવતાં આ ત્રણ પક્ષો હવે ચાર કરતાં ઓછાં રાજ્યોમાં રાજ્ય સ્તરના પક્ષનો દરજ્જો ધરાવતાં હોઈ, તેની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતા પક્ષને આખા દેશમાં એકસરખા ઈલેક્શન સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. રાષ્ટ્રીય પક્ષનું પ્રતીક અન્ય કોઈને ફાળવી શકાતું નથી. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી અને આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સાઈકલ છે. હવે જો તે બંને પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવે તો જે પક્ષને પહેલાં નેશનલ પાર્ટીનો દરજ્જો મળે તેને સાઈકલનું નિશાન મળે છે. ચૂંટણી પ્રતીક ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોને દૂરદર્શન અને અન્ય સરકાર નિયંત્રિત માધ્યમોમાં ચૂંટણી પ્રચાર માટેનો સમય ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરેલ પક્ષને રાજધાની દિલ્હીમાં તેના પક્ષના કાર્યાલય માટે સરકારી જમીન મળે છે. ચૂંટણી પ્રચાર માટે ચાળીસ સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારવાની સગવડ માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ મળે છે. સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ચૂંટણી ખર્ચના ખાતે નહીં પણ રાજકીય પક્ષોના ખાતે ગણાય છે. રાષ્ટ્રીય પક્ષોને જેમ દૂરદર્શન પર નિ:શુલ્ક ચૂંટણી પ્રચારનો સમય મળે છે તેમ મતદાર યાદીઓ પણ મળે છે.

ભારતના ચૂંટણીકારણમાં રાજકીય પક્ષોની સંખ્યા વધતી રહી છે,

પરંતુ રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા સતત વધતી રહી નથી. 1951-52ની પહેલી લોકસભા ચૂંટણીમાં 53 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. 2024ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં 743 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જોકે, દેશમાં આજે કુલ રાજકીય પક્ષો 2520 છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષો 8 હતા અને સૌથી ઓછા 4 હતા. 1996ની લોકસભા ચૂંટણી 8, 1998ની 7, 1999ની 7, 2014ની 6 અને 2019ની 7 રાષ્ટ્રીય પક્ષોએ લડી હતી. હવે આજે દેશમાં 6 રાષ્ટ્રીય પક્ષો છે. કોઈ એક રાજકીય પક્ષે પહેલીથી છેલ્લી લોકસભા ચૂંટણી સુધી તેનું નેશનલ પાર્ટીનું સ્ટેટસ જાળવી રાખ્યું નથી. તેનું કારણ રાજકીય પક્ષોમાં ભાગલા અને વિલય છે. કોંગ્રેસે લોકસભાની સૌથી વધુ ચૂંટણી જીતી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ તરીકે તેણે કોઈ એક જ ચૂંટણી પ્રતીક સાથે પહેલી અને છેલ્લી લોકસભા ચૂંટણી લડી નથી. પહેલી બે લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલા સીપીઆઈનું વિભાજન થતાં 1964માં સીપીઆઈ (એમ) બન્યો હતો. તો બેવડા સભ્યપદના મુદ્દે જનસંઘનો નવો રાજકીય અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે 1980માં થયો હતો.

આઝાદીથી આજ દિન સુધીમાં કોંગ્રેસ, પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, જનસંઘ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા, રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ભારતીય જનતા પાર્ટી, સીપીઆઈ(એમ), જનતાદળ, જનતા પાર્ટી, લોકદળ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ (તિવારી), સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જનતાદળ (સેક્યુલર), જનતાદળ (યુનાઈટેડ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી એ એકવીસ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો ભોગવી ચૂક્યા છે કે ભોગવે છે.

દેશમાં રાજકીય પક્ષોની ભરમાર છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. વળી, તેમાંનો કોઈ રાજકીય પક્ષ આજે અખિલ ભારતીય કક્ષાએ છવાયેલો જોવા મળતો નથી. રાષ્ટ્રીય પક્ષ માટેના ઈલેક્શન કમિશનના ઉદાર માપદંડને કારણે તે વધુમાં વધુ ચાર રાજ્યોના ઈલેક્શન પર્ફોર્મન્સ પરથી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે. એટલે લોકસભાના મુખ્ય વિપક્ષ કે હાલના સત્તા પક્ષે પણ પૂર્ણપણે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવું હજુ બાકી જ છે.