માણસે રહેવા માટે ભાડું ચૂકવવું પડે એ તો જાણે સમજ્યા, પરંતુ મૃત્યુ પામ્યા પછી પણ કબરમાં રહેવા માટે ભાડું ચૂકવવું પડે એ આશ્ચર્યજનક લાગે. એનાથી વધુ આંચકો તો ત્યારે લાગે કે જો મૃતકના પરિવારજનો ભાડું ન ભરે તો એ મૃતકના અવશેષોને કબરમાંથી બહાર કાઢી નંખાય! મૃતકને પણ શાંતિથી ન રહેવા દેવાય એવું તમે નહીં માનો, પણ એવું એક કબ્રસ્તાન છે, જ્યાં મૃતકને રહેવા માટે ભાડું ચૂકવવાનું હોય છે. એ કબ્રસ્તાન એટલે બોલિવિયાનું લા પેજમાં બનેલું સેમેન્ટેરિયો જનરલ!

એમ તો આજની ફાસ્ટ લાઈફમાં સતત લોનના હપ્તા ભરવાનું ટેન્શન રહેતું હોય છે. ઘરનો હપતો ભરવાનો હોય કે કારનો હપતો, માણસ આખી જીંદગી સતત લોનના હપ્તા ભરતો રહેતો હોય છે. એ તો સ્વાભાવિક છે કે ઘર લો કે બીજી સુવિધા વસાવો એટલે એ તમામના પૈસા ચૂકવવા પડે. એ ચૂકવવા માટે લોન લીધી હોય એટલે તે હપતે હપતે ચૂકવવાની હોય છે. એમાં જ આખી જિંદગી નીકળી જતી હોય છે. ઘણા લોકો જિંદગીના આ સંઘર્ષથી કંટાળીને કહેતા હોય છે કે મરશું ત્યારે જ શાંતિ થશે, પરંતુ મૃત્યુ પછી પણ હપતા ભરવાની ઝંઝટમાંથી છુટાતું નથી! હા, મૃત્યુ પામો એટલે આ ધરતી પરથી વિદાય ભલે લીધી હોય, પણ અહીંના રીતરિવાજ કંઈ પીછો છોડતા નથી. દરેક ધર્મમાં મૃત્યુને પવિત્ર ગણવામાં આવે છે. જીવન સાથે જ મૃત્યુ જોડાયેલું જ હોય છે, પરંતુ ધરતીની વાસ્તવિકતા કઠોર હોય છે. એ કઠોર નિયમોમાંથી મૃતકોને પણ મુક્તિ મળતી નથી!

ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં મૃતકોની દફનવિધિનો રિવાજ છે. એમ પણ જીવિતો માટે જમીનની ખેંચ વર્તાય છે, તો મૃતકો માટે તો જમીન લાવવી જ ક્યાંથી? સ્વાભાવિક છે કે કબ્રસ્તાનમાં મૃતકોની દફનવિધિ થતી હોય છે. વસ્તી વધુ છે એટલે દર વર્ષે મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધે છે. એ સંજોગોમાં જમીનની ખેંચ પડે એ સમજી શકાય એમ છે. આ સમસ્યા અનેક દેશોના કબ્રસ્તાનોને વેઠવી પડી રહી છે. જમીન મર્યાદિત છે અને મૃતકોની સંખ્યા વધતી જ જાય છે, ત્યારે ઘણા દેશોમાં હવે અંતિમવિધિમાં દફનવિધિને બદલે બીજી કોઈ વિધિ તરફ વળવા માટે પ્રયાસ શરૂ થઈ ગયા છે. જોકે, એ તો ભવિષ્યમાં નક્કી થશે, પરંતુ અત્યારે તો જમીનની ખેંચ પડતી હોવાને કારણે મૃતકોને કાયમી જગ્યા માટે ભાડુ લેવાનો નવો વિકલ્પ બોલિવિયામાં અપનાવાયો છે.

બોલિવિયાના લા પાજ ખાતે આવેલું કબ્રસ્તાન એમ તો 210 એકર જમીનમાં ફેલાયેલું છે. અત્યાર સુધીમાં એ કબ્રસ્તાનમાં 20 લાખ લોકોના અવશેષો રાખવામાં આવ્યા છે. હવે વધુ મૃતકોને દફન કરી શકાય એવી સુવિધા નથી, તેથી જ લા પાજની નગરપાલિકાએ મૃતકને લીઝ પર દફન કરવાનું શરૂ કર્યું છે. આ કબ્રસ્તાનમાં મૃતકને 10 વર્ષ સુધી મફતમાં દફન કરવામાં આવે છે. 10 વર્ષની વીઝ પૂરી થઈ ગયા બાદ મૃતકના પરિવારજનોએ મૃતકને કબરમાં રહેવા દેવા માટે ભાડું ચૂકવવાનું હોય છે. મહાનગરોમાં રહેવા માટે ગગનચુંબી ઈમારતો જોવા મળે છે, એમ આ કબ્રસ્તાનમાં બહુમાળી ઈમારતની જેમ દીવાલ બનાવેલી છે, જેમાં ખાંચા પાડીને કાચનાં બોક્સ બનાવેલાં હોય છે. મૃતકના સ્વજને આ બોક્સ ભાડે લેવાનાં હોય છે. તેમાં સ્વજનનો ફોટો, ફૂલ અને બીજી યાદગીરી રાખતા હોય છે. કબર પર ફૂલ ચઢાવવા લોકો જાય એમ અહીં પણ મૃતકના સ્વજનો આવતા હોય છે.

પરંતુ મૃતકના સ્વજન ભાડાના પૈસા ન ચૂકવે એટલે નગરપાલિકા એ સ્વજનના ઘરે નોટિસ ચીપકાવી દઈ ઉઘરાણી કરે છે. એ પછી પણ ભાડું ન ચૂકવે તો એ મૃતકના અવશેષોને કબરમાંથી બહાર કાઢીને તે બાળવામાં આવતા હોય છે. એ બાદ તે રાખને એક નાના બોક્સમાં ભરીને રાખી મૂકવામાં આવે છે. મતલબ કે સ્વજનને કબરમાં શાંતિથી રહેવા દેવા હોય તો ભાડું ચૂકવતા રહેવું પડે, એમ ન થાય તો કબરમાં પણ રહેવા મળતું નથી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો