સાંભળે એમ, ‘એલા મોતનો તો મલાજો રાખો!’ આવું કોઈએ મોં બગડતાં કહ્યું હતું.તો સામે નકરી નફફટાઈ અને અવળચંડાઇભર્યો જવાબ મળ્યો હતો: ‘દાસ રંગીન તબિયતના હતા એની કોણ ના પાડશે!’ પછી ઉમેર્યું હતું: ‘ડેલીએ ડાયરા ભરતા ને ખાટલે પાટલે જમાવટ કરતા હતા!’ સભામાં સોપો પડી ગયો હતો.

દાસની સામે જીવતાજીવ આંખ ઉપાડીને જોઈ ન શકનાર વાણોતર ખરા ટાણે બફાટ કરવા બેઠો હતો.

‘હમણાં ઓલી સમજુડી ઈનો લાગભાગ લેવા આવી હમજો!’ ત્યાં મુખીના મોંએ આવી ગયેલું: ‘એલા તને શેનું પેટમાં દુઃખે છે હેં!’ પણ ટાણું જીભાજોડી કરવાનું નો’તું. નગરશેઠ જમનાદાસની મરણોત્તરવિધિ પછી સમસ્ત ગામનું બેસણું હતું. ગામનું નાનું-મોટું મનેખ દાસની ડેલીમાં હક્કડેઠઠ્ઠ બેઠું હતું. સૌના મનમાં એક જ સવાલ સળવળતો હતો: દાસની આ માલ-મિલકતનો હવે વારસદાર કોણ? તેમની આગળપાછળ કોઈ હતું નહીં.

દાસના નામે ઓળખાતા જમનાદાસ વેપાર-ધંધાના મહારથી, પણ ઘરસંસારના રણમેદાનમાં હારી ગયેલા.મોટી ઉંમરે પંડ્યે પીઠી ચોળી હતી, પણ સદી નહોતી.ઘરસંસાર તૂટીને છૂટી ગયો હતો. પછી લાખ સમજાવટ છતાંય બીજું ઘર કર્યું જ નહીં અને લાખ્ખો રૂપિયાની સંપતિ, માલ-મિલકત છોડી, વારસદાર વિહોણા પરભવના પંથે હાલી નીકળ્યા હતા. ગામ માટે એક કોયડો અને ભારે વિસામણ થઇ ઊઠી હતી.

જોકે, વાણોતરની વાત નાખી દીધા જેવી નો’તી. દાસ રંગીલા ને મનમોજીલા મનેખ હતા તેની ના નહીં. ટાણે કટાણે કોઈનો ખાટલો ખૂંદતા હોય, અહુરીવેળાએ ગરીબના ઝૂંપડામાં અજવાળું કરતા હોય કે વેળા કવેળા કોઈ એવી બાઇમા’ણા દાસ આગળ હૈયાની હાટડી માંડીને બેઠી હોય. એવી વાતોના ગામગપાટા કે ગોફણ ગોળા વછૂટ્યા કરતા હતા, પણ દાસને કોઈએ રંગે હાથ ઝાલ્યા હોય એવું કોઈ છાતી ઠોકીને કહી શક્યું નહોતું. કોઈ વળી એવું કહેતું, મોંમાં કાવડિયા ધરબી દે પછી બોલે કોણ? પૈસા આગળ તો સૌ પાણી ભરે!

જમનાદાસ એટલે ઓલદોલ મનેખ. નોંધારાનો આધાર, ગરીબોનો બેલી. અરે! અડધી રાતનો હોંકારો. પારકી છઠ્ઠીનો જાગતલ. કાળી રાતે જરૂર પડી હોય અને દાસની સાંકળ ખખડાવો એટલે ખણખણતાં કાવડિયાં દાસ ગણી દે, પણ વાયદા મુજબ કાવડિયાં પાછાં આપવાં પડે, નહિતર છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાખે. ઘરમાં ઘરી ઘઘલાવે ને કહે: ‘બાપનો માલ છે તે બથાવીને પડ્યો છે, લાવ કાઢ્ય મારાં કાવડિયાં!’

પણ ઉપરાઉપરી બે વરસ મોળાં ગયાં હતાં. દુકાળ જેવા દિવસોમાં વાડીઓ સૂકી ને ડૂકી ગઈ હતી. ઢોરઢાંખર વસૂકી ગયાં હતાં. અભાવના ઓછાયા જનજીવનને ભરખી ગયા. આવા વસમા વખતે ચરમબંધીનેય દાસ પાસે આવવું પડ્યું હતું. ચીજવસ્તુના બમણા-તમણા ભાવ ભરવા પડ્યા હતા, પણ અંદરખાને તો જેવો ઘરાક એવા ભાવ જાણીજોઇને ઝૂડ્યા હતા. તોય સારપ ધોવાઇને નરી નાગડદાઇ ગામની જીભે રમવા લાગી હતી. લોકો કહેવા લાગ્યા હતા: ‘દાસ તો શેઠ નઈ લોહી પીનારો શઠ છે.’ કોઈ વધારે કહેતું: ‘લઇ ગ્યા કાંય હારે? હંધુય આંયા જ પડ્યું ર્યુંને!’ ત્યાં વળી વાતમાં સૂર પુરાવતા હતા: ‘પાવૈયનો માલ

મૂંડા ખાહે!’

દાસની માલમિલકત ગામ માટે કોયડો બની ગઇ હતી. ત્યાં કોઈએ ગપગોળો માર્યો હતો: ‘દાસના ભાયાતુ મુંબઈમાં છે.’ સામે જવાબ આપ્યો હતો: ‘અમે તો કોઈ દી’ ભાળ્યા નંઇ.’ પણ નાક જાતાં હોઠ રાખવો હોય એમ કહે: ‘મિલકતની વાતે કીડિયારું ઊભરાવા લાગે, હમાચાર મળશે એટલે આવી પુગ્યા હમજો!’

‘ભાયાતુ ભાગ માંગે ઇ તો વાજબી કે’વાય, પણ...’ આગળ ભલે ન કહ્યું, પણ સૌ સમજી ગયા હતા.

ગામના છેવાડે રહેતી સમજુબાઇ સાથે દાસને ઘરોબો ને ચૂલાનો સંબંધ હતો. કોઈ કહેતું આડા સંબંધ હતા. એકસાથે નહીં, ઠેકઠેકાણે આવા આડા ઊભા સંબંધ હોવાનો ગણગણાટ થાવા લાગ્યો હતો. સાંજ ઢળવા આવી હતી. પંચને ઊભું થાય એ પહેલાં દાસની નધણિયાતી માલમિલકતનો નિવેડો લાવવાનો હતો. પોલીસ પટેલને જવાબદારી સોંપવાની આવી તો કોઈએ મમરો મૂકી દીધો હતો: ‘મીંદડીને ખીર ભળાવવામાં જોખમ!’ વળી વાત ચોળાવા લાગી એટલે સમજુને પંચ વજિતા બોલાવી હતી. દાસ કાંઈ ભરભલામણ કરતા ગયા હોય. સમજુ લાજનો એક છેડો તાણી અવળા મોંએ ઊભી રહી હતી.

મુખીએ પૂછ્યું હતું: ‘કાંય ખબર્ય હોય તો કહો!’ પછી ઉમેર્યું હતું: ‘તમારે ન્યાં ઊઠકબેઠક હતી!’ મુખીના ઓછા શબ્દોમાં સમજુ ઘણું સમજી ગઇ હતી. શ્વાસ ઘૂંટી, ગળે આવેલું ડૂસકું અટકાવી તે બોલી હતી: ‘ઉપરવાળો જાણે છે અમારા સંબંધને. ઇમાં મારે કાંય કહેવું નથી. જેનો જેવો ભાવ.’ તે થોડુંક અટકી આગળ વધી હતી: ‘પણ કાં’ક લખતા ગ્યા એવું મુને ઓહાણ છે.’ દાસ તો સમજણનો એક્કો ને પાક્કો માણસ. બધું જ લખીને ગયો હશે! પંચ વજિતા પટારો ખોલતા કાગળ હાથમાં આવ્યો હતો. લખ્યું હતું: ‘આ ગામની કમાણી ગામ માટે છોડતો જાઉં છું, પણ આ ઘર રહેવા માટે

સમજુને આપજો.’

દાસનું આખરી લખાણ સાંભળી સભામાં સોપો પડી ગયો હતો.

સમજુએ ભારે હૈયે જણાવ્યું હતું: ‘લાગણીની લેણદેણ હતી તે પૂરી થઇ.’ રુદન સાથે કહી દીધું હતું: ‘મારે કાંય નો જોઈ.’ પછી સમજુ ખાલી હાથે ને ભારે પગલે નીકળી ગઈ હતી.