ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ.
હા, ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
કવિ ખલીલ ધનતેજવીની આ પંક્તિઓ ઘણા સાહિત્યપ્રેમીઓને યાદ હશે, પણ વિજ્ઞાનની કોલમમાં આપણે માત્ર પરપોટામાં ગોબો પાડવા ઉપર એટલે કે પરપોટાનો ઉપયોગ કરીને પાણી પેદા કરવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું.
જે મામૂલી પરપોટાને તમે બાળપણમાં ડઝનના હિસાબે ફોડતા હતા અને નિર્દોષ આનંદ લૂંટતા હતા, એ પરપોટા બહુ કામની ચીજ છે. દુર્ગમ વિસ્તારોમાં પાણીની જરૂરિયાત સંતોષવાથી માંડીને જાસૂસી સુધીનાં કાર્યો કરવા માટે પરપોટા ધાર્યું ન હોય એવો ખેલ પાડી શકે એમ છે! શરૂઆત `બબલ રેપ' તરીકે ઓળખાતી બાળપણની પ્રિય યાદગીરી સાથે કરીએ. બાળપણમાં કોઈ પણ નાજુક સામાનની ખરીદી થાય એટલે આપણને બધાને એનું બોક્સ ખોલવાની ઉતાવળ રહેતી. એનું કારણ તે પેલી પટ-પટ અવાજ સાથે ફૂટતા, હવા ભરેલા બબલવાળી કોથળી. બબલરેપ તરીકે ઓળખાતી આ કોથળીઓ નાજુક સામાન પેક કરતી વખતે રક્ષણાત્મક લેયર તરીકે વાપરવામાં આવે છે, પરંતુ MIT (મેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)ના સંશોધકો આ બબલરેપ સ્ટ્રક્ચરનો સાવ અલગ જ ઉપયોગ શોધી કાઢ્યો છે.
જ્યારે રણવિસ્તાર કે દુર્ગમ પહાડીઓ વચ્ચે પ્રવાસ કરવાનો હોય, ત્યારે પાણીનો સ્રોત ઝટ જડતો નથી. જોકે, ત્યાંની હવામાં ભેજ તો વધતા-ઓછા અંશે હાજર હોય જ છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીંની હવા સહેજ ભેજવાળી હોવાની. કોઈક રીતે આ હવામાંનો ભેજ શોષી લેવામાં આવે અને તેનું પાણીમાં રૂપાંતર કરવામાં આવે તો? આઈડિયા અચ્છા હૈ, પણ એને અમલમાં મૂકવો કઈ રીતે? આવી કોઈ ડિવાઈસ વિકસાવી લઇએ તો પણ એને ઓપરેટ કરવા માટે એનર્જીની જરૂર પડે. એ એનર્જી પ્રોડ્યૂસ કરવા માટે વળી પર્વતોમાં કે રણવિસ્તારોમાં મસમોટાં ડીઝલ જનરેટર મૂકવાં પડે. અંતે થાય એવું કે પાણી કરતાં ડીઝલ મોંઘું પડે. ટૂંકમાં, દુર્ગમ પ્રદેશોમાં હવાના ભેજમાંથી મફતિયું પાણી મેળવવું હોય તો એવી ડિવાઈસ વિકસાવવી પડે જે ન્યૂનતમ એનર્જી સોર્સ વાપરીને કામ કરતી હોય.
MITના સંશોધકોએ વિકસાવેલી પદ્ધતિ આમ બહુ સીધીસાદી છે. આ પદ્ધતિમાં હાઇડ્રોજેલ નામની ખાસ સામગ્રીનો ઉપયોગ થાય છે, જે હવામાંથી ભેજ (પાણીની વરાળ) શોષવાની ક્ષમતા ધરાવે છે. હાઈડ્રોજેલની શીટ દેખાવે બબલરેપ શીટ જેવી જ હોય છે અથવા સમજો કે હાઈડ્રોજેલ ભરેલા બબલ્સ જ હોય છે. આ શીટ કાચના બે લેયર્સ વચ્ચે સેન્ડવિચની માફક ગોઠવવામાં આવે છે. રાત્રિના સમયે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય, ત્યારે હાઇડ્રોજેલ હવામાંથી ભેજ શોષી લે છે. આ ભેજ હવા સ્વરૂપે હોવાને કારણે હાઈડ્રોજેલ શીટમાં પાણીની વરાળના પરપોટા તરીકે એ સચવાય છે. આ રીતે બનેલા પરપોટાની હારને કારણે શીટ બબલરેપ જેવી જ દેખાય છે. દિવસના સમયે જ્યારે સૂર્યનો તાપ વધે, ત્યારે આ હાઈડ્રોજેલ દ્વારા શોષાયેલા ભેજના પરપોટાનું પાણીના ટીપામાં રૂપાંતર થઈને કાચની સપાટી પર જમા થાય છે. આ પાણીનો ટ્યૂબ્સ વાટે સંગ્રહ કરી શકાય છે.
કેલિફોર્નિયામાં `ડેથ વેલી' તરીકે ઓળખાતા સાવ શુષ્ક-જળવિહોણા પ્રદેશમાં MITના સંશોધકોએ સતત એક અઠવાડિયા સુધી હાઈડ્રોજેલ બબલરેપનો ઉપયોગ કરી જોયો. એમણે નોંધ્યું કે આવી એક સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને રોજિંદા 57થી 161 મિલીલિટર શુદ્ધ પાણી મેળવી શકાય છે. અહીં પ્રશ્ન થશે કે આટલું અમથું પાણી પેદા કરવા માટે સંશોધકોએ આટલી પળોજણ કરી? વાત એમ છે કે આ આખો પ્રયોગ હજી સંશોધનના તબક્કામાં છે. એટલે સ્વાભાવિક રીતે આઉટપુટ ઓછો જ હોવાનો. મૂળ મુદ્દો એ છે કે આ રીતે પાણી મેળવી શકાય છે, એ સાબિત થઇ ગયું. ભવિષ્યમાં વિશાળ કદની પેનલ્સ બનાવીને તેમજ આ પેનલ્સને સમાંતરે જોડીને મોટું નેટવર્ક ઊભું કરીને રોજનું હજારો લિટર પાણીય મેળવી શકાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આખી કાર્યપદ્ધતિમાં ઊર્જાની ખપત શૂન્ય છે, કેમ કે આખી સિસ્ટમ સૌરઊર્જાને આધારે કાર્ય કરે છે. વળી, આ સિસ્ટમ દ્વારા મળતું પાણી સીધું હવામાંથી મેળવશે, એટલે ઘણે અંશે પ્રદૂષણમુક્ત હોવાનું. ઇનશોર્ટ, પાણીની વરાળના પરપોટા દ્વારા ભવિષ્યમાં મોટા પાયે હવામાંથી પાણી પેદા કરી શકાશે. એ સંજોગોમાં જેમને પૂરતું પાણી મળતું નથી એવા કરોડો લોકો માટે આ `પરપોટા સિસ્ટમ' નવી આશા લઈને આવશે.
અને પરપોટાનો હજીય વધારે જોરદાર ઉપયોગ તો ચીનાઓએ શોધી કાઢ્યો છે. આ જ વર્ષે `સેલ રિપોર્ટ્સ ફિઝિકલ સાયન્સ' નામની સાયન્સ જર્નલમાં બેઇજિંગના વૈજ્ઞાનિકોની ટીમે એક રિપોર્ટ પબ્લિશ કર્યો. જે મુજબ બર્ફીલા પ્રદેશોમાં ગુપ્ત સંદેશાઓ મોકલવા માટે પરપોટાઓનો ઉપયોગ થઇ શકે છે. શૂન્ય નીચે તાપમાન ધરાવતા ઠંડા પ્રદેશોમાં સંદેશવ્યવહારનાં સાધનો ઘણી વાર ખોટકાઈ જાય છે. ચીનાઓના કહેવા મુજબ આવા વાતાવરણમાં બરફમાં સંગ્રહાયેલા એર બબલ્સ એટલે કે હવાના પરપોટા કામ લાગી શકે છે. પેપર ડોક્યુમેન્ટ અથવા બીજી કોઈક રીતે ટ્રાન્સફર થતા બાઈનરી કોડ્સ કે મોર્સ કોડમાં રચાયેલા સંદેશાઓની સાપેક્ષે એર બબલ્સ થકી પ્રસારિત થતા સંદેશાઓ ગુપ્તતા જાળવવા બાબતે ઉમદા સાબિત થાય છે. લેકિન યે હોતા કૈસે હૈ? એની વાત ફરી ક્યારેક.
