એમ તો ગામની વ્યાખ્યા સાવ સહજ લોકો હોય, સુવિધા થોડી ઘણી હોય અને ધબકતું જીવન હોય. ઘરો અને ખેતરો તેમજ બીજી ભૌતિક સુવિધાથી સજ્જ એવાં ગામો હોય, પરંતુ કેટલાંક ગામો એવાં અનોખાં હોય છે કે એ વિશેષતાને કારણે આખી દુનિયામાં તેઓ જાણીતાં હોય છે.
આપણા દેશનાં એવાં ગામો વિદેશીઓને પણ ખૂબ જ આકર્ષે છે. ખાસ કરીને તેમના કુદરતી સૌંદર્ય અને કુદરતી જીવન પરંપરાથી આ ગામો દુનિયાભરમાં જાણીતાં છે.
ભારત તો ગામડામાં વસેલો જ દેશ છે. દરેક ગામો તેમની ખાસિયતોને કારણે આસપાસમાં જાણીતાં હોય એવું બની શકે છે, પરંતુ અહીં અંગ્રેજો 200 વર્ષ સુધી રાજ કરી ગયા હોવાને કારણે અનેક ગામો તેમના માટે અનોખાં બની રહ્યાં છે અને તેમની ખ્યાતિ દુનિયાભરમાં પ્રસરી છે. એવાં ગામોમાં આજે પણ સહેલાણીઓ પહોંચીને કુદરતી સૌંદર્યને મન ભરીને માણે છે. ભારત તેના ખૂબસૂરત તેમજ અનોખાં ગામો માટે આખી દુનિયામાં જાણીતો દેશ છે. ભારતનાં કેટલાંય ગામોમાં કુદરતી સુંદરતા, સંસ્કૃતિ અને પરંપરાઓનો અદ્ભુત સંગમ છે. વિદેશી સહેલાણીઓને પણ ખૂબ જ આકર્ષતાં ગામોમાંથી એક ગામ એટલે મલાના ગામ. વિદેશીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલું આ ગામ હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં આવેલું છે. મલાના ગામ તેની અનોખી સંસ્કૃતિ અને રહસ્યમયી પરંપરાઓ માટે જાણીતું છે. આ ગામમાં બહારથી આવતા લોકો માટે જુદા નિયમો છે. આ ગામ એટલા માટે ચર્ચામાં રહે છે કે આ ગામના લોકો પોતાને મહાન સિકંદરના વંશજો માને છે. દુનિયાને જીતવા નીકળેલો સિકંદર ભારતથી આગળ વધી શક્યો ન હતો, પરંતુ તેના વંશજો આજે પણ મહાન સિકંદરના વારસો હોવાનું ગૌરવ લે છે.
તો વળી ખોનોમા ગામ એશિયાનું પહેલું ગ્રીન વિલેજ છે. આ ગામ સાફસફાઈ, પર્યાવરણ સરંક્ષણ અને હરિયાળી માટે ખૂબ જ જાણીતું છે. અહીંની આદિવાસી સંસ્કૃતિ અને કુદરતનો અનુપમ નજારો વિદેશીઓને ખૂબ જ આકર્ષે છે. પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે એવું હોય છે. નાગાલેન્ડમાં આવેલા આ ગામના લોકોએ વનને જાળવી રાખવા માટે કમર કસી છે. વનની જાળવણીની સાથે સાથે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો પણ અનુકરણીય છે. સરવાળે આ ગામ ગ્રીન વિલેજની વ્યાખ્યામાં બંધબેસતું છે. આ ગામના લોકોએ પર્યાવરણનું જતન કરીને ખોનોમાને એશિયાના પહેલા ગ્રીન સિટીનો દરજ્જો અપાવ્યો છે. અહીં ખોનોમા નેચર કન્ઝર્વેશન એન્ડ ત્રાગોપાન સેન્કચ્યૂઅરી પણ જોવા જેવી છે.
એ જ રીતે એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો કોના નામે છે એ ખબર છે?
માવલીનોન્ગ મેઘાલયમાં આવેલું ગામ છે. એ ગામ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ તરીકે જાણીતું છે. અહીંના લોકોના સ્વચ્છતા માટેના આગ્રહને કારણે જ ગામ સ્વચ્છ બન્યું છે. પૂર્વ ખાસી પહાડીમાં વસેલું આ ગામ તેના મૂળિયાના બનેલા પુલો માટે જાણીતું છે. વડની લટકતી વડવાઈને ગૂંથીને પુલ બનાવવામાં આવે છે. આ કુદરતી પુલ વર્ષોવર્ષ ઉપયોગમાં આવે એવો હોય છે. વડવાઈ કે વૃક્ષનાં મૂળો હોવાને કારણે આ પુલ જીવંત પુલ હોય છે અને વિદેશીઓ આ પુલ પરથી પસાર થવાનો રોમાંચ ખાસ માણતા હોય છે. એ ઉપરાંત ઝાડ ઉપરનાં ઘરોથી આસપાસ નજર રાખવાનું સુલભ હોય છે અને એ ઘરો પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ગામ હંમેશાં ફૂલોથી સજાવેલું રહે છે. સ્પીતિ ઘાટીમાં કિબ્બર ગામની ગણતરી દુનિયાના સૌથી વધુ ઊંચાઈ પર વસેલા ગામ તરીકે પણ થાય છે. બરફ આચ્છાદિત પહાડ, સ્વચ્છ આકાશ અને બૌદ્ધ મઠ પણ વિદેશી સહેલાણીઓને આકર્ષે છે. લગભગ 4587 મીટરની ઊંચાઈએ આવેલા આ ગામમાં વાહનો જઈ શકે એવો રસ્તો છે. એ કારણે જ તે બીજા ઊંચાઈએ આવેલાં ગામો કરતાં અનોખું છે.
જ્યારે ઉત્તરાખંડમાં આવેલું ચોપતા ગામ એ ખૂબસૂરત હિલસ્ટેશન છે. ચોપાતાને ભારતનું મિનિ સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. તુંગનાથ મંદિર અને ચંદ્રશિલા ટ્રેક માટે આ ગામ બેઝ પોઈન્ટ છે. બરફ આચ્છાદિત પહાડો અને નીરવ શાંતિને કારણે આ ગામનું કુદરતી સૌંદર્ય ખૂબ મનમોહક બની જાય છે. 2680 મીટરની ઊંચાઈએ વસેલું આ ગામ સુંદર હિમાલયની પર્વતમાળાને કારણે ખૂબ જ મનમોહક છે.
આ તો પાંચ છ ગામોનો જ ઉલ્લેખ કર્યો છે. એ સિવાય પણ બીજાં ઘણાં ગામો તેમના અબોટ સૌંદર્યને કારણે વણજાણીતાં છે. ભારતમાં કુદરતે ખૂબ જ મહેર કરી છે, એ તો ગામડાંમાં પહોંચે એટલે સમજાઈ જાય એવું છે.
