તમે બાગબગીચા કે ફૂલછોડ પર અનેક પ્રકારના કેટરપિલર જોયા હશે. બની શકે તેને તમે હાથ વડે સ્પર્શીને જોયું પણ હોય, પરંતુ આ બાગબગીચા અને ફૂલછોડ પર એક `ફાયર કેટરપિલર' પણ જોવા મળે છે. જેના સ્પર્શમાત્રથી જ કોઇપણ વ્યક્તિ બૂમ પાડી દે છે. આ કેટરપિલર દેખાવે તો સુંદર જણાય છે, કારણ કે, તેને ફરતે મખમલના કોટ જેવું આવરણ હોય છે, પરંતુ આ મખમલી કોટના આવરણ નીચે કાંટાથી ભરેલું કવચ જોવા મળે છે. જેને સ્પર્શ થતા જ તેના કાંટા આંગળીઓમાં ઘૂસી જાય છે. આ કાંટાનું દર્દ એટલું તીવ્ર હોય છે જાણે તમે સળગતા અંગારા પર હાથ મૂકી દીધો હોય છે. ફાયર કેટરપિલરનું દર્દ અને તેની બળતરા 12થી વધુ કલાક સુધી રહેતી હોય છે. ફાયર કેટરપિલરની રચના જ એવી હોય છે કે, તેનું માથું ક્યાં છે અને પૂંછડી ક્યા છે. તેની બનાવટ કોઇને પણ ગુમરાહ કરી દે છે. આ કેટરપિલર તેની ત્વચા(કાંચળી) પોતે જ ખાઇ જાય છે. અલબત્ત તે તેનું મળ પણ પોતાની જગ્યાથી ઘણું દૂર ફેંકી દે છે જેથી દુશ્મનોને તેની ભાળ ન મળે. પાંદડાઓ પર નિર્ભર રહેતા ફાયર કેટરપિલરથી દૂર રહેવામાં જ ભલાઈ છે.
તરવા માટે હાથની નહીં, હોંસલાની જરૂર છે
એવા ઘણા લોકો છે જેમને તરતા નહીં આવડતું હોય. તેમજ તે લોકો તરવાથી ડરતા હોય છે અથવા તો આળસ કરતા હોય છે, પરંતુ વિશ્વમાં એવા લોકો પણ છે જેને હાથ ન હોવા છતાં પણ તરી જાણે છે. એટલું જ નહીં તેઓ હાથ વગર તરવાનો ગિનીસ રેકોર્ડ પણ નોંધાવી લે છે. ઓસ્ટ્રેલિયાની કેરી-લી ગોકેલ નામની મહિલાને બે હાથ નથી તેમ છંતા તેણે 20 કિમીથી પણ વધુ તરીને દુનિયાના તૈરાકોને ચોંકાવી દીધી છે. ગોકેલને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની એક ખાસ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેરી-લી ગોકેલે તેમના ગૃહ રાજ્ય ક્વિન્સલેન્ડમાં કેપ્રિકોર્ન કિનારે સ્થિત ગ્રેટ કેપ્પેલ આઇલેન્ડ પર કુલ 20.4 કિલોમીટર (12.7 માઇલ)નું અંતર કાપ્યું હતું, તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની AA3 ક્ષતિ શ્રેણીમાં સૌથી લાંબા તરવા માટે માન્યતા આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ શ્રેણીમાં તરવૈયાઓને સ્વિમિંગ એડ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. નોંધનીય છે કે, કેરી-લી ગોકેલ `કંજેનિટલ અમેલિયા' નામની જન્મજાત બિમારીની કારણે હાથ વગર જ જન્મી હતી. તેમ છતાં તે તમામ મુશ્કેલ કામ કરી જાણે છે અને તેને લોકોએ `વિંગલેસ વોરિયર' નામ આપ્યું છે.
તમિલનાડુમાં સમુદ્રની નીચે દટાયેલું શહેર મળ્યું
તમિલનાડુ રાજ્ય પુરાતત્ત્વ વિભાગ અને ભારતીય મેરિટાઇમ યુનિવર્સિટીના સંશોધકોએ ચોલ રાજવંશના પ્રાચીન બંદર શહેર પુમ્પુહાર (કાવેરીપુમ્પટ્ટિનમ) નજીક સમુદ્રની નીચે ઐતિહાસિક પુરાવા શોધી કાઢ્યા છે. તમિલનાડુના દરિયાકાંઠે લગભગ બે કિલોમીટર દૂર સમુદ્રની ઊંડાઈમાં હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં પશ્ચિમ એશિયાઈ મૂળનો એક ટોર્પિડો જાર, ચાર ટેરાકોટા કુવાઓ અને આશરે 250 પ્રાચીન માટીકામના ટુકડા મળી આવ્યા હતા. પુમ્પુહાર, પ્રારંભિક ચોલ રાજાઓની સમૃદ્ધ રાજધાની અને વિશ્વનું મુખ્ય વેપાર કેન્દ્ર, સદીઓ પહેલાં એક વિશાળ સુનામીને કારણે ડૂબી ગયું હતું. આ નવી શોધ સાબિત કરે છે કે પ્રાચીન ચોલ સામ્રાજ્યના પર્સિયન ગલ્ફ (પશ્ચિમ એશિયા), રોમ, ગ્રીસ અને ચીન જેવા દેશો સાથે સીધા અને મજબૂત દરિયાઈ વેપાર સંબંધો હતા. આ ઐતિહાસિક શહેરનું વર્ણન પ્રખ્યાત તમિલ મહાકાવ્ય `સિલાપ્પટિકરમ' અને `મણિમેગલઈ'માં પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. આ શોધ ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને ચોલ કાળના અદ્યતન ઇજનેરીને સમજવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો