આપણે સામાન્ય રીતે હાથમાં સમાઇ જાય એટલા મોટા કે તેથી થોડા મોટા કરચલા જોયા જ છે, પરંતુ પૃથ્વી પર એવડા મોટા કરચલા પણ જોવા મળે છે.

જેના પગમાત્રની લંબાઈ એટલે કે, તેના એક છેડાના પંજાથી બીજા છેડાના પંજા સુધીનું અંતર 10થી 12 ફૂટ જેટલું હોય છે. અલબત્ત, આ કરચલાના પગ જ લાંબા જોવા મળે છે, પરંતુ તેનું શરીર સામાન્ય કરચલા જેટલું જ હોય છે. આ કરચલાને દૂરથી જોતાં જાણે સમુદ્રી રાક્ષસ હોય તેવો ભાસ ચોક્કસ થાય. આ કરચલા પ્રશાંત મહાસાગરમાં જાપાનની આસપાસના દરિયામાં વધુ જોવા મળે છે. જેને `જાપાનીઝ સ્પાઇડર ક્રેબ' તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ કરચલા સમુદ્રના અંદાજિત 50થી 600 મીટરના ઊંડાણે રહેતા હોય છે. તેઓ ખાસ કરીને ઠંડા પાણીમાં અથવા તો દરિયાઇ નાની-મોટી ગુફાઓમાં રહેતા હોય છે. નોંધનીય છે કે, આ કરચલાનો ઉપયોગ સી ફૂડ તરીકે પણ કરવામાં આવે છે. જોકે, આ કરચલાના પ્રજનનવાળા સમયગાળામાં તેના શિકાર પર સખત પગલાં લેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે જાપાનીઝ સ્પાઇડર ક્રેબ 100 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે!

પાલતુ બિલાડીના ગળામાંથી પટ્ટાની મુક્તિ

છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં RFID ઈમ્પ્લાન્ટની બોલબાલા વધી છે. જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકામાં એક માલિકની બિલાડી ખોવાઇ ગઇ હતી અને તે બિલાડી 11મા મહિને મળી ગઇ હતી. નોંધનીય છે કે, આ બિલાડી શોધવામાં RFID (Radio Frequency Identification) ટેક્નોલોજીએ પાયાની ભૂમિકા ભજવી હતી. આ કિસ્સો સાબિત કરે છે કે આધુનિક વિજ્ઞાન પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે કેટલું આશીર્વાદરૂપ છે. જ્યારે આ બિલાડી ગુમ થઈ, ત્યારે તેના માલિકે આશા છોડી દીધી હતી, પરંતુ 11 મહિના બાદ જ્યારે તે બિલાડી અન્ય કોઈને મળી ત્યારે તે બિલાડીને પશુ ચિકિત્સક પાસે લઈ જવામાં આવી હતી. આ દરમિયાન બિલાડીનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બિલાડીની ત્વચા નીચે ફિટ કરેલી એક નાનકડી RFID ચિપ મળી આવી હતી. આ ચિપમાં તેના માલિકનો મો. નંબર અને અન્ય વિગતો હતી. મૂળ RIFD ચોખાના દાણાથી સહેજ નાની માઇક્રોચિપ છે, જે ઇન્જેક્શન દ્વારા પ્રાણીના શરીરમાં મૂકવામાં આવે છે. તેમાં કોઈ બેટરી હોતી નથી. જ્યારે સ્કેનર તેની નજીક લાવવામાં આવે છે, ત્યારે રેડિયો તરંગો દ્વારા તે વિશિષ્ટ આઈડી કોડ પ્રસારિત કરે છે. આ ટેક્નોલોજી કાયમી ઓળખ પૂરી પાડે છે, જે ગળાના પટ્ટાની જેમ ક્યારેય તૂટી કે ખોવાઈ જતી નથી!

બે વર્ષના બાળકે સ્નૂકરનો રેકોર્ડ નોંધાવ્યો

આજકાલના બે વર્ષનાં બાળકોને નાના સમજવા મોટી ભૂલ છે. આ બાળકો ક્યારે કેવા કરતબ કરી શકે છે તેનો અંદાજ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આ નાનાં બાળકોમાં સ્ફૂર્તિ પણ જોવા મળે છે અને તેઓની મેન્ટલ હેલ્થ પણ એકદમ સરસ જોવા મળે છે. તેઓ કોઇ પણ વસ્તુ કે ગેમ જલદીથી શીખી જતાં હોય છે. જેને ધ્યાને લેતાં યુ.કે.માં રહેતા જૂડ નામના માત્ર બે વર્ષીય બાળકે સ્નૂકર રમતનો એવો રેકોર્ડ બનાવ્યો છે જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે. જૂડ સ્નૂકરમાં ડબલ પોટ બનાવનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે. ડબલ પોટ એટલે ક્યૂ બોલમાં માત્ર એક જ શોટ દ્વારા બે બોલને અલગ અલગ કાણામાં નાખવામાં આવે છે. જૂડ ફ્લોટિંગ બ્રિજ જેવા મુશ્કેલથી મુશ્કેલ જણાતા શોટ પણ સરળતાથી મારી લે છે. ઉલ્લેખનીય છે કે, તેના પિતા લ્યૂકે તેને સંપૂર્ણ ટ્રેનિંગ નાનપણથી જ આપી હતી, જે માટે તેમણે નાનુ સ્નૂકર ટેબલ પણ બનાવ્યુ હતું. જેમાં જૂડને પ્રેક્ટિસ સાથે થોડી મસ્તી પણ કરાવડાવામાં આવતી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો