તમે કઈ રીતે મરવાનું પસંદ કરશો? જો પસંદગીની તક મળે તો તમે કેટલા વર્ષ સુધી જીવવાનું પસંદ કરો? જો તમને ભવિષ્ય જોતા આવડી જાય તો તમે આવનારા સંકટને અગાઉથી જ જાણી લો અને એ સંકટનો સચોટ ઉપાય આજથી જ શોધવા માંડો, ખરું ને?

ના, ખોટું. આપણને બધાને ખબર જ છે કે ભવિષ્યમાં શું થવાનું છે, તેમ છતાં આપણે એ રીતે જ જીવતા રહીએ છીએ કે જાણે મૃત્યુ કદી આવવાનું જ નથી! કેન્સર સહિતની બીમારીઓ અને પ્રદૂષણ વિશે પાકી માહિતી હોવા છતાં આપણે આપણી જીવનશૈલી બદલવા રાજી નથી.

સિક્કાની બીજી બાજુ વળી સાવ વિપરીત છે. આપણને ભવિષ્યના સંકટની પરવા ભલે ન હોય, પણ ભવિષ્ય જાણવામાં આપણને બધાને ભારે રસ હોય છે. એટલે જ તો દિવાળીમાં તમામ છાપાંઓ તમારું આવનારું વર્ષ કેવું જશે એ વિશે પાનાંઓ ભરી ભરીને લેખો છાપે છે. તો ચાલો આજે આખી પૃથ્વીના ભવિષ્યની વાત કરીએ.

એક ચોખવટ. અહીં વાત વ્યક્તિગત નહિ, પણ આખી પૃથ્વીના - એટલે કે એક ગ્રહ તરીકેના પૃથ્વીના ભવિષ્યની છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આ આખી પૃથ્વીનું `મોત' (એટલે કે પૃથ્વીના ગોળાનો જીવસૃષ્ટિ સહિત વિનાશ) ક્યારે થશે? કેટલાક માને છે કે પૃથ્વીવાસીઓ આઈસએજ-હિમયુગની ટાઢમાં ઠૂંઠવાઈને મરશે. બીજા કેટલાક માને છે કે સૂર્યની ગરમી જીવસૃષ્ટિનું નિકંદન કાઢી નાખશે. મનુષ્યજન્ય ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે ચવાઈને ચૂંથો થઇ ગયેલી ચર્ચા અહીં નથી કરવી.

એક સ્પષ્ટતા આપણે કેળવી લેવી જોઈએ. ગ્લોબલ વોર્મિંગને કારણે માનવજાતના અસ્તિત્વ સામે ખતરો ઊભો થશે એ નક્કી છે, પણ એનાથી આખેઆખો પૃથ્વી ગ્રહ નાશ નહિ પામે. કદાચ માનવજાત પાસે રહેલાં તમામ અણુશસ્ત્રો એકસાથે ફોડી નાખવામાં આવે તો મનુષ્ય સહિતની અનેક પ્રજાતિઓનું નિકંદન નીકળી જાય એમ બને, પણ દોઢ-બે સદીમાં પૃથ્વીનો ગોળો ફરી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી દેશે. ભૂતકાળમાં મોટી ઉલ્કાઓ ટકરાઈ અને ડાયનોસોર જેવી પ્રજાતિ નાશ પામી, પણ એ પછીય પૃથ્વી તો ટકી જ રહી, એટલું જ નહિ, પણ માનવજાત અસ્તિત્વમાં આવી અને પૃથ્વી આજેય અડીખમ છે. સો ફ્રેન્ડ્સ, ગ્લોબલ વોર્મિંગ કે જાતજાતનાં ઊલટાં સીધાં હથિયારોથી આપણને ખતરો છે, નહિ કે પૃથ્વી ગ્રહને. તો પૃથ્વીને શાનાથી ખતરો છે?

પૃથ્વીના ગ્રહને સૌથી મોટો અને વાસ્તવિક ખતરો સૂર્યની વધતી ઉંમરથી છે. જેમ જેમ સૂરજ ઘરડો થઇ રહ્યો છે, તેમ તેમ એ પૃથ્વીને ગળી જવા માટે `ધસી' રહ્યો છે.

આપણે જાણીએ છીએ કે સૂર્ય પણ એક મસમોટો તારો (star) છે. આપણા સૌરમંડળના કેન્દ્રમાં રહેલ સૂર્ય હાઈડ્રોજન અને હિલિયમ વાયુઓનો બનેલો છે. આપણે જાણીએ છીએ કે પદાર્થના મુખ્યત્વે ત્રણ સ્વરૂપો હોય છે - ઘન, પ્રવાહી અને વાયુ, પણ આ ઉપરાંત એક ચોથું સ્વરૂપ પણ છે, જે `પ્લાઝમા' તરીકે ઓળખાય છે. વાયુઓને અતિશય ગરમ કરવામાં આવે (superheated ionized gas) ત્યારે એ પ્લાઝમા સ્વરૂપે પહોંચે છે. સૂર્યના બંધારણમાં જવાબદાર હાઈડ્રોજન અને હિલિયમ વાયુઓ પણ પ્લાઝમા સ્વરૂપે રહેલા છે.

હવે સમજીએ રેડ જાયન્ટ ફેઝ (Red Giant Phase) વિશે. રેડ જાયન્ટ ફેઝ એ સૂર્ય જેવા તારાઓના વિકાસનો એક ચોક્કસ તબક્કો છે, જ્યારે તેના કેન્દ્રમાં રહેલ હાઇડ્રોજનનો જથ્થો બળીને હિલિયમમાં રૂપાંતરિત થઈ જાય છે. હાઈડ્રોજનનું પ્રમાણ ઘટતાં તારાના કેન્દ્રમાં સતત ચાલતી રહેતી ફ્યુઝનની પ્રક્રિયા મંદ પડે છે. આ તબક્કે કેન્દ્રીય વિસ્તાર ગુરુત્વાકર્ષણબળની અસર હેઠળ સંકોચાવાની શરૂઆત કરે છે. આના પરિણામે તારાના તાપમાન અને દબાણમાં પણ મોટો વધારો થાય છે. આ તો તારાના કેન્દ્રની પરિસ્થિતિ અંગે વાત થઇ, પરંતુ આ પરિસ્થિતિ દરમિયાન પણ કેન્દ્રની આસપાસ આવેલા વિસ્તારમાં તો હાઈડ્રોજન ફ્યુઝન ચાલુ જ રહે છે. જેના કારણે તારાનું કેન્દ્ર સંકોચાતું હોવા છતાં એના બાહ્ય આવરણનું વિસ્તરણ થાય છે. આ દરમિયાન બાહ્ય આવરણનું તાપમાન ઘટે છે અને એ લાલ રંગનું દેખાય છે. આમ, વધતી ઉંમર સાથે તારો વિસ્તરે પણ છે અને લાલ રંગનો પણ થઇ જાય છે. એટલે તારાની આયુના આ ફેઝને `રેડ જાયન્ટ ફેઝ' તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન એ છે કે કોઈ તારો વિસ્તરણ પામીને ફુગ્ગાની જેમ ફૂલે તોય કેટલુંક ફૂલે? વૈજ્ઞાનિક ગણતરીઓ મુજબ સૂર્ય જેવો તારો ફૂલીને પોતાના મૂળ કદ કરતાં સો ગણો અથવા હજાર ગણો મોટો થઇ શકે છે! અને આ જ તો છે પૃથ્વીના ગોળા સામેનું સૌથી મોટું જોખમ! જો સૂર્ય વિસ્તરણ પામીને બસો-પાંચસો ગણો મોટો થઇ જાય તો

આપણી પૃથ્વી બિચારી ભસ્મીભૂત થઇ જાય!

હવે મુદ્દાની વાત. સૂર્યની ઉંમર કેટલી? સૂર્ય ક્યારે વિકરાળ `રેડ જાયન્ટ' સ્વરૂપે પહોંચશે? એક અંદાજ મુજબ આપણો સૂર્ય અત્યારે 4.6 અબજ વર્ષની આયુએ પહોંચ્યો છે. (એટલે જ તો આપણે `સૂરજદાદા' કહીએ છીએ) હજી બીજાં ચાર-પાંચ અબજ વર્ષ પછી આપણા આ દાદાજીના મગજનો બાટલો ફાટશે અને એ ગુસ્સાથી લાલઘૂમ થઈને રેડ જાયન્ટ ફેઝમાં પ્રવેશ કરશે.

થેન્ક ગોડ, આપણી આવનારી સો-દોઢસો પેઢીઓ સુધી તો કોઈ વાંધો આવે એમ નથી, પણ એટલું યાદ રાખજો કે અહીં વાત પૃથ્વીના ગ્રહની થઇ રહી છે. માનવજાત પાસે એટલો સમય નથી હોં.