લતા મંગેશકરનાં તમામ ગીતોમાંથી કોઈ એક સૌથી શ્રેષ્ઠ ગીતને પસંદ કરવું અઘરું છે. એવું ખુદ લતાજી કરી શક્યાં નહોતાં, તો આપણે કેવી રીતે કરી શકીએ. બહુ બહુ તો આપણે પાંચ-પંદર ગીતોનું એક લિસ્ટ બનાવી શકીએ, જે તેમનાં સર્વશ્રેષ્ઠ ગીતો કહેવાય. એમાં એક ગીત અચૂક હોય :
અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ યે મંજિલેં હૈ કૌન સી, ના વો સમઝ સકે, ના હમ
1960માં આવેલી ફિલ્મ `દિલ અપના પ્રીત પરાઈ'નું આ ગીત એટલું કાવ્યાત્મક અને સુરીલું છે કે તેની સાથે સંગીતનાં કોઈ સાધનો વાગતાં ન હોય તો પણ તે કાનોમાં એટલું જ મધુર લાગે છે. લતાજી તે વખતે તેમની કારકિર્દીની ઊંચાઈ પર હતાં અને તેમણે બહુ લગનથી તે ગાયું હતું.
હિન્દી ફિલ્મોમાં બહુ ઓછાં ગીતો છે જેમાં ગાયક કલાકાર ગીત પર એવા છવાઈ જાય કે તેના સંગીત કે સંગીતકારને તમે ભૂલી જાવ. `અજીબ દાસ્તાં' એ પ્રકારનું ગીત છે. તેના ખૂબસૂરત બોલ અનઅનુકરણીય હસરત જયપુરીએ લખ્યા હતા અને તેને સંગીતબદ્ધ કર્યું હતું શંકર-જયકિશને (જોકે, ગીત સાંભળ્યા પછી એવું લાગે કે તેમાં સચિન દેવ બર્મનનો સ્પર્શ છે). શંકર-જયકિશને માત્ર ગિટાર અને કોરસનો ઉપયોગ કરીને ગીત સૂરબદ્ધ કર્યું હતું. લતાજી બંને પર ભારે પડ્યાં હતાં.
મજાની(?) વાત એ છે કે આ ફિલ્મનું ગીત `શીશા-એ-દિલ ઇતના ના ઉછલો' તેની અંદર `ઉછલો' શબ્દના કારણે ઓલ ઇન્ડિયા રેડિયો પર નહીં વગાડવાનો એક સરકારી હુકમ થયો હતો. તે વખતે રેડિયો પર ગીતોની વિનીલ રેકોર્ડ વાગતી હતી. આ ગીતની રેકોર્ડની બીજી બાજુ `અજીબ દાસ્તાં' ગીત હતું. ભૂલ એ થઇ કે `શીશા-એ-દિલ' પર `નોટ એપ્રૂવડ' સ્ટિકર લગાડવાનું હતું, તે ભૂલથી બીજી બાજુ લાગી ગયું અને ઘણાં વર્ષો સુધી `અજીબ દાસ્તાં' ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રતિબંધિત રહ્યું અને `શીશા-એ-દિલ' વાગતું રહ્યું.
બિનાકા ગીતમાલાવાળા અમીન સયાનીએ આ કિસ્સો ટાંક્યો હતો.
આમ પાર્ટી ગીત છે, પરંતુ તેમાં એક પ્રકારની ઉદાસી છે. ફિલ્મમાં તે એક બોટમાં શૂટ કરવામાં આવ્યું હતું. હીરો રાજ કુમાર અને નાદિયાનાં નવાં લગ્ન થયાં છે અને બોટમાં તેના જશ્ન રૂપે મીના કુમારી આ ગીત ગાય છે (સફેદ સાડી, મોટા ચાંલ્લા અને અંબોડામાં મીના કોઈ દેવી જેવી
દેખાતી હતી).
નવપરિણીત યુગલ ખુશ છે, પણ મીના દુઃખી છે. કેમ? કારણ કે તેને રાજ કુમાર સાથે પ્રેમ હતો. સુશીલ વર્મા (રાજ કુમાર) તેના પિતાના મિત્રની નાણાકીય સહાયથી ડોક્ટર બને છે અને શિમલાની હોસ્પિટલમાં નોકરી કરતો હોય છે.
ત્યાં કરુણા (મીના કુમારી) નામની નર્સ નોકરીમાં જોડાય છે અને એક ઇમરજન્સીમાં ડો. સુશીલને મળે છે. મળતાંવેંત બંને વચ્ચે કૂણી લાગણી પેદા થાય છે, પરંતુ તેઓ તેના પર નિયંત્રણ જાળવી રાખે છે. બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ થાય તેવા બીજા પ્રસંગો પણ બને છે, પરંતુ સુશીલની માતા કાશ્મીરના પ્રવાસ દરમિયાન ત્યાં રહેતી પારિવારિક મિત્રની દીકરી કુસુમ (નાદિરા) સાથે પુત્રનાં લગ્ન ગોઠવી દે છે, જેની મદદથી તે ડોક્ટર બન્યો હતો.
તેઓ શિમલા પાછા આવે છે અને જ્યારે કરુણાને આ ખબર પડે છે ત્યારે તે પડી ભાંગે છે. જોકે, દુઃખને છુપાવીને તે સુશીલ અને તેના પરિવાર સાથે મિત્રતા જાળવી રાખે છે. થોડા સમયમાં જ કરુણા પ્રત્યે સુશીલના સવિશેષ કૂણા વ્યવહારથી પત્ની કુસુમમાં ઈર્ષ્યા પ્રગટે છે. તે ઘરમાં ખટરાગ પેદા કરે છે અને સુશીલ, તેની માતા અને તેની બહેન સાથે દુર્વ્યવહાર કરે છે. અંતે થાકેલો-કંટાળેલો સુશીલ કુસુમને ઘરમાંથી કાઢી મૂકે છે. કુસુમ પાછી કાશ્મીર જતી રહે છે.
સુશીલની માતાને હવે તેમની ભૂલનો અહેસાસ થાય છે કે તેમણે સુશીલનાં લગ્ન કુસુમ સાથે નહીં, પણ કરુણા સાથે કરવાં જોઈતાં હતાં. જોકે, હવે એમાં મોડું થઇ ગયું છે અને પતિ-પત્નીના ઝઘડામાં પોતે નિમિત્ત બની છે એવું ભાન થતાં કરુણા ડો. સુશીલની હોસ્પિટલ છોડીને બીજી હોસ્પિટલમાં નોકરી શોધી લે છે.
બીજી બાજુ કુસુમને તેના અપમાનનો બદલો કરુણા પાસેથી લેવો હોય છે. એટલે તે કરુણાને મારી નાખવાનો કારસો ઘડે છે. સુશીલને તેની જાણ થઇ જાય છે અને તે કરુણાને બચાવવા માટે કુસુમનો પીછો કરે છે. એમાં કુસુમ એક પહાડી પરથી પડીને મૃત્યુ પામે છે. અંતે સુશીલ અને કરુણાનું પુનઃ મિલન થાય છે.
`દિલ અપના પ્રીત પરાઈ' નિ:શબ્દ પ્રેમની કહાની હતી. 60ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં ડોક્ટર-નર્સનો રોમાન્સ લોકપ્રિય વિષય હતો. મીના કુમારીની `પાકીઝા' ફિલ્મમાં 15 વર્ષ અટવાઈ પડેલા તેના શોહર અને નિર્માતા-નિર્દેશક કમાલ અમરોહીએ તે વચ્ચે આ નાના બજેટની ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. તેનું નિર્દેશન તેમણે કુમાર સાહુને સોંપ્યું હતું.
જ્યારે કિશોર સાહુએ તેમની વાર્તા પરથી `દિલ અપના ઔર પ્રીત પરાઈ' બનાવવાનું નક્કી કર્યું, ત્યારે ઘણા નિર્માતાઓને ત્રિકોણીય પ્રેમકથા પસંદ ન આવી. તેમણે કહ્યું કે સમાજ એક સમૃદ્ધ છોકરી સાથે લગ્ન કર્યા પછી ડૉક્ટર હીરોના તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ નર્સ સાથેના સંબંધને સ્વીકારશે નહીં.
અભિનેતા, નિર્દેશક અને નિર્માતા તરીકે કિશોર સાહુ (`ગાઈડ' ફિલ્મનો શિલ્પકાર માર્કો યાદ છે?) તે વખતે મોટું નામ હતું. તેમની એક ફિલ્મ `મયૂરપંખ' આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી હતી. સાહુએ `દિલ અપના ઔર પ્રીત પરાઈ' પોતાની રીતે બનાવી હતી. અમરોહી તેનાથી ખુશ નહોતા. તેઓ વાર્તામાં કેટલાક ફેરફારો માટે દબાણ કરતા રહ્યા, જે કિશોર સાહુને મંજૂર નહોતા. અકળાયેલા કમલ અમરોહીએ ફિલ્મના પોસ્ટર પર પોતાનું નામ નહોતું મૂક્યું.
ફિલ્મ સુપરહિટ સાબિત થઇ. મીના કુમારી, રાજ કુમાર અને નાદિરાનો અભિનય છે, શંકર-જયકિશનનું સંગીત અને શૈલેન્દ્ર અને હસરત જયપુરીનાં ગીતોએ થિયેટરોમાં પૈસાની ટંકશાળ પાડી હતી. `અજીબ દાસ્તાન'ની સાથે ટાઈટલ `દિલ અપના પ્રીત પરાઈ', `મેરા દિલ અબ તેરા ઓ સજના' અને `શીશા-એ-દિલ ઇતના ના ઉછલો' આખા દેશમાં ગુંજતાં હતાં.
આ પડઘો ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં વધુ તીવ્રતાથી પડ્યો હતો. તે વર્ષે શંકર-જયકિશને `મુઘલે-આઝમ' માટે નૌશાદને પછાડીને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ લીધો હતો. અમરોહીએ કહ્યું હતું કે ફિલ્મ સફળ થઇ તો તે સાહુને એક કાર ભેટમાં આપશે.
કિશોર સાહુએ `માય ઓટોબાયોગ્રાફી'માં લખ્યું છે, `આજ સુધી આ ભેટ મળી નથી.' પછી એવું બન્યું કે `દિલ અપના ઔર પ્રીત પરાઈ' જોવા માટે થિયેટરોમાં ભીડ વધતી રહી અને પછીથી તેનાં પોસ્ટરો પર નિર્માતા કમલ અમરોહીનું નામ પણ દેખાવા લાગ્યું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
