ભગીરથનું કહેવું સાંભળી રમ્યાને ભારે નવાઇ લાગી હતી. એક ક્ષણે એવું પણ થઇ આવ્યું હતું: આ માણસ હજુ અઢારમી સદીમાં જીવે છે. આની સાથે મેરેજ કરી પસ્તાવા સિવાય કંઈ પામવાનું રહેશે નહીં, પણ એવા મુકામ પર આવીને ઊભાં રહ્યાં હતાં કે ત્યાંથી પાછાં ફરવું સહેલું નહોતું. પછી ગુસ્સા સાથે કહ્યું હતું : `તું કઈ સદીની વાત કરી રહ્યો છે?' તુચ્છકારથી આગળ બોલી હતી : `આ એઆઇના યુગમાં તું ખાદી ને રેંટિયાની વાત કરે છે, મને દયા આવે છે તારા ડર્ટી વિચાર પર.' ભગીરથ હસવા લાગ્યો હતો.
રમ્યા સમજતી હતી, વિવાદથી વાત વકરે એવું ઈચ્છતી નહોતી. વિદ્યાપીઠનો મેઈન ગેટ ઓળંગી અબોલપણે ચાલતાં રહ્યાં હતાં.
પછી પાછી રમ્યાએ વાત શરૂ કરી હતી : `તું કહે છે પણ ગાંધી અને તેમના વિચારો આજે કેટલા પ્રસ્તુત છે?' સામે ભગીરથે કહી દીધું હતું: `અમલમાં મૂકો એટલા પ્રસ્તુત છે!' પછી આગળ જણાવ્યું હતું : `આજે રેંટિયા બારસ છે, મેરેજ માટેનાં કપડાં ખાદીનાં લઈએ તો એ વિચારની પ્રસ્તુતતા ગણાય કે નહીં?'
`મેરેજનાં કપડાં ખાદીનાં?' રમ્યા રીતસરની ચિત્કારી ઊઠી હતી. પછી શ્વાસ ઘૂંટીને બોલી હતી: `તું પાગલ છે કે પાગલ થવામાં છે?' સામે ભગીરથ હસવા લાગ્યો હતો. તેના હોઠે આવીને શબ્દો લટકી પડ્યા હતા: `પાગલ સિવાય આ જમાનામાં મેરેજ કરે કોણ ને એ પણ તારા જેવી ફટકેલ છોકરી સાથે?'
એક બાંકડા પર બેઉએ બેઠક લીધી હતી. રોડ પરનો વાહન પ્રવાહ અવિરતપણે વહેતો હતો. એકધારું જોતાં રહો, સમય ક્યાં પસાર થઇ જાય તેની ખબર રહે નહીં, પણ બેઉ જોતાં ને વિચારતાં રહ્યાં હતાં.
મૂળ તો વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ. માસ કોમ્યુનિકેશનનો માસ્ટર કોર્સ કરી, પત્રકારત્વની દુનિયામાં પ્રવેશ્યાં હતાં. હવે સાંસારિક માયાજાળમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. બેઉ જાણતાં હતાં, આજકાલ મેરેજ લાઇફ તકલાદી ને તકલાદી બનતી જાય છે. મેરેજનું આલ્બમ આવે એ પહેલાં ડિવોર્સની નોબત આવીને ઊભી રહે છે. ગેરંટી ને વોરંટી બેઉ એની વેલિડિટી ગુમાવી બેઠા છે, પણ પેલી કહેવત જેમ, લગ્ન એ લાકડાના લાડું છે, ખાય તે પસ્તાય ને ન ખાય તે પણ પસ્તાય. તો પછી ખાઈને પસ્તાવું શું ખોટું છે.
`તો સાંભળ.' રમ્યાએ કહ્યું હતું: `કોઈએ ગાંધીજીને કહ્યું હતું, ભારતનાં ગામડાં સમજવાં હોય તો પહેલાં ગામડાના માણસના હાથમાં શું છે એ જોવું પડે.' ભગીરથે વાતને ઝડપી ને જકડી લીધી હતી: `અને હાથમાં રેંટિયો અપાવ્યો, કારણ કે આઝાદીની લડત માટે ગામડાના માણસ પાસે નહોતી કલમ કે નહોતી બંદૂક. હતી તો માત્ર મહેનત અને મહેનતને રાષ્ટ્રસેવામાં ફેરવવાનું સાધન હતું રેંટિયો.' પછી રમ્યા કહે: `સાંભળ, સાંભળ. આ રેંટિયો અમારા ગામ વિજાપુરનાં ગંગાબહેને શોધી આપ્યો હતો.'
ગાંધીજીની ગણતરી હતી, દરેક હાથને કામ મળવું જોઈએ. તેમાં રેંટિયો એ માત્ર સૂતર કાંતી કાપડ વણવાનું સાધન નહોતું, પણ રોજગાર સાથે વિદેશી કાપડનો બહિષ્કાર અને સ્વદેશી કાપડના સ્વીકારનો
વિચાર હતો. તેમાં પોતાના હાથ પર વિશ્વાસની શક્તિ દેખાતી હતી. ગાંધીજી નિયમિત રેંટિયો કાંતતા હતા.
`ગાંધીજીના વખતનું ને અત્યારનું ગામડું જો, જમીન-આસમાન જેવો તફાવત છે.' રમ્યા આક્રોશ સાથે બોલી હતી : `ખાલી ખંડેરો સિવાય કંઈ રહ્યું નથી. માણસો શહેરમાં વસવા લાગ્યા છે ને તું એ વિચારને વળગી રહ્યો છો?' તો સામે સાવ શાંતિથી ભગીરથ બોલ્યો હતો : `પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, સૌ કોઇએ સ્વી કારવો રહ્યો.' બચાવમાં રમ્યા બોલી ઊઠી હતી : `મારું પણ એ જ કહેવાનું છે, દરેક વ્યક્તિએ સમય ને પરિસ્થિતિ પ્રમાણે બદલાવું પડે.' પછી ઊભાં થઇ, મોં મચકોડતી બોલી હતી : `વાતોનાં વડાંથી પેટ નહીં ભરાય, મને ભૂખ લાગી છે, ક્યાંક ઢોંસા ખાવા લઇ જા.' તો ભગીરથ કહે : `ઠોંસા ખાવા ગમ્યા નહીં કાં?'
પેટપૂજા કર્યા પછી બેઉ વિદ્યાપીઠની વિશાળ લાઇબ્રેરીમાં બેઠાં હતાં. મૂળ મુદ્દો મેરેજ કરવાનો હતો.
`તદ્દન સાદાઈથી ને કોઈએ કર્યા ન હોય એવી રીતે મેરેજ કરવા છે.' કહી રમ્યા સામે નોંધ માંડી હતી : `તેમાં ખાદીનાં કપડાં પણ આવી જાય!' રમ્યા કંઈ ન બોલી એટલે ભગીરથે ભડાકો કર્યો હતો : `આપણે આટલી વાતમાં પણ એક થઇ ન શકતાં હોઈએ તો મેરેજ સુધી પહોંચવાની જરૂર નથી' કહી તે ઊભો થઇ ગયો હતો. રમ્યાએ છટક્યા વગર અટક્યા પછી જણાવ્યું હતું : `ખાદી વસ્ત્ર નથી પણ વિચાર છે. એમ મારો વિચાર છે.' રમ્યા ભગીરથની લગોલગ ઊભી રહી હતી : `મેં ના નથી પાડી. મેં પણ મારો વિચાર જ કહ્યો છે.'
પછી બેઉનું સ્મિત એકમેકમાં ઓગળી ગયું હતું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો