વર્ષાઋતુની સમાપ્તિ એટલે શીત કાળની ઋતુઓનો પ્રારંભ. શીતકાળની ઋતુઓ ત્રણ છે: શરદ, હેમંત અને શિશિર, જે ક્રમશ: આસો માસથી શરૂ થાય છે. આસો અને કારતક એ બે શરદઋતુના મહિના છે. આ શરદઋતુથી જ ગુલાબી ઠંડીનો પ્રારંભ થાય છે.
શરદઋતુ એ પિત્ત પ્રકોપની ઋતુ છે. આ પ્રકુપિત થયેલા પિત્તની શાંતિ માટે જ આપણે શરદપૂનમની શીતળ ચાંદનીમાં દૂધ-પૌંઆ ખાઈએ છીએ. આ દૂધ-પૌંઆ અને ખીર જેવાં પરમ પિત્તશામક આહારદ્રવ્યો છેક શ્રાદ્ધ પક્ષથી લઈને દેવ દિવાળી સુધી ખાવાં જોઈએ. દૂધ, ભાત અને સાકર આ ત્રણે દ્રવ્યો પિત્તશામક છે અને એ ત્રણેમાંથી જ દૂધ-પૌંઆ અને ખીર બને છે.
શરદઋતુમાં પ્રકુપિત થયેલા પિત્તના નિકાલ માટે વિરેચન કર્મ એ ઉત્તમ શોધન ક્રિયા છે. એટલે આ ઋતુમાં દર અઠવાડિયે એકાદ વખત સ્વાદિષ્ટ વિરેચન જેવાં ઔષધોથી હળવો જુલાબ લેવો જોઈએ. આ રીતે પિત્તની શાંતિ અને શુદ્ધિ થવાથી પૈતિક વ્યાધિઓની ઉત્પત્તિ થતી નથી.
આયુર્વેદ શીતકાલીન ત્રણે ઋતુ (શરદ, હેમંત અને શિશિર)માં નિયમિત અભ્યંગ(માલિશ) કરવાની સૂચના આપે છે. એટલે ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે શરદઋતુથી જ માલિશની શરૂઆત કરવી જોઈએ. જેમને વજન વધારવું હોય, તેમણે તો સમગ્ર શીતકાળમાં નિયમિત માલિશ કરવી જોઈએ, પરંતુ અહીં એક બાબત યાદ રાખો કે પરસેવો વળી જાય એટલો યથાશક્તિ વ્યાયામ કર્યા પછી જ માલીશ કરવી. જેઓ દુર્બળ હોય અને વ્યાયામ ન કરી શકે તેમ હોય, તેમણે સવારે ઠંડા પહોરમાં અથવા રાત્રે ચાંદનીમાં પગપાળા ફરવા જવું જોઈએ.
દરેક પ્રકારની કસરત માટે પણ શીતકાલીન આ ત્રણ ઋતુઓ સર્વોત્તમ છે. એમાં વેઇટ ટ્રેનિંગ અને કુસ્તી જેવા ભારે વ્યાયામોથી લઈને પ્રાણાયામ, સૂર્યનમસ્કાર અને સમાધિ જેવી વ્યાયામની હળવી રીતોનો સમાવેશ થાય છે. સ્ત્રીઓ માટે આ ઋતુમાં દોરડા કૂદવા, એરોબિક્સ કે ગરબે ઘૂમવું, ચાલવા જવું, સૂર્યનમસ્કાર અને પ્રાણાયામ જેવા હળવા પ્રકારો અત્યંત લાભદાયક છે.
પ્રાત:કાળે દ્રાક્ષનું પાણી અથવા એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને બે-ત્રણ ચમચી મધ મેળવીને પીવાથી પિત્તની શાંતિ થાય છે તથા સમગ્ર પાચનતંત્ર ઉત્તેજાય છે.
આહારમાં ખીર, રોટલી, ભાત, સાકર, ફોતરાંવાળી મગની દાળ, ગાયના દૂધ અને ઘી વગેરે લેવાં હિતાવહ છે. ચીકુ, સીતાફળ, કેળાં, સફરજન, શેરડી, દ્રાક્ષ, શિંગોડાં, આમળાં, હરડે, સૂંઠ, ધાણા, જીરું, હળદર, મેથી, લવિંગ, કિસમિસ, વરિયાળી, નાળિયેર, દૂધી, કારેલાં, કોબીજ, પરવળ, સૂરણ વગેરે લઇ શકાય.
આ ઋતુમાં આહારમાં થુલાવાળા લોટની રોટલી, ફોતરાંવાળી દાળ, ખીર, દૂધપાક અથવા દૂધપૌંઆ, દાળ-ભાત વગેરે પચવામાં હળવાં, પિત્તશામક અને પૌષ્ટિક આહારદ્રવ્યો પ્રયોજવાં જોઈએ.
મરચાં, અથાણાં, ફરસાણ (દિવાળી સમયે આરોગવામાં આવતા નાસ્તાનું ખાસ ધ્યાન રાખવું), રીંગણ, લસણ, તલ, મેંદાની ચીજો અને દહીં આહારમાં લેવા નહીં.
આ રીતે આયુર્વેદીય ઋતુચર્યાનું પાલન કરવાથી `શતમ્ જીવેમ શરદ:' સો શરદઋતુ સુધી જીવી શકાય છે.