જો તમે આ વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલી પરેડ ધ્યાનપૂર્વક જોઈ હશે, તો એક વિશિષ્ટ પ્રકારના હથિયાર તરફ તમારું ધ્યાન અવશ્ય ગયું હશે.

આ હથિયાર એટલે Long Range Anti-Ship Hypersonic Missile (LR-AShM). આમ તો આ મિસાઈલના નામ પરથી જ એનું કામ સમજાઈ જાય એવું છે. પરેડ દરમિયાન આ હાઇપરસોનિક મિસાઇલને લોન્ચર સહિત પ્રદર્શિત કરવામાં આવી. એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રમાં મિસાઇલની સ્પીડ મુખ્યત્વે માક (Mach) એકમમાં માપવામાં આવે છે. આ એકમને માક નંબર કહેવાય.

માક 1 (Mach 1) એટલે ધ્વનિની ગતિ જેટલી સ્પીડ. ધ્વનિની ગતિ સામાન્ય તાપમાને હવામાં લગભગ 1,235 કિમી/કલાક હોય છે. એ હિસાબે Mach 2 એટલે ધ્વનિની ગતિ કરતાં બમણી સ્પીડ (લગભગ 2,470 કિમી/કલાક) અને Mach 3 એટલે ધ્વનિ કરતાં ત્રણ ગણી સ્પીડ! LR-AShMની ઝડપ Mach 5 કરતાં વધુ હોવાને કારણે એને `હાઈપર સોનિક' કહેવાય. 1500 km સુધીની રેન્જ ધરાવતી LR-AShM મિસાઈલના નિર્માણ સાથે જ ભારત અવાજ કરતાં વધુ ઝડપે ગતિ કરતી હાયપર સોનિક મિસાઈલ ક્લબમાં પ્રવેશ્યું છે અને અમેરિકા, રશિયા તેમજ ચીન જેવા બળિયાઓની બરાબરી કરી છે. LR-AShMની બનાવટનું સઘળું શ્રેય DRDOને આપવું પડે.

DRDO એટલે કે `ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન' એ ભારત સરકારની એવી એજન્સી છે, જે ભારતીય સશસ્ત્ર દળો માટે અદ્યતન ડિફેન્સ ટેક્નોલોજી અને સિસ્ટમ્સ વિકસાવવાનું કામ કરે છે. વિશ્વની મહાસત્તાઓએ અદ્યતન શાસ્ત્રો તરફ દોટ મૂકી છે ત્યારે આપણી સ્વદેશી સંસ્થા DRDO શું પ્લાન કરી રહી છે, એ જાણવું રસપ્રદ થઇ રહેશે. વર્ષ 2026 દરમિયાન DRDO અનેક મહત્ત્વાકાંક્ષી અને અદ્યતન પ્રોજેક્ટ્સ પર સક્રિયપણે કામ કરી રહ્યું છે. ઉપર જેની વાત કરી એ લોંગ રેન્જ એન્ટિ-શિપ હાઈપર સોનિક મિસાઈલ આવા જ એક પ્રોજેક્ટ કુશનું પરિણામ છે.

મિશન `સુદર્શન ચક્ર' અને `પ્રોજેક્ટ કુશ'

જ્યારે યુદ્ધ ફાટી નીકળે ત્યારે દુશ્મનો દ્વારા હવાઈ હુમલાનું જોખમ સતત તોળાતું રહે છે. દુશ્મનો હંમેશાં એવા સ્ટેલ્થ ફાઇટર પ્લેન્સ દ્વારા હુમલો કરવાનું પસંદ કરતા હોય છે, જે રડારથી બચી શકે. પરિણામે આપણે છેલ્લે સુધી હવાઈ હુમલાથી અજાણ રહીએ અને ભારે નુકસાની વેઠવાનો વારો આવે. એ ઉપરાંત ક્રૂઝ મિસાઇલ્સ, ડ્રોન્સ અને બેલિસ્ટિક મિસાઇલ્સ વડે પણ હવાઈ હુમલાઓ થઇ શકે છે. આવા ઘાતક હુમલાઓ યુદ્ધના પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. સાંપ્રત સમયમાં એ જ દેશ યુદ્ધમાં પોતાનો હાથ ઉપર રાખી શકે, જે દુશ્મન પર હુમલાઓ કરવાની સાથે જ પોતાની ભૂમિ પર થનારા હવાઈ હુમલાઓને ખાળી શકવાની ટેક્નોલોજી પણ ધરાવતો હોય! ભારતીય દળોએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ આદરેલું ઓપરેશન સિંદૂર તો તમને યાદ હશે જ. આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને બરાબર ખોખરું કરી નાખ્યું. જવાબમાં પાકિસ્તાને પણ ભારતીય વિસ્તારો ઉપર અનેક ડ્રોન હુમલાઓ કરેલા, પણ પાક. સેનાને ધારી સફળતા ન મળી. એનું કારણ હતું આપણી S-400 સંરક્ષણ સિસ્ટમ. આ સિસ્ટમ આપણે રશિયા પાસેથી આયાત કરેલી છે.

S-400 પછી હવે તો રશિયાએ S-500 સિસ્ટમ પણ વિકસાવી લીધી છે. અમેરિકા પાસે આ જ પ્રકારની `ટર્મિનલ હાઇ એલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ (THAAD)' છે. ભારતનેય આ દોડમાં પાછળ રહેવાનું પોસાય એમ નથી. એટલે જ આપણી સ્વદેશી સંસ્થા DRDO મિશન `સુદર્શન ચક્ર'ને બહુ મહત્ત્વ આપી રહ્યું છે. આ મિશનનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે `પ્રોજેક્ટ કુશ'. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારત જમીન પરથી હવામાં વાર કરે એવી સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે. નિષ્ણાતો આ સિસ્ટમને અમુક બાબતમાં રશિયન S-400 કરતાં પણ બહેતર માને છે. આમ તો આ પ્રોજેક્ટ મુખ્યત્વે ભારતીય વાયુસેના માટે ડિઝાઈન થયો છે. જોકે, એનો ઉપયોગ માત્ર હવાઈદળ પૂરતો જ સીમિત નહિ રહે. ભવિષ્યમાં નૌકાદળને પણ એનો લાભ મળશે.

હવે વાત `મિશન સુદર્શન ચક્ર'ની. આ મિશન દેશના વ્યૂહાત્મક અને મહત્ત્વના વિસ્તારોને મલ્ટિ-લેયર્ડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ શિલ્ડથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે શોર્ટ-રેન્જ (VSHORADS, Akash), મીડિયમ-રેન્જ (Barak-8) તેમજ લોંગ-રેન્જ (S-400, Project Kusha) મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવામાં આવશે. સાથે જ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (BMD Phase-I/II) ઉપર પણ કામ થશે. મિશન સુદર્શન ચક્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ મોટા પાયે ઉપયોગ થવાનો છે. એટલું જ નહિ પણ આ ભારતનું આ સુરક્ષા ચક્ર માત્ર ડિફેન્સ એટલે કે દુશ્મનના હુમલા સામે બચાવનું જ કામ નહિ કરે, બલકે લાગ જોઈને વળતો ઘા ફટકારવાનું કામેય કરશે. ટૂંકમાં, આ મિશન ભારત માટે ખરા અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર સમાન સાબિત થશે. હાલના અંદાજ મુજબ વર્ષ 2035 સુધીમાં મિશન સુદર્શન ચક્ર પોતાનું ધ્યેય હાંસલ કરી લેશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો