ચોરી કરવી ગુનો છે, પણ એક ચોરે એવી ચોરી કરી હતી કે તેને ચોરી કહેવી કે નહીં તે જે તે વ્યક્તિ પર છોડ્યું છે. આ ચોરનું નામ સ્ટીફન બ્લમબર્ગ છે અને તેને પુસ્તકો સાથે એવો પ્રેમ થયો હતો કે, તેણે અધધ લાઇબ્રેરીઓનાં અધધ પુસ્તકો ચોર્યાં હતાં. આ ચોર જ્યારે જાહેર થયો ત્યારે લોકો તેને પ્રેમથી `બુક થીફ' તરીકે સંબોધતા હતા. મૂળ તેનું એવું માનવું હતું કે, હું પુસ્તકો એટલા માટે ચોરી રહ્યો છું કે, તેને અન્ય લોકો ચીવટપૂર્વક સાચવતા નથી. આશ્ચર્યની વાત એ છે કે, સ્ટીફને વર્ષ 1970થી 1990 સુધી ઉત્તર અમેરિકાનાં 45 રાજ્યો અને કેનેડાની 268 લાઇબ્રેરીઓમાંનાં નામાંકિત, મોંઘાં અને દુર્લભ પુસ્તકોની ચોરી કરી હતી. જ્યારે તેણે ચોરેલાં તમામ પુસ્તકોની તપાસ કરવામાં આવી ત્યારે તે પુસ્તકોનું વજન અંદાજિત 19 ટન જેટલું હતું. સ્ટીફને ચોરેલાં બધાં પુસ્તકો તેના ઘરની દીવાલો, બાથરૂમ, રસોડામાં અને તિજોરીઓમાં ચીવટપૂર્વક રાખ્યાં હતાં. સ્ટીફને ચોરેલાં પુસ્તકો કોઇને વેચ્યાં ન હતાં. સ્ટીફન પુસ્તકોની ચોરી કરવા જે તે લાઇબ્રેરી ફરી વળતો અને મોડી રાત્રે પુસ્તકો ચોરી લેતો! જોકે, અંતે તે FBIના હાથે પકડાઇ ગયો હતો.
વાંદરાં પકડવાની નોકરી કરવી છે?
જો તમે બેરોજગાર છો અથવા તો પાર્ટટાઇમ નોકરી કરવી છે, તો તમારે કશુંય કરવાનું નથી. માત્ર વાંદરાઓ પકડીને પ્રતિ એક વાંદરે તમને રૂ. 600 મળી શકે છે. મહારાષ્ટ્રના કોંકણ અને પશ્ચિમી મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં વાંદરાંઓએ આતંક મચાવી દીધો છે. આ વાંદરાંઓ ખેતીને તો નુકસાન પહોંચાડી રહ્યાં છે, પરંતુ સાથે સાથે તેઓ ગ્રામજનોને પણ હેરાન કરી રહ્યાં છે, તેથી મહારાષ્ટ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ આ વાંદરાંઓને સુરક્ષિત રીતે પકડીને ગામડાંઓથી ખૂબ દૂર જંગલમાં છોડી આવશે તો તેને એક વાંદરાના 600 રૂપિયા આપવામાં આવશે. અગાઉ વાંદરાં પકડવાની કિંમત 300 રૂપિયા હતી. વન વિભાગ અનુસાર આ વાંદરાંઓને માણસો દ્વારા ખવડાવવામાં આવતી આદતો વધુ પરેશાન કરી રહી છે, કારણ કે જ્યારે તેમને સરળતાથી ખાવાનું મળતું નથી ત્યારે તેઓ ગામડાંઓમાં જઇને આતંક મચાવે છે. જોકે, ઘણા યુવાનોએ આ ઓફર સ્વીકારી છે અને વાંદરાં પકડવા મહેનત કરી રહ્યા છે.
માઇનસ 80 ડિગ્રી સે.માં બનતી કાતિલ કોફી
મૂડ ફ્રેશ કરવા માટે મોટાભાગના લોકો કોફી પીતા હોય છે અથવા તો વહેલી સવારના એનર્જી ડ્રિંક તરીકે પણ લોકો કોફી પીતા હોય છે. આ કોફી ક્યારેક હોટ તો ક્યારેક કોલ્ડ હોય છે. અલબત્ત મિત્રો કે સ્નેહીજનો પણ કોફી શોપમાં જઇને કોફીની મજા માણતા હોય છે, પરંતુ ચીનમાં એક કોફી શોપ એવી છે જ્યાં તમને માઇનસ 80 ડિગ્રી સે.વાળી `ક્રાયો કોફી' પીવડાવવામાં આવે છે. આ કોફી મગને સ્પર્શતાં જ તમારો હાથ જામી જાય તો નવાઇ નહીં! વધુમાં જો મગને હોઠ પર લાવો તો હોઠ ચીપકી જ જાય! જોકે, અહીં કોફી મગને 80 માઇનસ ડિગ્રી સે.માં મૂકવામાં આવે છે. ત્યારબાદ તે મગને સ્પે. ચીપિયા વડે પકડીને જે તે ગ્રાહક સામે મૂકવામાં આવે છે અને તેમાં એકદમ ગરમાગરમ કોફી રેડવામાં આવે છે, જેથી કોફી એકદમ ગાઢ થઇ જાય છે. એક રીતે તે કોફી-આઇસક્રિમ બની જાય છે. અલબત્ત, અહીં વિજ્ઞાન કામ કરી જાય છે, પરંતુ આ અલગ પ્રકારની કોફી પીવા લોકો રીતસરની લાઇન લગાવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો