તમે નાનાં-મોટાં જીવ-જંતુ ખાતા પિચર પ્લાન્ટ (Pitcher Plant) વિશે સાંભળ્યુ જ હશે, પરંતુ એક એવું વૃક્ષ પણ છે, જે નાનાં-મોટાં પંખીઓનો શિકાર કરે છે.
આ વૃક્ષનું નામ પિસોનિયા(Pisonia) છે, જેને બર્ડકેચર ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. પિસોનિયાનાં બીજ એક ખાસ પ્રકારનાં ચીકણાં અને ગુંદર જેવા આવરણથી ઢંકાયેલાં હોય છે. જ્યારે પક્ષીઓ આ વૃક્ષ પર બેસે છે, ત્યારે તેનાં ચીકણાં બીજ પક્ષીઓનાં પીંછાં પર અને પગમાં ચોંટી જાય છે. આ બીજ એટલાં ચીકણાં હોય છે કે પક્ષીઓ તેને સરળતાથી હટાવી શકતાં નથી, જેથી પક્ષીઓ ઊડી અને ચાલી પણ શકતાં નથી અને ત્યાં જ ફસાઈ જાય છે. અંતે આ પંખીઓ પૈકી કેટલાંક વૃક્ષ પર તો કેટલાંક નીચે પડીને ધીમે ધીમે મૃત્યુ પામે છે. જોકે, મૃત્યુ પામેલાં પક્ષીઓના વિઘટનથી જમીનમાં નાઇટ્રોજન જેવાં પોષકતત્ત્વો ઉમેરાય છે, જે વૃક્ષના વિકાસ માટે અત્યંત જરૂરી બની રહે છે. આ વૃક્ષ સામાન્ય રીતે દરિયાકિનારાના વિસ્તારો અને કોરલ રીફ્સ (Coral Reefs) પાસે જોવા મળે છે. ટૂંકમાં, આ વૃક્ષ ખૂબ જ શાતિર રીતે પક્ષીઓને મારીને પોતાનો વિકાસ કરી રહ્યું છે.
શું તમે હાથી મસાજનું નામ સાંભળ્યુ છે?
માણસ થાકે છે ત્યારે અથવા તો પોતાની બોડીને રિલેક્સ કરવા વિવિધ પ્રકારના મસાજ કરાવતો હોય છે. જોકે, તેમાં જરૂરિયાત પ્રમાણેના અલગ અલગ મસાજ હોય છે. આ મસાજમાં સ્વીડિશ મસાજ, ડીપ ટિશ્યૂ મસાજ, શિયાત્સુ મસાજ, એરોમા થેરાપી મસાજ, હોટ સ્ટોન મસાજ અને પ્રેગ્નન્સી મસાજનો સમાવેશ થાય છે, પરંતુ આ મસાજને બાદ કરતાં હાથી મસાજ (એલિફન્ટ થેરાપી)નો પણ સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વ એશિયામાં અને ખાસ કરીને થાઇલેન્ડમાં પ્રવાસીઓને આકર્ષવા છેલ્લા ઘણા દશકોથી પ્રવાસીઓને હાથી દ્વારા મસાજ કરી આપવામાં આવે છે. જોકે, આ માટે હાથીને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હોય છે, કારણ કે કોઇ પ્રવાસીને મસાજ કરતી વખતે જો ભૂલથી પણ હાથીના પગનું વધારે દબાણ આપી દેવામાં આવે તો આ મસાજ તેનું અંતિમ મસાજ બની શકે છે અથવા તે ગંભીર રીતે ઘાયલ પણ થઇ શકે છે, પરંતુ અત્યાર સુધી હાથી દ્વારા કરવામાં આવેલા મસાજથી એક પણ પ્રવાસી મૃત્યુ પામ્યો નથી. હાથીના આ મસાજને લઇને કેટલીક પ્રાણીપ્રેમી સંસ્થાઓ આ મસાજનો વિરોધ કરે છે, કારણ કે હાથીને જ્યારે આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે હાથીને કેટલીક ક્રૂરતાનો સામનો કરવો પડતો હોય છે!
વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ્સથી હ્યુમન સ્કિન બનાવી
છેલ્લાં છ વર્ષથી ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને કૃત્રિમ માનવ ત્વચા બનાવવાના પ્રયોગો કરી રહ્યા હતા. તેમાં તેમને ધારી સફળતા હાથ લાગી છે. તેમણે જે પ્રયોગ કર્યો તેને બાયોએન્જિનિયરિંગ કહેવામાં આવે છે. જેમાં વૈજ્ઞાનિકો દર્દીના પોતાના સ્ટેમ સેલ્સ અથવા અન્ય દાતાના કોષોનો ઉપયોગ કરીને લેબોરેટરીમાં ત્વચાની પેશીઓ (tissues) ઉગાડે છે. આ સ્ટેમ સેલ્સની ખાસિયત એ છે કે તે કોઈ પણ પ્રકારના કોષમાં પરિવર્તિત થઈ શકે છે. આ ગુણધર્મના કારણે તેનો ઉપયોગ ત્વચાના વિવિધ સ્તરો જેમ કે, એપિડર્મિસ (Epidermis) અને ડર્મિસ (Dermis) બનાવવા માટે થાય છે. આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સારવાર, મોટી ઇજાઓ અને ત્વચાના રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ માટે ઝડપી અને સુરક્ષિત ત્વચા પૂરી પાડવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નવી ટેક્નોલોજી દ્વારા દર્દીના પોતાના ત્વચાકોષોનો ઉપયોગ કરીને માત્ર 28 દિવસની આસપાસ સંપૂર્ણ ત્વચાનું નિર્માણ કરી શકાય છે. એક રીતે આ ટેક્નોલોજીનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોના પરીક્ષણ માટે પણ થાય છે, જેનાથી પ્રાણીઓ પર થતા પ્રયોગો ક્રમશઃ ઘટાડી શકાય છે.