સાપ કે વીંછી કરડે તો મોત થાય એવા તો અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે, પરંતુ ચપટીમાં મસળી નંખાય એવો સાવ નાજુક જીવ કરોળિયો પણ કરડે તો મોત થાય એવું તો સાંભળ્યું જ નહીં હોય. છતાં એ કડવું સત્ય છે. કુદરતમાં કરોળિયાની એવી પણ પ્રજાતિ છે, જે કરડે તો મોત થઈ જાય.   


એમ પણ ધરતી પર તો અનેક પ્રકારના જીવો જોવા મળે છે. નરી આંખે જોઈ પણ ન શકાય એવા એકકોષી જીવોથી માંડીને માનવી જેવા બહુકોષી જીવો જોવા મળે છે. રંગરૂપ અને આકાર બધાના સૌથી જુદા. કરોળિયો પણ આ બહુવિધ જીવોમાંનો એક છે. કરોળિયો આમ તો સાવ કદરૂપો લાગે. લાંબા પગ અને સાવ નાજુક શરીર સાથે એવો કઢંગો ચાલે કે જોઈને જ દયા આવી જાય. તેને જોવાથી પણ દયા આવે અને કચડાઈ જાય તો હાશકારો નીકળી જાય એવો જીવ કહેવાય. કરોળિયામાં પણ જુદા જુદા રંગરૂપવાળી અનેક પ્રજાતિ જોવા મળે છે. જોકે, આપણે મન તો કરોળિયો એટલે જાળ ગૂંથતો જીવ જ છે. તેનું જાળું વીખી નાંખો તો પણ તે ફરીથી મહેનત કરીને રેસા કાઢી જાળું ગૂંથી લે છે. તેની એ મહેનત આપણને પણ ક્યારેય હતાશ ન થવાની પ્રેરણા આપતી હોય છે.

એ નાનકડા જીવની દુનિયામાં એક-બે નહીં, પણ 50 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. વિજ્ઞાનીઓ કરોળિયાનો 265 વર્ષોમાં અભ્યાસ કરીને માહિતી એકત્ર કરી રહ્યા છે. જોકે, તેઓ મચ્છર, કીડી અને મંકોડા જેવા નાનકડા જીવોનું ભક્ષણ કરીને માનવીને સહાય પણ કરે છે. એક અહેવાલ મુજબ કરોળિયા દર વર્ષે આશરે 40થી 80 ટન જંતુઓ ખાય છે. જોકે, તેના આ આહારને કારણે જ કુદરતમાં નાના જંતુઓનું સંતુલન જળવાઈ રહે છે. જોકે, બધા જ કરોળિયા ભલે નાજુક દેખાય, પણ એમાંથી કેટલાક કરોળિયા એવા ખતરનાક છે કે તેઓ મોટા સાપને પણ મોતને ઘાટ ઉતારી શકે છે. આપણી આસપાસ ભલે તુચ્છ કહેવાય એવા કરોળિયા સાવ ભોળા લાગે, પણ કુદરતમાં જોવા મળતા 50 હજાર કરોળિયાની પ્રજાતિઓમાંથી 43 હજાર પ્રજાતિના કરોળિયાઓ ઝેરી હોય છે.   

કરોળિયાની ઝેરી પ્રજાતિમાં સૌથી ઝેરી પ્રજાતિ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. સિડની ફનલ વેબ સ્પાઈડર વિશ્વનો સૌથી ઝેરી અને ખતરનાક કરોળિયો છે. તેનું વૈજ્ઞાનિક નામ એટ્રેક્સ સ્ટોર્ક્સસ છે. તે ખૂબ જ ખતરનાક શિકારી છે. તેનું ઝેર ક્ષણભરમાં બાળકનું મોત નીપજાવી શકે છે. તેના ફનલ જેવા આકારને કારણે તેને સિડની ફનલ સ્પાઈડર નામ આપવામાં આવ્યું છે. તે ભેજવાળા વિસ્તારોમાં રહે છે. જોકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર બ્રાઝિલિયન વોન્ડરિંગ સ્પાઈડર વિશ્વનો સૌથી ઝેરી કરોળિયો છે. તેનું ન્યુરોટોક્સિન એટલું ઘાતક છે કે તે કરડે તો માનવીનું પણ તરત જ મૃત્યુ થઈ શકે છે. વોન્ડરિંગ સ્પાઈડર જેને કરડે તે વ્યક્તિ સ્નાયુ પરનું નિયંત્રણ ગુમાવે છે. એ કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આખરે એ માનવી યમધામ પહોંચી જાય છે. 

કરોળિયાની બીજી ઝેરી પ્રજાતિ બ્રાઉન રેક્લુઝ સ્પાઈડર છે. બ્રાઉન રેક્લુઝ સ્પાઈડરને વાયોલિન અથવા ફિડલબેક સ્પાઈડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કરોળિયો મોટાભાગે યુનાઇટેડ સ્ટેટ્સના મધ્ય પશ્ચિમ અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા રેડબેક સ્પાઈડરની પીઠ લાલ હોય છે, જેના કારણે તે સરળતાથી ઓળખી શકાય છે. શિકારની વાત આવે ત્યારે આ કરોળિયા ખૂબ જ ઘાતક હોય છે અને તેમના કરડવાના કિસ્સાઓ વારંવાર જોવા મળે છે.  

જ્યારે સિક્સ આઈ સેન્ડ સ્પાઈડર પણ વિશ્વના સૌથી ઝેરી કરોળિયામાંનો એક છે. તેનું વૈજ્ઞાનિક નામ સિકારિયસ છે, જેનો અર્થ `હત્યારો' થાય છે. આ કરોળિયા ઘણીવાર રેતીમાં છુપાઈ જાય છે અને કોઈ નજીક આવતાંની સાથે જ તેઓ તેમના શિકાર પર ક્ષણિક હુમલો કરે છે. તેમના કરડવાથી થોડા કલાકોમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. મતલબ કે સાવ નાજુક એવો આ જીવ પણ ખતરનાક નીવડી શકે છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: