કાળી ડિબાંગ રાતનું ઘનઘોર અંધારું હતું. તેમાં કોઈ વિજોગી નારીની રાતી ચણોઠી જેવી આંખમાંથી નીતરતાં આંસુ જેવો વરસાદ ટપક ટપક ટપકી રહ્યો હતો.
અડાબીડ વનરાઇનાં પર્ણો સાથે અફળાતા વરસાદી બુંદનો એક મીઠો લય સૂનકારમાં સંગીતના સૂર છેડતો હોય એવું લાગતું હતું. અજાણી પથારીમાં ઝટ દઈ ઊંઘ આવે એવું નહોતું. બારી પાસે આવીને ઊભો રહ્યો. વરસાદી રાતના સૂસવાટા સાથે કોઈ માનવ કંઠનો સૂર પણ ભળતો, ઊભરાતો હોય એવું લાગ્યું. કાન સરવા કર્યા ત્યાં ભાંગતી રાતે કોઈ ભગતડો, એકતારા સાથે અંતરના તાર મેળવી અલખને આરાધી રહ્યો હોય એવું લાગ્યું. તેમાં શબ્દો હતા :`મનવો જાણે કે અમે સારા કામ કરશું ને ઊલટાનો પડ્યો રે સંતાપ, આ મન સમજ્યા વિના...' આટલું સાંભળ્યા, સમજાયા પછી સ્વગત બોલાઇ ગયું: `અરે! આ તો મહાત્મા મૂળદાસનું ભજન ને સ્વર પણ જાણીતો લાગે છે!' અનાયાસે રૂમ બહાર આવીને ઊભો રહ્યો. વળી થયું, આ ત્રણ રાજ્યના ત્રિભેટે, રતનમાળના જંગલમાં અને આટલાં વર્ષો પછી શામજી અહીં ક્યાંથી હોય? પણ પ્રશ્નના પછવાડે ઊભેલી, વંઠેલ વાંદરી જેવી ઉત્કંઠાએ ગેસ્ટહાઉસના ચોકીદારને કહ્યું : `આપણે ભજન સાંભળવા જવું છે!' સામે ઊંઘરેટા સ્વરે જવાબ મળ્યો: `રીંછ અભયારણ્યમાં રાતે ન નીકળાય!' ઊંઘ આવે તેમ નહોતી તેથી પથારીમાં પડખાં જ ઘસવાં હતાં. તેમાં પાછો મનના દ્વારે મનમોજીલો શામજી આવીને લાગણી તરબોળ ટકોરા મારવા લાગ્યો. જાણે કહેતો હતો: `ભૂલી ગ્યાને સાબ્ય મને'
વર્ષો પહેલાં જ્યારે તેના ગામમાં શિક્ષક તરીકે હાજર થયેલો. બસસ્ટેન્ડે ઊતર્યો ત્યારે જ કોઈએ કહ્યું હશે : `આપડા ગામના નવા માસ્તર છે!' શામજીએ સામેથી મારો સામાન ઉપાડી લીધેલો. પછી તો શામજી મારા વાંઢા વિલાસનો જાણે એક ભાગ બની ગયો હતો. કંઈ પણ કામ હોય તો શામજી હાજરાહજૂર. હાથ વાટકો જ સમજો. વાસણ ઉટકી દે, કપડાં પણ નિચોવી નાખે. તેને કહેતો: `શામજી! તારું ઘરેલું કામ જોતાં જે સ્ત્રીએ પાંચેય આંગળીએ નાગલા પૂજ્યા હશે ઈ તારી ઘરવાળી થાશે!' પણ લગ્ન કે ઘરવાળીની વાતે શામજીના મોં પર ન સમજાય એવા ભાવ ઊભરાઈ આવતા. ક્યારેક નારાજ થઇને નીકળી પણ જતો. પછી બે-ચાર દિવસે દેખા દે, પણ એક વખતે ગયો તે ગયો. પછી ક્યારેય ગામમાં પાછો આવ્યો નહીં. સવારે ઊઠી, એકાદ-બે સ્કૂલની મુલાકાત લઇ, પછીથી વજેસંગે કહ્યું: `રાતે ભજન સંભળાતાં હતાં તે જગ્યાએ જવું છે!' ના પાડવાને કોઈ દેખીતું કારણ નહોતું. તે સાબદો થઈ ગયો. ગાડી લઈએ તો ફરીને જવું પડે, પણ અંદરની કેડીએ પગપાળા જવામાં સરળ હતું. જંગલનાં ઝાડી-ઝાંખરાં વીંધતાં અમે ચાલવા લાગ્યા. શામજીની છાપ સારી નહોતી. ગામની કોઈ રમતિયાળ ભાભી નેણ નચાવી, લટકો કરીને કહે: `શામભાઈ, આવોને ઘેર્ય.' પછી આંખનો ઉલાળો મારીને ઉમેરે : `તમારા ભાઈ ઘેર્ય નથી હોં!' આટલું સાંભળતાં તો શામજી પાણી પાણી થઇ જાય અને હા-ના કર્યા વગર સાથે ચાલતો થાય. ચાલાક ભાભી ઘરેલુ કામ શામજી પાસે સરળતાથી કરાવી લે ને પછી બતાવે ડિંગો! શામજીને આ બાબતનો જરાય હરખધોખો નહોતો, પણ તેની સગી ભાભીને આવું ગમતું કે પરવડતું નહોતું. તે કહેતી: `ગામની બાયુના દાહોપા કરો છો, તે ઘરકામમાં શેના ઘા વાગે છે!' પણ શામજી તો મનમોજીલો. ફાવે તો ઘરે જાય, નહીંતર ગામના મંદિરે મોડે સુધી ભજનની બોથરાટી બોલાવે ને પછી ત્યાં જ અઠ્ઠે દ્વારકા કરે.
કોઈ અદકપાંસળી જણ આંખ ઉલાળી મોઢામોઢ કહે પણ ખરો: `રાતે મંદિરમાં ને દિવસે કોઈના ઘરમાં ભજન કરવાનાં કાં.' પણ શામજી આવું કંઈ ગણકાર્યા વગર આ કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે. વળી, એવું પણ સમજે જે થાય તે બરાબર છે! ઝૂંપડીના ઝાંપે પગ મૂક્યો ત્યાં એક સાધુ જેવો મનેખ, બે-ચાર ભક્તજનો વચ્ચે વીંટળાઈ બેઠેલો નજરે ચઢ્યો. ત્યાં ચોકીદારે આગળ જઇને કહી દીધું : `સાહેબ, ગાંધીનગરથી આવ્યા છે.' પણ તે દરમ્યાન નજરના તાર મળી, અંતરનું અનુસંધાન થઇ ગયું હતું. થોડી વાતચીત થયા પછી એકાંત મળ્યું એટલે પૂછ્યું: `શામજી! એક વાત મને સમજાતી નથી. એક તો ભક્તિભાવવાળો તારો સ્વભાવ અને બીજી બાજુ સ્ત્રીઓ સાથેનાં રંગરેલિયાં. આમાં સાચું શું?'
શામજીનું ઊજળું મોં કાળુંઢી ગયું. તે દયામણી નજરે તાકી રહ્યો. પછી મોડેમોડે નાભિએથી નિસાસો નાખીને બોલ્યો: `સાબ્ય! તમે પણ ગામની વાતુમાં આવી ગયા?' પળભર માટે સન્નાટો છવાઈ ગયો. પછી તેણે જ કહ્યું: `હું ક્યાં પુરુષમાં છું તે એવાં રંગરેલિયાં ખેલતો હોઉં.' શામજીનું કહેવું સાંભળી ચોંકી જવાયું, પણ રહેવાયું નહીં એટલે કહ્યું : `અરે! પણ તું તો કાનુડો હતો, તારાં ભાભીને વાંધો પણ આ જ હતોને.'
`કોઈએ મને ભાળ્યો કે રંગે હાથ પકડ્યો હોય તો કહો!' શામજીનો સ્વર ખેંચાઈ ગયો. તે કોચવાતા દિલે ખુદની એબ ઉઘાડી કરતાં બોલ્યો: `ગામની બાયુ સાથેનાં સંબંધ એ તો પુરુષ હોવાના મારા ખાલી પાખંડ હતા!' સન્નાટો છવાઈ ગયો હતો. તે ઝાંપે ઊભો ક્યાંય સુધી જોતો રહ્યો હશે, પણ પછી નજર મેળવવાની હામ રહી નહોતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો