ગત સપ્તાહમાં આપણે હિમાચલની સુંદર જગ્યા કસોલ વિશે વાત કરી હતી. આમ તો કસોલ એવી જગ્યા છે જ્યાં મોટાભાગે પર્યટકો ગયા જ હશે. જો એમણે જીભી, મનાલી અને કસોલનું પેકેજ બુક કર્યું હશે તો.
મનાલીના પેકેજીસમાં પણ તમારા સમય પ્રમાણે અલગ અલગ ઘણાં પેકેજીસ મળી જતાં હોય છે. શિમલા, કુલુ, મનાલી એક સમયે હોટ ફેવરિટ હતું. હવે એમાં ધરમશાલા, કસોલ અને જીભીનો સમાવેશ પણ થાય છે, પણ અગાઉ કહ્યું એ પ્રમાણે આ વખતે આપણે કોમન નહીં થોડી ઓફબીટ જગ્યાઓ વિશે વાત કરીએ. ગત સપ્તાહમાં આપણે કસોલ નજીક જઇ શકાય એવાં પાંચ ગામ વિશે વાત કરી હતી, આ વખતે બીજાં પાંચ ગામ વિશે વાત કરીએ.
તુલગા
હિમાચલની પાર્વતી વેલીમાં આ જગ્યા આવેલી છે. આ જગ્યા પુલગા અને કલગાની વચ્ચે છે. કસોલથી તે માત્ર 19 કિમી દૂર આવેલું ગામ છે. આ ગામની આસપાસ નાના મોટા અનેક પર્વતો છે. એટલે અહીં તમે કોઇ હિલસ્ટેશન ઉપર ફરવા આવ્યા હોય એવી અનુભૂતિ થશે. તુલગાવાસીઓ જવની ખેતી કરે છે એટલે અહીં જવનાં અનેક ખેતરો જોવા મળશે, જે આંખોને ઠંડક પહોંચાડનારાં છે. તુલગા ગામ જવા માટે તમારે પગપાળા યાત્રા કરવી પડે છે. એટલે ટ્રેકિંગના શોખીન લોકો માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. આ જગ્યાએ સનસેટ જોવાનો લહાવો લેવા જેવો છે. શાંત વાતાવરણ, પોતાના ઘરે પાછાં ફરતાં પક્ષીઓનો અવાજ અને સનસેટ આ સમન્વય યાદગાર બની રહેશે.
તોશ
તોશ ગામનું નામ ત્યાં વહેતી તોશ નદી ઉપરથી જ રાખવામાં આવ્યું છે. આ જગ્યા કસોલથી 20 કિમી દૂર છે. આ જગ્યાએ તમને હિમાલયની અજોડ સુંદરતા જોવા મળે છે. તોશ પાર્વતી વેલીની વિરુદ્ધ દિશામાં વસેલું ગામ છે. આ ગામનાં મકાનો તમને આધુનિક લાગશે, પણ અહીં હિપ્પી રહેણી જોવા મળે છે. આ જગ્યાએ ગાંજાની ખેતી થાય છે.
ગ્રહણ
નામ વાંચીને તમને અજીબ લાગશે, પણ નામ પ્રમાણે આ ગામમાં કોઇ જ ગ્રહણ નથી લાગ્યું. ઊલટાનું નામથી તદ્દન અલગ ગ્રહણ ગામને હિમાચલવાસીઓ આધ્યાત્મિક ગામ તરીકે ઓળખે છે. તે કસોલથી 9 કિમી દૂર છે. જોકે, ગ્રહણનું બસસ્ટેન્ડ 9 કિમી દૂર છે. એ બસસ્ટેન્ડથી ગામની અંદર તમારે ચાલીને જવું પડે છે. એ સમય થોડો વધારે લાગી જશે, કેમ કે રસ્તો કપરો છે. આ જગ્યા માનવીય કોલાહલથી દૂર છે. અહીં બહુ જ ઓછી વસ્તી વસે છે અને અહીં રહેતા લોકો સફરજન તેમજ બટાકાની ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હવે ઘણા ખરા લોકો ઓફબીટ મુસાફરી કરતા થયા છે. એટલે ગ્રહણમાં હોમસ્ટે મળી જાય છે, બાકી પહેલાં ત્યાં પર્યટકોને રહેવા માટે કોઇ જ વ્યવસ્થા નહોતી. અહીં મંદિર અને બુદ્ધિસ્ટ મઠો બહુ હોવાથી તેને આધ્યાત્મિક ગામ કહેવાય છે. આ જગ્યાની આસપાસ દેવદાર વૃક્ષોનું જંગલ તેમજ તેમાં વહેતાં નાનાં મોટાં ઝરણાં ખૂબ જોવા મળે છે. અહીં ઇઝરાયેલી ફૂડ ખૂબ મળે છે. ગ્રહણમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા ખૂબ રહે છે. એટલે તમે ડિજિટલ ડિટોક્સ ઇચ્છતા હોવ તો ચોક્કસ આ જગ્યાએ જઇ આવો.
નક્થન
પાર્વતી વેલીમાં આવેલી આ જગ્યા કસોલથી 1 કલાકના અંતરે આવેલી છે. જો તમે પાર્વતી વેલીમાં હોવ અને હિમાચલી કથકુની સ્થાપત્ય કળાનું અવલોકન કરવા માંગતા હોવ તો અહીં ચોક્કસ આવવું. અહીંના લોકો તેમની આજીવિકા માટે સફરજનની ખેતી પર આધાર રાખે છે. પરિણામે નક્થન જતા રસ્તા પર અસંખ્ય સફરજનના બગીચા જોવા મળે છે.
ચોજ
આ મનોહર શહેર કસોલથી 30 મિનિટમાં ચાલીને જઇ શકાય એટલું દૂર છે. લગભગ 5 કિલોમીટર. અહીં વાહનની અવરજવર નથી થતી એટલે પર્યટકોએ ચાલીને જવું પડે છે. ટ્રેકિંગનો રસ્તો અત્યંત રમણીય છે એટલે એની મજા આવશે, પણ નદી પાર કરવાનું કામ થોડું અઘરું ખરું. હા, અહીં પહોંચવા માટે પાર્વતી નદી પાર કરવી પડે છે, તેથી તમે સાહસ માટે તૈયાર હોવ તો આ જવા જેવી જગ્યા છે.