આયુર્વેદના એક મહર્ષિએ સામાન્ય જનતાની દીર્ઘાયુ માટે ત્રણ સિદ્ધાંતો બતાવ્યા છે. પહેલો સિદ્ધાંત એ કે, રાજસિક અને તામસિક આહારનો ત્યાગ કરવો. બીજો સિદ્ધાંત એ કે, બેઠાડુ-આરામપ્રિય જીવનથી બચતા રહેવું. ત્રીજો સિદ્ધાંત એ કે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમી ઉભયાત્મક ઈન્દ્રિય `મન' પર કાબૂ રાખવો.

રાજસિક અને તામસિક આહાર જેવો કે, વધારે પડતાં માંસ, માછલી, ઈંડાં, ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળાં આહારદ્રવ્યો તથા તીખું, તળેલું, અથાણાં, પાપડ, ચટણીઓ વગેરે. આ આહારદ્રવ્યોથી બચતા રહેવું જોઈએ. આજકાલ આવા રાજસિક અને તામસિક આહારવિહાર અને વિચારોથી 80 ટકા રોગો થાય છે.

અહીં પણ ઘણા વાચકોને પ્રશ્ન થશે કે આવા રોગો કયા કયા હોઇ શકે? તો એમ કહી શકાય કે, આવા રોગોમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ), હાઇ બ્લડપ્રેશર, અમ્લપિત્ત (એસિડિટી), કાયમી મરડો, અપચો, ગેસ, આમવાત (રુમેટિઝમ), પેપ્ટિક અલ્સર, અગ્નિમાંદ્ય, માનસિક ઉશ્કેરાટ, ભય, ટેન્શન, અનિદ્રા, રક્તાલ્પતા, ત્વચાના રોગ, અતિ સ્થૂળતા, કામ શિથિલતા વગેરે રોગ રાજસિક અને તામસિક આહારના અતિ સેવનથી થાય છે. આજે સમાજમાં યુવાન અને સ્વસ્થ કહી શકાય એવા ચહેરા ઓછા જોવા મળશે. આ બધું રાજસિક અને તામસિક આહાર, બીડી, સિગારેટ, તમાકુ, મદ્યપાન અને ડ્રગ્સનું પરિણામ છે.

હવે બીજો મુદ્દો એ કે, સાવ બેઠાડુ-આરામપ્રિય જીવનથી બચતા રહેવું. બેઠાડુ જીવન(Sedentary lifestyle)નો સૌથી મોટો દુર્ગુણ એ છે, કે તેનાથી શરીર પર મેદનું પ્રમાણ ધીમે ધીમે વધે છે અને આયુર્વેદમાં તો મેદસ્વિતાને કષ્ટ સાધ્ય વિકૃતિ (બીમારી) જ કહેવાય છે. મેદ વધવાથી શરીરમાં આળસ, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને રક્તવાહી નળીઓના રોગ થાય છે.

ત્રીજો સિદ્ધાંત એ છે કે, ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો. ઇન્દ્રિયોના હીન, મિથ્યા અને અતિયોગથી ઘણા રોગો થાય છે. ઉદાહરણ રૂપે તમે આંખ તથા જીભને જ લો. આ બંને જ્ઞાનેન્દ્રિયો છે અને તે જોવાનું તથા સ્વાદનું જ્ઞાન કરાવે છે. આંખની નજીક ચોપડી રાખીને વાંચન કરવું, નજીકથી મોબાઈલનો ઉપયોગ કરવો કે નજીકથી ટીવી કાર્યક્રમો જોવા તે આંખના હીન યોગને લીધે જ. આજકાલ લોકોમાં ચશ્માંનું પ્રમાણ પહેલાં કરતાં વધારે અથવા નાની ઉંમરે ચશ્માં આવી જતા જોવા મળે છે. જીભ વારંવાર ગળ્યાં આહારદ્રવ્યોનો સ્વાદ લીધા કરે તો તે તેનો અતિયોગ થયો ગણાય. માત્ર જીભના અયોગ્ય ઉપયોગથી વજન વધવું, હૃદયના રોગ, ડાયાબિટીસ, લીવરના રોગો, મેદના અને ત્વચાના રોગો થાય છે. આમ, ઇન્દ્રિયોના હીન, મિથ્યા કે અતિયોગથી પણ અનેક પ્રકારના રોગ થવાની શક્યતા રહે છે.

અહીં વાચકોએ ધ્યાનમાં રાખવાની સારરૂપ બાબતો માત્ર એ છે કે, ઘરનો બનાવેલો શુદ્ધ-સાત્ત્વિક આહાર, નિયમિત થોડો વ્યાયામ કે કસરત અને ઇન્દ્રિયોનો સંયમથી ઉપયોગ. આ સામાન્ય જણાતા સિદ્ધાંતોથી નીરોગી રહીને દીર્ઘાયુષ્ય ભોગવી શકાય છે. બાકી તો અત્યાધુનિક હોસ્પિટલ્સ તમારા સ્વાગત માટે 24/7 તૈયાર જ છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો