ગોકારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે.
પાલદાસ નીરજે લખેલા આ ગીતની વાત ચાલી રહી છે. પહેલા અંતરાની આ બે પંક્તિઓની આપણે વાત કરીઃ
નીંદ ભી ખુલી ન થી કિ
હાયે ધૂપ ઢલ ગઈ,
પાંવ જબ તલક ઉઠે કિ ઝિંદગી ફિસલ ગઈ.
હવે આગળ વધીએ. ત્રીજી-ચોથી પંક્તિઓ આ પ્રમાણે છેઃ
પાત પાત ઝડ ગએ કિ શાખ શાખ જલ ગઈ,
ચાહ તો નિકલ સકી ન પર ઉમર નિકલ ગઈ.
એક સુકાયેલું વૃક્ષ પોતે જ એક આખી કવિતા લાગી શકે, વિષાદની કવિતા. જે ક્યારેક લીલુંછમ હતું, જેની ડાળીઓ પર પંખીઓના માળા હતા, જેના છાંયડે પથિકો વિશ્રામ લેતા હતા એવા એક વૃક્ષનાં પાંદડાં ખરી જાય અને ડાળીઓ સુકાઈ જાય ત્યારે એ વૃક્ષ જાણે ભારે દબદબો ભોગવી ચૂકેલો કોઈ માણસ મરણપથારી પર લાચાર પડ્યો હોય એવું લાગી શકે. જોકે, અહીં કવિ વૃક્ષને દૃષ્ટાભાવે, બહારની વ્યક્તિ તરીકે નથી જોઈ રહ્યા. કવિ પોતે જ જાણે વૃક્ષ છે. યૌવન, જુસ્સો, તંદુરસ્તી ઓસરી ગયાની પોતાની વેદનાને કવિએ સુકાયેલા વૃક્ષના રૂપક દ્વારા વ્યક્ત કરી છે.
રૂપકને રૂપક તરીકે અને કવિતાને કવિતા તરીકે જ જોવાની હોય. છતાં બે ઘડી લાગણીઓને બાજુ પર મૂકીએ તો એક આડવાત રૂપે આવો વિચાર પણ આવી શકેઃ માણસ તો સુકાયેલું વૃક્ષ જોઈને ખિન્ન થઈ શકે, પરંતુ વૃક્ષ પોતે શું વૃદ્ધ થવા બદલ ખિન્નતા અનુભવતું હશે?
તમને શું લાગે છે?
આ લખનારને શક્યતા ઓછી લાગે છે. સતત ભૂત-ભાવિમાં દોડાદોડ કરતું, રાગ-દ્વેષ અનુભવતું મન એ તો મનુષ્યની વિશેષતા છે. વૃક્ષ પાસે સક્રિય મન નથી હોતું. વૃક્ષના માથામાં કોઈ મગજ નથી હોતું. વૃક્ષ એની યુવાનીના વૈભવને બુઢાપાની વાસ્તવિકતા સાથે નહીં સરખાવતું હોય. વૃક્ષને કશુંક કરી છૂટવાના, મહાન બની જવાના વિચારો નહીં આવતા હોય. વૃક્ષ સ્વાભાવિક હોય છે. એ સહજભાવે વર્તમાનને સ્વીકારતું હોય છે.
વૃક્ષ ભારે પવનથી ડોલી શકે, પરંતુ ઇચ્છાઓ એને ન ડોલાવી શકે. ઇચ્છાઓના વાયરામાં ફંગોળાવું એ મનુષ્યની નિયતિ છે. અલી સરદાર જાફરીની એક સુંદર, સીધી સાદી ગઝલ છે:
તમન્નાઓં કે બહલાવે મેં અક્સર આ હી જાતે હૈં,
કભી હમ ચોટ ખાતે હૈં, કભી હમ મુસ્કુરાતે હૈં.
હમ અક્સર દોસ્તોં કી બેવફાઈ સહ તો લેતે હૈં,
મગર હમ જાનતે હૈં, દિલ હમારે ટૂટ જાતે હૈં.
કિસી કે સાથ જબ બીતે હુએ લમ્હોં કી યાદ આઈ,
થકી આંખોં મેં અશ્કોં કે સિતારે ઝિલમિલાતે હૈં.
વીતી ચૂકેલો સમય યાદ આવવાને કારણે વૃદ્ધ આંખોમાં આંસુઓનું તારાઓની જેમ ઝગમગી ઊઠવું. અવારનવાર ઇચ્છાઓથી બહેકી જવું અને પછી ક્યારેક પીડા અનુભવવી તો ક્યારેક હસવું. આ બધો `વૈભવ' માણસ માટે `અનામત' છે, વૃક્ષો માટે નહીં.
ઇચ્છા, અરમાન, આકાંક્ષા, આશા, આવેગ, ખિન્નતા. કુદરતે કેટકેટલું આપ્યું છે માણસને.
સીમાબ અકબરાબાદીનો એક શેર છેઃ
ગમ મુઝે હસરત મુઝે વહશત મુઝે સૌદા મુઝે,
એક દિલ દેકર ખુદા ને દે દિયા ક્યા ક્યા મુઝે.
તો દિલમાં તો ઘણું બધું હોય. ફાઈન, પણ એ બધું બહાર લાવવાનો, એને વ્યક્ત કરવાનો, એને અમલમાં મૂકવાનો યોગ્ય સમય જુવાની છે, કારણ કે જુવાનીમાં ક્ષમતાઓ ટોચે હોય છે. પછી જુવાની વીતી ગયા બાદ ક્ષમતાઓ ઘટવાને કારણે વ્યક્ત ન થઈ શકેલી ઇચ્છાઓ, અરમાનો પૂરાં તો ન થાય, પરંતુ હૃદયની અંદર એ તૂટેલા કાચની કરચોની જેમ ખૂંચતાં રહે.
કવિ નીરજ એમની કવિતા કારવાં ગુઝર ગયામાં આ વાતને આ શબ્દોમાં નિરૂપે છેઃ
ચાહ તો નિકલ સકી ન પર ઉમર નિકલ ગઈ
આ એક જાલીમ ચિત્ર છે. એક માણસની અંદર ઇચ્છાઓ જાણે જ્યોતિની જેમ થીરકતી તો હોય, પરંતુ એ જ્યોતિ બહાર આવે એ પહેલાં જ એ માણસ પોતે આખેઆખો ઠરી જાય, એની અંદરની ઇચ્છાઓ અંદર જ ઠરીને ધરબાઈ જાય. મનગમતું કોઈ કામ પૂરું કરીએ એ પહેલાં જ કામ કરવાની ક્ષમતા ખૂટી જાય. કશુંક મેળવવાની ઇચ્છા એ વસ્તુ મેળવતાં પહેલાં જ ઠરી જાય. પછી જીવન તો આગળ વધે, પરંતુ એ ધબકતું જીવન ન હોય. એ તો કેવળ કુદરતે આપેલા શ્વાસ ખૂટાડવાની એક યાંત્રિક ગતિ હોય. કહો કે એક ધબકતો માણસ જાણે નિર્જીવ યંત્ર બની જાય.
કંઈક આવો જ ભાવ વ્યક્ત કરતી કવિ પાશની પંક્તિઓ છેઃ
સબસે ખતરનાક હોતા હૈ
મુર્દા શાંતિ સે ભર જાના,
ન હોના તડપ કા, સબ સહન કર જાના.
ઘર સે નિકલના કામ પર
ઔર કામ સે લૌટકર ઘર આના,
સબસે ખતરનાક હોતા હૈ
હમારે સપનોં કા મર જાના.
પરિવારને ગરીબીની નાગચૂડમાંથી છોડાવવા માટે હું ખૂબ ભણીશ, ખૂબ મહેનત કરીશ, ખૂબ કમાઈશ. આવું કોઈ સપનું હોય કે પછી દેશ રેઢિયાળ રીતે ચાલી રહ્યો છે, અમલદારો અને નેતાઓ અને ઇવન પ્રજા પોતાની જવાબદારી સ્વીકારવા જ તૈયાર નથી. આવું થોડું ચાલે? મારે એમને ઢંઢોળવા જોઈએ. એ માટે મારે કશુંક કરી છૂટવું જોઈએ. આવો બધો સળવળાટ જુવાનીમાં, આજની ભાષામાં કહીએ તો જેન ઝીમાં વધુ જોવા મળતો હોય છે, પરંતુ એ સળવળાટ ક્યારેય ખળભળાટનું રૂપ ધારણ કરે જ નહીં અને એ અંદર જ પડ્યો-પડ્યો ઠરી જાય. ઇચ્છાઓ, અરમાનો, સપનાંઓ ઊગે અને સાકાર થાય એ પહેલાં જ અંકુર અવસ્થામાં મૃત્યુ પામે. એક રીતે જોતાં આ ગર્ભપાતનો જ એક પ્રકાર છે.
સહેજ નિષ્ઠુર બનીને વિચારીએ તો સ્વીકારવું પડે કે મોટાભાગના લોકોની આ જ સ્થિતિ હોય છે. જુવાનીમાં સેવેલાં અરમાનો પૂરાં ન થાય, પણ સમય વીતતો જાય તેમ એક પછી એક અરમાનો ઠરતાં જાય, મરતાં જાય.
પછી એ મરેલાં-ઠરેલાં અરમાનો સાથે પણ માણસ તો જીવતો રહે છે અને બુઢાપો પણ ભોગવે છે, પરંતુ એ જીવન જીવતી લાશનું જીવન હોય છે.
ચાહ તો નિકલ સકી ન પર ઉમર નિકલ ગઈ. આ ટ્રેજેડી નાનીસૂની નથી.
તમને ક્યારેય કોઈ મૃતદેહને જોઈને એવો વિચાર આવ્યો છે કે આ માણસની ઇચ્છાઓ અંદર ધરબાયેલી રહી અને જીવ બહાર નીકળી ગયો?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
