અમદાવાદના જૂના પતરાવાળા મકાનમાં રહેતા રમણિકલાલે પોતાની જિંદગીની આખરી મૂડી વાપરીને પોતાનો એક કાવ્યસંગ્રહ છપાવ્યો હતો. તેમને ખાતરી હતી કે શબ્દોમાં એટલી તાકાત છે કે તે લોકોનાં દિલ જીતી લેશે, પણ અફસોસ, ઝાકઝમાળ ભરેલાં પુસ્તક બજારોમાં રમણિકલાલના સાદગીભર્યા પુસ્તકને કોઈએ પૂછ્યું પણ નહીં. દેવું વધી ગયું અને પરિસ્થિતિ ગંભીર થતી ગઈ. ભારે હૈયે રમણિકલાલે પોતાના સંતાન સમાન પુસ્તકોનાં થોથાં એક કરિયાણાની દુકાને રદ્દીના ભાવે વજનમાં આપી દીધા. `મારી કવિતાઓ હવે કોઈના ઘરમાં મસાલા કે ખાંડનાં પડીકાં બનીને જશે,' એ વિચારે રમણિકલાલની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
બીજી તરફ શહેરના આલિશાન બંગલામાં રહેતો સંજય, જે રાજ્યનો સૌથી મોટો બુક પબ્લિશર હતો, તે અંદરથી સાવ તૂટી ગયો હતો. નામ, દામ અને શોહરત હોવા છતાં અંગત જીવનની નિષ્ફળતાએ તેને આત્મહત્યાના ઉંબરે લાવી દીધો હતો. તે એક નાની દુકાને ગયો અને ઉંદર મારવાની દવા ખરીદી. દુકાનદારે એ દવા કાગળના એક પાનામાં લપેટીને આપી.
સંજય શહેરના એકાંત ખૂણે ગયો. તેના હાથ ધ્રૂજતા હતા. જેવું તેણે દવાનું પડીકું ખોલ્યું, તેની નજર પેલા કાગળ પર છાપેલી પંક્તિઓ પર પડી:
`સૂરજ આથમ્યો છે તો ડરવાની જરૂર નથી, અંધકાર એ તો સવારની પેલી પહેલી શરત છે.'
સંજયે આખું પાનું વાંચ્યું. તે પાનું રમણિકલાલના પુસ્તક `સમય બદલાય છે'નું હતું. એ કવિતામાં હારી ગયેલા માણસને બેઠા કરવાની અજબ તાકાત હતી. તેણે દવા ફેંકી દીધી. તેને થયું કે જો રદ્દીના કાગળમાં આટલી શક્તિ હોય, તો આ પુસ્તક તો અમૂલ્ય છે. કાગળના છેવાડે કવિનું નામ લખ્યું હતું, `રમણિકલાલ પંડિત'.
સંજયે પોતાની આખી ટીમ કામે લગાડી અને એ કવિને શોધ્યા. જ્યારે તે રમણિકલાલના નાના મકાને પહોંચ્યો, ત્યારે રમણિકલાલ હાર માનીને બેઠા હતા. સંજયે જઈને તેમના પગે લાગતાં કહ્યું, "તમારા શબ્દોએ આજે મારો જીવ બચાવ્યો છે. હવે આ પુસ્તક આખું જગત વાંચશે.''
સંજયે એ પુસ્તક નવા ક્લેવર સાથે ફરી પ્રકાશિત કર્યું. જોતજોતાંમાં `સમય બદલાય છે' પુસ્તક બેસ્ટ સેલર બની ગયું. રદ્દીના ભાવે વેચાયેલા શબ્દો આજે લાખો લોકો માટે પ્રેરણાનું ઝરણું બની ગયા હતા. ખરેખર, સમય બદલાય છે, બસ ધીરજ અને સાચા શબ્દોની જરૂર હોય છે.