ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં કુલ્લુ જિલ્લામાં આવેલી તીર્થન ખીણ પ્રકૃતિપ્રેમીઓ માટે કોઈ સ્વર્ગથી ઓછી નથી. હિમાલયના ખોળામાં વસેલી આ ખીણ તેના શાંત વાતાવરણ, લીલાંછમ જંગલો અને સ્વચ્છ નદી માટે જાણીતી છે.

સમુદ્ર સપાટીથી 1600 મીટરની ઊંચાઈ પર સ્થિત તીર્થન ખીણ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સ્થિત છે. તે એક અનોખું સ્થળ છે, જે સાહસ અને શાંતિનું મિશ્રણ પ્રદાન કરે છે. મનાલી અને શિમલા જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળોની ભીડભાડથી દૂર, તીર્થન ખીણ એક શાંત અને `ઓફબીટ' ડેસ્ટિનેશન છે. આ ખીણનું નામ `તીર્થન નદી' પરથી પડ્યું છે, જે હિમાલયનાં બર્ફીલાં શિખરોમાંથી નીકળે છે અને આખી ખીણમાં ખળખળ વહે છે અને બિયાસ નદીની ઉપનદી છે. આ ખીણ તેના અદ્ભુત કુદરતી સૌંદર્ય, શાંત વાતાવરણ અને સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતી છે.

મુખ્ય આકર્ષણો અને વિશેષતાઓ

ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક : તીર્થન ખીણ એ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. અહીં વનસ્પતિ અને પ્રાણીઓની અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. જે લોકો ટ્રેકિંગ અને જંગલ સફારીના શોખીન છે, તેમના માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.

જલોરી પાસ અને સેરોલસર તળાવ : તીર્થન ખીણથી થોડે દૂર જલોરી પાસ આવેલો છે, જે સમુદ્ર સપાટીથી લગભગ 10,800 ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી હિમાલયનાં શિખરોનો અદ્ભુત નજારો જોવા મળે છે. જલોરી પાસથી ૫ કિમીના ટ્રેકિંગ પછી સેરોલસર તળાવ આવે છે. આ તળાવ ફરતે ગાઢ જંગલો છે અને તેની શાંતિ મનને પ્રફુલ્લિત કરી દે છે.

ટ્રાઉટ ફિશિંગ : તીર્થન નદી તેના સ્વચ્છ પાણી અને `ટ્રાઉટ માછલી' માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓ ફિશિંગનો આનંદ માણી શકે છે. જોકે, આ માટે પરવાનગી લેવી જરૂરી હોય છે. નદીના કિનારે બેસીને માછીમારી કરવી અને કુદરતી સૌંદર્યને માણવું એ એક અલગ જ લહાવો છે.

ચેહની કોઠી : આ વિસ્તારમાં આવેલી ચેહની કોઠી એક ઐતિહાસિક ઈમારત છે. તે પથ્થર અને લાકડામાંથી બનેલો એક ઊંચો ટાવર છે, જે પરંપરાગત હિમાચલી સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. તે ભૂતકાળમાં રાજાઓના કિલ્લા તરીકે ઉપયોગમાં લેવાતો હતો.

ધોધ અને ગામડાંઓ : તીર્થન ખીણમાં છોઈ વોટરફોલ જેવા સુંદર ધોધ આવેલા છે. ત્યાં સુધી પહોંચવા માટે નાનકડું ટ્રેકિંગ કરવું પડે છે. ગુશૈની અને જિભી જેવાં નાનાં ગામડાંઓ અહીંનાં મુખ્ય આકર્ષણ કેન્દ્રો છે, જ્યાં તમે હોમસ્ટેમાં રહીને સ્થાનિક સંસ્કૃતિ અને ભોજનનો આનંદ લઈ શકો છો.

શા માટે મુલાકાત લેવી જોઈએ?

જો તમે શહેરના કોલાહલ અને પ્રદૂષણથી દૂર જઈને કુદરતના ખોળે શાંતિ મેળવવા માંગતા હોવ, તો તીર્થન ખીણ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ છે કે તમે તરોતાજા અનુભવશો. અહીં તમે નદીના કિનારે કેમ્પિંગ કરી શકો છો, પુસ્તક વાંચી શકો છો અથવા ફક્ત પર્વતોને નિહાળીને સમય પસાર કરી શકો છો. તીર્થન ખીણ એ ભારતનું એક પર્યટન સ્થળ છે, જેણે તાજેતરમાં વિશ્વભરના પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. જ્યારે ખીણના લીલાછમ વૈભવની વાત આવે છે, ત્યારે તેને ભારતમાં ફરવા માટેનાં શ્રેષ્ઠ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. જો તમે નવા ભૂપ્રદેશનું અન્વેષણ કરવા માટે ઉત્સુક છો,

તો તીર્થન ખીણ તમારું મનપસંદ સ્થળ હોવું જોઈએ.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

તીર્થન ખીણની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન અને ઓક્ટોબરથી નવેમ્બર છે. જો તમારે બરફવર્ષા જોવી હોય, તો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જઈ શકાય છે, પરંતુ ત્યારે ઠંડી ખૂબ વધારે હોય છે. તીર્થન ખીણ એ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પણ કુદરત સાથે જોડાવાનો એક અનુભવ છે. અહીંની સાદગી, પહાડી લોકોનું આતિથ્ય અને નયનરમ્ય દૃશ્યો તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો