રાતોરાત પૈસાદાર થવા જગાએ શેરબજારમાં દાવ રમવાનું નક્કી કર્યું, પણ મુશ્કેલી એ હતી કે શેરબજારમાં રોકવા જેટલા રૂપિયા જગા પાસે નહોતા અને એના ભાઈબંધો પણ એના જેવા જ `લુખ્ખી લાટ' હતા.

એટલે જગાએ કોઈ બહારની વ્યક્તિ પાસેથી રૂપિયા ઉધાર લેવાનું વિચાર્યું. જગાના એરિયામાં `જેંતી' ઉર્ફે `જોન્ટી' નામનો એક `ઊગું-ઊગું' થતો પોલિટિશિયન હતો, જે સમાજસેવાના નામે લોકોને પૈસા આપી આર્થિક સહાય કરતો'તો. જગો `છેડા અડાડી' જેંતી યાનિ કી જોન્ટી પાસે પહોંચી ગયો અને પાંચ લાખ રૂપિયા વર્ષ માટે ઉધાર આપવાની અરજ કરી. જગાના આશ્ચર્ય વચ્ચે જોન્ટીએ તરત જ `હા' પાડી દીધી અને બે જ મિનિટોમાં પાંચ લાખ રૂપિયા પ્રગટ કરી દીધા. જગો `દિગ્મૂઢ' થઈ ગયો. જોન્ટીએ પોતાની `સેફટી' માટે `ઉધારીના રૂપિયા માટેની શરતો'વાળા સ્ટેમ્પ પેપર્સ પર જગાની સહીઓ લીધી અને પછી પ્લાસ્ટિકની કાળી કોથળીમાં `પાંચ પેટી' બાંધી જગાના હાથમાં પકડાવી દીધી. જગો `ખુશ-ખુશ' થઈ શેરબજારમાં દલાલીનું કામ કરતા એના મિત્રને ત્યાં ધસી ગયો અને પાંચ મિનિટમાં પાંચ લાખ રૂપિયા એણે શેરબજારમાં રોકી દીધા.

જગાના શેરબજારિયા મિત્રએ ભવિષ્ય ભાખ્યું કે, `જગલા, તેં લીધેલા શેરના ભાવ છ મહિનામાં ડબ્બલ થઈ જશે.' `લખપતિ થવાનાં સપનાં જોતો જગો હરખાતો ઘરે ગયો, પરંતુ જગલાના નસીબના પડિયામાં સત્યાવીસ કાણાં હતાં. એટલે બીજા જ દિવસે શેરબજાર `કડડડભૂસ્સ' કરીને હેઠું પડ્યું. જગાએ લીધેલા શેરોનું ઉલાળિયું થઈ ગયું. એનું કોઈ `લેવાલ' જ ના રહ્યું અને જગાએ રોકેલાં પાંચ-પાંચ લાખ રૂપિયા ધોવાઈ ગયા. જગો `હક્કો-બક્કો' થઈ ગયો. એણે એના શેરબજારવાળા મિત્રને પોતાની મૂડી પરત મળે એવા પ્રયત્નો કરવા કહ્યું, પણ એ શેરબજારિયાએ પોતાના `હાથ અધ્ધર' કરી નાંખ્યા. જગો સોલ્લિડ ટેન્શનમાં આવી ગયો. `જોન્ટીને પાંચ લાખ પાછા કેવી રીતે આપીશ?' એ વિચારમાં એની ઊંઘ ઊડી ગઈ. આમ તો જોન્ટીને વર્ષ પછી રૂપિયા પરત કરવાના હતા, પણ ટેન્શન હોય ત્યારે સમય ઝડપથી પસાર થઈ જતો હોય છે. એટલે એક વર્ષ તો `ચુટકી'માં પસાર થઈ ગયું. જગો પાંચ લાખની વ્યવસ્થા ન કરી શક્યો અને ઉઘરાણીનો દિવસ આવી ગયો. જગલાએ જોન્ટીને સમય વધારી આપવા રિક્વેસ્ટ કરી. જોન્ટીએ `ઉધારીની શરતો'વાળું સ્ટેમ્પ પેપર કાઢ્યું, જેના પર જગાની સહીઓ પણ હતી. જેમાં વ્યાજની અને વ્યાજના પણ વ્યાજની શરતો હતી. જે વાંચી જગાના `મોતિયા' મરી ગયા, પણ જગો મજબૂર હતો.

શરતો સ્વીકારવા સિવાય એની પાસે છૂટકો નહોતો. એણે `હા' પાડી અને પછી જગો મૂડી, એનું વ્યાજ અને વ્યાજનું પણ વ્યાજ એવા ચક્કરમાં બરાબર ફસાયો. દર મહિને જોન્ટીના માણસો જગાના ઘરે પહોંચી જતા. જગાને બરાબર ધમકાવતા, ઘરની વ્યક્તિઓનું અપમાન કરતા, જાહેરમાં `સીન' કરતા, પણ જગો કંઈ કરી નહોતો શકતો. એ માંડ-માંડ થોડા પૈસા આપી શકતો, પણ એ તો વ્યાજના વ્યાજ જેટલા પણ નહોતા થતા. જોન્ટીના માણસો જગાના ઘરની વસ્તુઓ વસૂલાત પેટે લઈ જવા માંડ્યા. આમ, જગાનું ઘર ખાલી થઈ ગયું. જગાનું સ્કૂટર પણ એ લોકો લઈ ગયા. જગો એકદમ `બિચારો-બાપડો' બની ગયો. એ માનસિક રોગ `ડિપ્રેશન'નો ભોગ બની ગયો. ખૂબ ત્રાસી જગાએ આ `ફાની દુનિયા' છોડી દેવાનું નક્કી કર્યું. એણે ત્રણ `ફુલ સ્કેપ' ભરીને એક ચિઠ્ઠી લખી નાખી. જેમાં પોતાની આ હાલત માટે `પોલિટિશિયન જોન્ટી' જિમ્મેદાર છે એવું એણે સવિસ્તાર લખી નાખ્યું અને પછી એ `આત્મહત્યા' કરવા ધસી ગયો.

એણે પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું, પરંતુ એ જ સમયે એનો સાળો બકુલ ઉર્ફે `બકો' ત્યાંથી પસાર થતો'તો. એણે એના `બનેવીલાલ'ને નદીમાં ખાબકતા જોયા. બકો પોતે એક અચ્છો તરવૈયો હતો. એટલે એણે પણ જગાની પાછળ નદીમાં છલાંગ લગાવી દીધી અને પછી જગાનો કાંઠલો પકડી અને પાણીમાંથી બહાર કાઢ્યો. નદીમાં પડતાં બેભાન થઈ ગયેલો જગો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એ હોસ્પિટલમાં હતો અને એની સામે એનો સાળો બકો બેઠો'તો.

બકાના હાથમાં જગાની ત્રણ ફુલ સ્કેપવાળી `સ્યુસાઈડ નોટ' હતી. જગો ભાનમાં આવ્યો એટલે બકાએ ભેદી અવાજમાં સ્ટેટમેન્ટ કર્યું. `બનેવીલાલ, તમે હવે સહેજ પણ ચિંતા ન કરતા. આ જોન્ટીનો મામલો હું સુલટાવી આપીશ.' બકો આટલું બોલી ફટાફટ હોસ્પિટલમાંથી નીકળી ગયો. બકો ત્યાંથી સીધો જોન્ટીની ઓફિસે ગયો અને એણે જોન્ટીને પોતાના બનેવી જગાની સ્યુસાઈડ નોટની ઝેરોક્સ કોપી વાંચવા આપી. એ નોટ વાંચી જોન્ટી બધવાયો. બકાએ જોન્ટીને કરડા અવાજે ધમકી આપી કે, `જો આ સ્યુસાઈડ નોટ પોલીસને મળી જશે તો જોન્ટીભઈ તમારી પોલિટિશિયનની કારકિર્દી આજે, અત્યારે જ ખતમ થઈ જશે. તમે ક્યારેય રાજકારણમાં આગળ નહીં વધી શકો.' જોન્ટી ઉસ્તાદ હતો. એ બધું જ સમજી ગયો. એણે ફટાફટ સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને આપ્યું કે, `જગદીશ ઉર્ફે જગાએ મારી પાસેથી લીધેલા પાંચ લાખ રૂપિયા વ્યાજ સહિત મને પાછા આપી દીધા છે. મારે એની પાસેથી કંઈ પણ લેવાનું બાકી રહેતું નથી' અને નીચે જોન્ટીએ સહી કરી. બકાએ પોતાના બનેવી જગાની ઓરિજિનલ સ્યુસાઈડ નોટ જોન્ટીને આપીને જોન્ટીની સહીવાળો `ચૂકતે'નો કાગળ લઈ બકો જગાને મળવા હોસ્પિટલ ગયો. એ જ સમયે જગા પાસે ડોક્ટર દવે ફાઈલ રિપોર્ટ લઈ ઊભા'તા. એમણે બકા સામે જોઈ જાહેરાત કરી `તમારા બનેવી જગાભાઈના બંને ઢીંચણ ગયા છે અને એમને હૃદયની બાયપાસ સર્જરી પણ કરાવવી પડે તેમ છે. બે `ની રિપ્લેસમેન્ટ' અને બાયપાસનો ખર્ચો પાંચ લાખ થાય તેમ છે.' આ સાંભળી બકો બેભાન થઈ ગયો. જગો એને જોઈ રહ્યો.