લીડરશિપ એ માત્ર સત્તા ભોગવવાનું સાધન નથી, પરંતુ એ મર્યાદા અને જવાબદારીનું એક અત્યંત જટિલ સંતુલન છે. આધુનિક મેનેજમેન્ટમાં આપણે જ્યારે એક `લીડર' કે `મેનેજર'ના ગુણોની ચર્ચા કરીએ છીએ, ત્યારે અવારનવાર એવું સાંભળવા મળે છે કે લીડરે લોકોની વચ્ચે રહેવું જોઈએ, હસમુખા હોવું જોઈએ અને વાતાવરણ હળવું રાખવું જોઈએ, પરંતુ ભારતીય રાજનીતિના પાયાના સિદ્ધાંતો અને મનોવિજ્ઞાનને જો ઊંડાણપૂર્વક તપાસીએ, તો એક ગંભીર સત્ય સામે આવે છે: કે લીડરશિપ માટે અતિશય હાસ્યપ્રિયતા એ વરદાન નહીં, પણ એક મોટો અવરોધ છે. એટલા માટે જ એક સફળ લીડર માટે સ્મિત અને હાસ્ય વચ્ચેની પાતળી રેખાને ઓળખવી અનિવાર્ય બની જાય છે, કારણ કે જ્યારે હળવાશ હદ ઓળંગે છે, ત્યારે શિસ્ત અને સન્માનના પાયા હચમચી જાય છે.

જ્યારે આપણે કોઈ સંસ્થા કે રાજ્યના સંચાલનની વાત કરીએ છીએ, ત્યારે મેનેજર કે લીડરનું વ્યક્તિત્વ એ આખી ટીમ માટે એક માપદંડ બની જતું હોય છે. જો લીડર પોતે જ અતિશય હાસ્યપ્રિય હોય અને દરેક ગંભીર બાબતને મજાક કે હળવાશમાં લેવાની વૃત્તિ ધરાવતો હોય, તો તેના ગૌણ કર્મચારીઓ તેની મર્યાદા ભૂલી જાય છે. સત્તા અને શિસ્ત ત્યારે જ જળવાય છે જ્યારે લીડરના વ્યક્તિત્વમાં એક પ્રકારનું કુદરતી વજન અથવા `ગ્રેવિટી' હોય! હાસ્યપ્રિયતાનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે લીડરની આજ્ઞાનું મૂલ્ય ઘટાડી નાખે છે. જ્યારે કોઈ લીડર કે મેનેજર તેના કર્મચારીઓ સાથે અતિશય નિકટતા કેળવે છે અને સતત હાસ્ય-વિનોદમાં વ્યસ્ત રહે છે, ત્યારે ગૌણ લોકોના મનમાંથી એક પ્રકારનો સ્વાભાવિક આદર ઓછો થઈ જાય છે. તેઓ લીડરના આદેશોને સૂચન તરીકે લેવા લાગે છે અને તેને ગંભીરતાથી અનુસરવાનું ટાળે છે. આખરે આ પરિસ્થિતિ જ સંસ્થામાં અરાજકતા પેદા કરે છે, કારણ કે નેતાની એક પણ સૂચનામાં ધારદાર અસર રહેતી નથી.

આ ઉપરાંત નેતૃત્વનો એક મુખ્ય સ્તંભ `નિર્ણાયકતા' છે. એક લીડર કે મેનેજરે ઘણીવાર એવા કડક નિર્ણયો લેવા પડે છે, જે કદાચ લોકપ્રિય ન હોય. જો લીડર ખૂબ જ હાસ્યપ્રિય અને `બધાનો મિત્ર' બનીને રહેવાની કોશિશ કરે, તો તે આવા અઘરા નિર્ણયો લઈ શકતો નથી. તેને હંમેશાં એવો ડર રહે છે કે તેની કડકાઈને કારણે તેની હળવી અને ફ્રેન્ડલી હોવાની છાપ બગડી જશે. આ મનોવૈજ્ઞાનિક દબાણ તેને નબળો પાડે છે. હાસ્યપ્રિય લીડર ઘણીવાર ગૌણ લોકોના પ્રભાવમાં આવી જાય છે. કર્મચારીઓ જ્યારે જુએ છે કે તેમનો બોસ અતિશય હળવા સ્વભાવનો છે, ત્યારે તેઓ તેનો ગેરલાભ ઉઠાવવા લાગે છે, તેની સાથે તર્ક-વિતર્ક કરવા લાગે છે અને કામમાં આળસ કરે છે. લીડરની ગરિમા અને શાસનશક્તિ ત્યારે જ દેખાય છે જ્યારે તે જાણે છે કે કયા સમયે સ્મિત આપવું અને કયા સમયે મૌન કે ગંભીરતા જાળવવી.

તો ગોપનીયતા પણ નેતૃત્વનું બીજું મહત્ત્વનું પાસું છે. હાસ્યપ્રિય વ્યક્તિ અજાણતાંમાં જ વાચાળ બની જતી હોય છે. હસી-મજાકના માહોલમાં ઘણીવાર એવી સ્ટ્રેટેજિક વાતો કે સંવેદનશીલ વિગતો બહાર આવી જાય છે જે ખરેખર ખાનગી રાખવાની હોય છે. લીડરની હળવાશ તેને સુરક્ષિત રાખતા કવચને તોડી નાખે છે. જ્યારે કોઈ લીડર કે મેનેજર પોતાની નબળાઈઓ કે મનની મૂંઝવણો હળવાશમાં જાહેર કરી દે છે, ત્યારે તેના વિરોધીઓ કે તકવાદી લોકો તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકે છે. હાસ્યપ્રિયતા ઘણીવાર બિનજરૂરી ચર્ચાઓને જન્મ આપે છે, જે કાર્યસ્થળની ગંભીરતાને નષ્ટ કરે છે. શિસ્તબદ્ધ વાતાવરણ વગર કોઈ પણ મોટું લક્ષ્ય હાંસલ કરવું અશક્ય છે. લીડરનું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે લોકો તેની હાજરીમાં શિસ્ત અનુભવે, નહીં કે છૂટછાટ.

પ્રોફેશનલ જગતમાં પણ જોવા મળે છે કે જે મેનેજર શિસ્તના આગ્રહી અને ગંભીર હોય છે, તેમની ટીમો વધુ સારું પરિણામ આપે છે. તેનું કારણ એ છે કે ટીમ જાણે છે કે કામ એ મજાક નથી. જ્યારે નેતા પોતે કામના સમયે ગંભીરતા જાળવે છે, ત્યારે એ સંદેશ છેવાડાના માણસ સુધી પહોંચે છે કે સંસ્થાનાં લક્ષ્યો સર્વોપરી છે. અતિશય હાસ્યપ્રિયતા લીડરને `પર્ફોર્મન્સ' કરતાં `પર્સનાલિટી' તરફ વધુ દોરી જાય છે. તે પોતે હિટ રહેવા માટે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ સાથે સમાધાન કરવા લાગે છે. જો લીડરના ખભા પર હાથ મૂકવાની હિંમત દરેક વ્યક્તિ કરવા લાગે, તો સમજવું કે નેતૃત્વની સત્તાનો સૂર્ય આથમી રહ્યો છે. લીડરે ગૌણ લોકો માટે સુલભ હોવું જોઈએ, પણ એટલું સસ્તું નહીં કે કોઈ પણ તેની ગરિમાને ઠેસ પહોંચાડી જાય.

ઈનશોર્ટ, હાસ્યપ્રિયતાનો ત્યાગ કરવાનો અર્થ કઠોરતા નથી.

એક આદર્શ લીડર કરુણાવાન અને ન્યાયી હોવો જોઈએ, પણ તેની ન્યાયપ્રિયતા તેની ગંભીરતામાં છુપાયેલી હોવી જોઈએ. જે નેતા પોતાની વાણી, વર્તન અને હાસ્ય પર નિયંત્રણ રાખી શકે છે, તે જ આખી સંસ્થા પર નિયંત્રણ રાખી શકે છે. લીડરની સાચી ઓળખ તેના આત્મસંયમમાં છે. જો લીડર પોતે ચંચળ હશે, તો તેની નીચે કામ કરતા લોકો પણ ક્યારેય સ્થિર કે લક્ષ્યલક્ષી બની શકશે નહીં, તેથી એક મેનેજર કે લીડર તરીકે એ સમજવું જરૂરી છે કે હાસ્ય એ મનોરંજન માટે સારું છે, પણ શાસન અને સફળતા માટે તો ગંભીરતા, શાલીનતા અને મર્યાદા જ એકમાત્ર માર્ગ છે. જ્યારે લીડર મર્યાદામાં રહે છે, ત્યારે જ આખી ટીમ શિસ્તમાં રહે છે અને સંસ્થા પ્રગતિના પંથે આગળ વધે છે. એટલે લીડર્સે એ સમજી જવું જોઈએ કે, નેતૃત્વના આસન પર બેઠેલી વ્યક્તિ માટે હાસ્યપ્રિયતા એ માત્ર સ્વભાવની વાત નથી, પણ એક ગંભીર રણનીતિક ભૂલ છે જેની કિંમત આખી સંસ્થાએ ચૂકવવી પડી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો